Homeસાહિત્યએક કનુ ભગદેવ ખોવાયો છે

એક કનુ ભગદેવ ખોવાયો છે

Team Chabuk-Literature Desk: કનુ ભગદેવ એક જમાનો લઈ આવ્યા હતા. એ જમાનો આજે પણ વિસરાય નથી ગયો પણ તેમાં ઓટ આવી છે. તેમના પુસ્તકની પ્રસ્તાવના અને કેટલીય જગ્યાએ એવો દાવો કરવામાં આવે છે કે કનુ ભગદેવે 400 નવલકથાઓ લખી છે. આ આંકડો જો સત્ય હોય તો કનુ ભગદેવનું નામ એવા લેખકોની યાદીમાં સમાવિષ્ટ થાય જેમણે માત્ર રહસ્યકથાઓ પર 400 પુસ્તકો લખ્યા હોય. કદાચિત્ આ વિશ્વ કિર્તીમાન પણ હોય.

એ ઉજાગરો કરાવતા લેખક છે. એમનું પુસ્તક ઉઠાવો તો પૂરું કર્યા વિના રહો નહીં. કેટલીક બજારોમાં તેમના પુસ્તકો હઈડ હઈડ થાય છે. આપણે નથી જાણતા એમની જીવની શું છે ? એ કેવી રીતે લખતા, શૈલી તો પછીની વાત રહી. પ્રથમ તો તેમની જીવની જોઈએને.

રહસ્યકથા લખનારાઓનાં જીવન વિષે તમે કેટલા પરિચિત છો. અશ્વિની ભટ્ટ પાસેથી તેના વાચકોને એક આશા રહેલી કે આત્મકથા મળે અથવા તો તેમના જીવન સાથે સંલગ્ન હોય તેવું એકાદ પુસ્તક સંપાદિત થાય. જે હજુ સુધી તો મળ્યું જ નથી. ભટ્ટને યાદ બધા કરે છે. ભટ્ટને વાંચે બધા છે. ભટ્ટ એક રીતે નસીબદાર પણ છે કે તેમના વાચકોએ તેમને ગુજરાતના અન્ય સસ્પેન્સ થ્રીલર લેખકો કરતાં ઊંચું સ્થાન અપાવ્યું. આ કમાલ ભટ્ટ જ કરી શક્યા અને તેમના પછી હરકિસન મહેતા. બાકીના રહસ્યકથા લખનારાઓ લખી લખીને ખોવાઈ ગયા છે. ભટ્ટ અને મહેતાની ડુપ્લિકેટ આવૃતિઓ બજારમાં આવતી જતી રહે છે. બસ, આ રીતે જ ગુજરાતી ભાષામાં 2021ની સાલનું સસ્પેન્સ થ્રીલર ટકેલું છે.

આપણી પાસે હરકિસન મહેતા વિષેની વિસ્તૃત માહિતી મળી રહે તેવું સૌરભ શાહ દ્વારા સંપાદિત પુસ્તક હરકિસન મહેતા સર્જન અને વિસર્જન છે. એ સિવાય ગૌતમ શર્મા, નવનીત સેવક, કનુભગદેવ અને આજેય કંઈ કેટલાય રહસ્યકથા લેખકો આવ્યા અને ગયા. એ ગુમનામીમાં સરી પડ્યા. આ એક એવો વિષય છે જેની ચિંતા નથી કરવી પડતી. તેનું બેસણું નહીં કરવું પડે. દાયકામાં બારેક જેટલા લેખકો મળી જ રહે. પ્રકાશકો એમને છાપે પણ ખરા. રહસ્યકથામાં કોઈ દિવસ દુકાળ નહીં પડે. હા, લખનાર ખોવાયેલો છે એવું ભવિષ્યમાં લેબલ લાગી શકે.

રહસ્ય લખનારા લેખકોમાં અશ્વિની ભટ્ટ અને હરકિસન મહેતા સિવાયના તમામ લેખકોના બધા પુસ્તકો મળતા જ નથી. કેટલાક પુસ્તકો છપાતા બંધ થઈ ગયા છે. સુરેન્દ્ર મોહન પાઠક અત્યાર સુધી તો લુગદી જ લખતા હતા, પણ એમની વય 60ની થઈ ત્યારે છેક હાર્પર કોલિન્સ હિન્દીએ એમનો હાથ પકડ્યો. એ વાત ન ભૂલો કે સુરેન્દ્ર મોહન પાઠક પહેલા પણ તેમના કરતાં સારું

સસ્પેન્સ થ્રીલર લખનારા લેખકો હતા જ. એ બધા પણ ખોવાઈ ગયા. રાજકોટનાં જૂના બસ સ્ટેન્ડમાં એક દુકાન હતી ત્યાં લુગદી સાહિત્યના પુસ્તકો મળતા હતા. નવું બસ સ્ટેન્ડ બનાવ્યું અને દુકાન ક્યાં છે ? તપાસ તો કરજો.

અશ્વિની ભટ્ટને પણ એ વાત સતાવતી હતી. મારા આટલા બધા વાચકો છે છતાં આ લોકો મને સાહિત્યકાર ગણતા નથી. ગુજરાતીની પરિષદો અને અકાદમીઓ જ નહીં ભારતની પરિષદો અને અકાદમીઓ પણ આ વિશે શું કરે છે ? અંગ્રેજીમાં જે વસ્તુ ક્લાસિક બને છે તે ગુજરાતીમાં અનુવાદિત થયા પછી ચણા મમરાના ભાવે વેચાય છે. અર્થાત્ કોઈ પુસ્તકોની બજારમાં અડધીની અડધી કિંમતે. નો ડાઉટ વખાણ થાય છે. સાહિત્યમાં સમાવેશ થતો નથી.

વિચારીએ છીએ. આપણા મહાન સાહિત્યકારો પોતાના જ પુસ્તકની પ્રસ્તાવનામાં એમ લખતા હોય છે કે – અંતે છેલ્લો અભિપ્રાય તો વાચકોનો જ હોય. તો એ હિસાબે નંબર વનની પોઝિશન તો રહસ્યકથા લખનારાઓ જ ભોગવે. ખોટી વાત નથી. ઉલટાનું રહસ્યકથા વિષય આવે ત્યારે વાચકો નહીં આપણા લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો વિચારે છે.

શું આપણી પાસે રહસ્યકથાના લેખકોને પોરસ ચડાવવા માટે કોઈ એવોર્ડ છે ? નથી. જો રહસ્યકથાનાં લેખકો સાહિત્યકાર ગણાતા જ ન હોય તો પછી તેમના નામના એવોર્ડ તો ક્યાંથી હોય ? ઓ.હેનરીની વાર્તાઓ જે સાહિત્યમાં ખપાઈ ગઈ તેનો અંત વાચકોને આંચકો આપે છે. એક સસ્પેન્સ નો ઉઘાડ કરે છે, પણ એ અહીંયા તો કોઈ સમજતું જ નથી.

ગુજરાતીની સસ્પેન્સ થ્રીલર કથાઓ લાઈબ્રેરી માટે બનેલી છે. એ ત્યાં ખૂબ વંચાય છે. એવું નથી વેચાતી નથી. અશ્વિની ભટ્ટ અને હરકિસન મહેતા જેવું લખાણ હોય તો વેચાય પણ છે. રિ-પ્રિન્ટ પણ થયા કરે છે. પણ જો તમે કનુ ભગદેવ જેવું લખો છો, તો લખવાનું રહેવા દેજો. બીજા કનુ ભગદેવ ન બનો. આપણે એમને ક્યાં સાચવી શક્યા? ગૌતમ શર્મા વિશે ક્યાં આપણે માંડીને વાતો કરીએ છીએ. એચ.એન.ગોલીબારની હોરર કથાઓ સારી છે કે ખરાબ એ પણ કોઈ કહેતું નથી.

હમણાં ગુજરાતના એક સાહિત્યકાર કહેતા હતા કે ક્લાસિક વાંચો. ક્લાસિક લખવા માટે કેટલીય ભંગાર કૃતિઓનું સર્જન કરવું પડે છે. અશ્વિની ભટ્ટને આશકા-માંડલ અને આખેટ સુધી પહોંચતા 60 નવલકથાઓ અનુવાદિત કરવી પડેલી. એ 60 ક્યાં ? કનુ ભગદેવની કથા પરથી તો ફિલ્મ પણ બની છે. જોકે ગુજરાતી ફિલ્મોની તો પહેલીથી જ કથળેલી હાલત છે એટલે એ ન ચાલે તે સ્વાભાવિક છે. લોકપ્રિય સાહિત્ય લોકોને પ્રિય હોય છે – સાહિત્યકારોને પ્રિય નથી હોતું.

તાજેતાજો ઘાણવો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments