Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પૂન:બેઠા કરવા અને મત્સ્યોદ્યોગ પ્રવૃતિમાં પૂર્વવત કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 105 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ઉર્જામંત્રી સૌરભ પટેલ, મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા અને મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, એસી.એસ.પંકજકુમાર અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાય અને કમિશનર ડી.પી.દેસાઇ આ કોર કમિટીમાં જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ રાહત સહાય પેકેજની વિગતો આપતા કહ્યું કે, સાગરખેડૂ-માછીમારોને તાઉતે વાવાઝોડાથી થયેલા વ્યાપક નુક્સાનમાંથી પૂન:બેઠા કરવા અને પૂર્વવત કરવાની સંપૂર્ણ સંવેદનાથી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર આટલું વિશાળ 105 કરોડ રૂપિયાનું ઉદારતમ પેકેજ સરકારે જાહેર કર્યું છે.
તેમણે આ સંદર્ભમાં જણાવ્યું કે, તાજેતરમાં ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા બંદરો જાફરાબાદ, રાજુલા, સૈયદરાજપરા, શિયાળબેટ, નવાબંદર સહિતના બંદોરોને ઘમરોળીને કલાકના 220 કિ.મીની ઝડપે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી દરિયો પણ તોફાની થયો હતો. આના પરિણામે માછીમારોની ફિશિંગ બોટ, મોટા ટ્રોલર, હોડીઓ સહિત અમૂક કિસ્સાઓમાં મત્સ્યબંદરની માળખાકીય સુવિધાઓને પણ મોટાપાયે નુક્સાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 1600 કિ.મીનો સૌથી લાંબો સમુદ્રકિનારો ધરાવતા ગુજરાતમાં પોરબંદરથી ઉમરગામ સુધીની દરિયાઇ પટ્ટીમાં નાના-મોટા મત્સ્યબંદરો પરથી અનેક સાગરખેડૂ પરિવારો દરિયો ખેડીને માછલી-ઝિંગા જેવા મત્સ્ય ઉત્પાદનો મેળવી તેના વેચાણથી પોતાની આજીવિકા રળીને નિર્વાહ કરતા રહ્યા છે. તાજેતરમાં આ વિનાશક તાઉતે વાવાઝોડાએ આવા સાગરખેડૂ ભાઇઓની મત્સ્ય હોડીઓ, ફાઇબર બોટ અને ટ્રોલર તેમજ માછીમારી પરિવારોના કાચા-પાકા મકાનો, બંદર પર બોટ લાંગરવાની સુવિધા-જેટી અને અન્ય માળખાકિય સગવડોને નુક્સાન કર્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ દરિયાકાઠાંના અસરગ્રસ્ત વિસ્તારોની તેમની પોતાની મુલાકાત દરમિયાન પણ અનેક સાગરખેડૂ પરિવારોએ આ તાઉતે વાવાઝોડાને કારણે તેમનો આજીવિકાનો આધાર એવી મત્સ્ય પ્રવૃતિઓ માટેના મુખ્ય આધારસ્તંભ એવી ફિશિંગ બોટ, મત્સ્યજાળ-ફિશિંગનેટ, ટ્રોલર વગેરેને થયેલા મોટા નુક્શાનનો વેદનાપૂર્ણ ચિતાર આપ્યો હતો.
રાજ્ય સરકાર સાગરખેડૂ પરિવારોની આ વેદનામાં પૂરી સંવેદનાથી સહભાગી બનીને તેમને ફરી બેઠા કરવા, દરિયો ખેડી મત્સ્યપ્રવૃતિ દ્વારા આર્થિક આધાર મેળવતા કરવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેના પરિણામે આ રૂપિયા 105 કરોડનું સર્વગ્રાહી રાહત પેકેજ આપત્તિગ્રસ્ત માછીમાર પરિવારો માટે જાહેર કર્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મત્સ્યોદ્યોગ માટેના આ રાહત પેકેજ જાહેર કરતા પૂર્વે રાજ્યના મત્સ્યદ્યોગ-બંદર વિભાગના મંત્રી જવાહર ચાવડા અને સચિવ નલિન ઉપાધ્યાય સહિતના વરિષ્ઠ અધિકારીઓએ અસરગ્રસ્ત જિલ્લા અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથના બંદરોની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લઇને માછીમાર પરિવારોને થયેલા હોડીઓના, મોટીબોટના, ટ્રેલરના તેમજ જેટી-બંદરોને થયેલા નુકસાનનો સર્વગ્રાહી સર્વે સ્થાનિક માછીમોરોની રજૂઆતો ધ્યાને લઈને કર્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલા આ રાહત પેકેજમાં 25 કરોડ રૂપિયા સાગરખેડૂ-માછીમારોની બોટ, ટ્રોલર, ફિશિંગનેટ વગેરેને થયેલા નુક્સાન રાહત પેટે તેમજ 80 કરોડ રૂપિયા મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનની મરામત માટે મળીને કુલ રૂપિયા 105 કરોડનું આ પેકેજ છે.
મુખ્યમંત્રીએ જાહેર કરેલા આ મત્સ્યોદ્યોગ રાહત-સહાય પેકેજની મુખ્ય બાબતો આ મુજબ છે
- બોટ જાળ/સાધન સામગ્રીને થયેલા નુક્સાન સામે સહાય પેટે થયેલા નુક્સાનના 50 ટકા અથવા રૂ. 35,000 સુધી સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.
- અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં 50% અથવા રૂ. 35,000 સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.
- જો નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના 50% અથવા રૂ. 75,000 બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે.
- અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં 50% અથવા રૂ. 2.00 લાખ બેમાંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય અપાશે.
- આ ઉપરાંત રૂપિયા 5 લાખ સુધીની લોન કોઈ માછીમાર લે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.
- પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર,ડોલનેટર,ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50 ટકા અથવા રૂપિયા 5 લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે.
- આ ઉપરાંત રૂપિયા 10 લાખ સુધીની લોન પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.
- ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા 8200 પ્રમાણે સહાય અપાશે.
આ પેકેજની અન્ય વિશેષતાઓ વિશે જોઈએ તો
- નુકશાન પામેલ બોટના ખલાસીઓને જીવનનિર્વાહ માટે ખલાસી દીઠ ઉચ્ચક રૂ. 2000/-ની સહાય ખલાસીઓના ખાતામાં સીધા DBTથી ચૂકવવામાં આવશે.
- જો માછીમારો અંશત: નુકશાન પામેલ મોટી બોટની મરામત માટે રૂ. 5.00 લાખ સુધીની બેંક લોન મેળવે તો તેના પર વાર્ષિક 10% સુધીની વ્યાજ સહાય બે વર્ષ માટે રાજ્ય સરકાર ચૂકવશે.
- તેજ રીતે પૂર્ણ નુકશાન પામેલી મોટી બોટની મરામત માટે રૂ. 10.00 લાખ સુધીની બેંક લોન માછીમારો દ્વારા મેળવવામાં આવે તો તેના પર વાર્ષિક 10% સુધીની વ્યાજ સહાયબે વર્ષ માટે રાજ્ય સરકાર ચૂકવશે.
આમ, તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં આશરે 1000 નાની મોટી બોટને થયેલા નુકશાન સામે રાજ્ય સરકાર સહાય પેકેજમાં સુચવેલા ધારાધોરણ અનુસાર માછીમારોને રૂપિયા 25 કરોડ સહાય ચૂકવશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. વિજય રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, તાઉતે વાવાઝોડા દરમિયાન દરિયાકાંઠાના કેટલાક બંદરોની માળખાકીય સુવિધાઓને થયેલા નુકશાનની મરામત અને નવીનીકરણ માટે પણ આ પેકેજમાં વિચાર કરવામાં આવ્યો છે.
તદઅનુસાર રાજ્યના દરિયાકાંઠાના જાફરાબાદ, નવાબંદર, સૈયદ રાજપરા અને શિયાળબેટ ખાતેના મત્સ્ય બંદરોને મોટા પાયે થયેલા નુકશાનની મરામત તથા નવીનીકરણ માટે સહાય પેકેજમાં જે જોગવાઇઓ કરવામાં આવી છે તે આ મુજબ છે.
જાફરાબાદ
- હયાત જેટીનું વિસ્તરણ કરી 500મી. લંબાઈની નવી જેટી બનાવવી.
- બ્રેક વોટરની દુરસ્તી.
- લાલબત્તી વિસ્તારમાં વાર્ફ વોલ સાથેની પાર્કિંગ સુવિધા ઊભી કરવી.
- ટી-જેટી વિસ્તારમાં પાર્કિંગ સુવિધા ઊભી કરવી.
- હયાત જેટીની સરફેસમાં તેમજ ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત.
શિયાળબેટ
- નુકશાન થયેલ જેટીને દુરસ્તી તથા વિસ્તરણ.
- ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત.
સૈયદ રાજપરા
- વાર્ફ વોલ અને સ્લોપ પિચિંગને થયેલ નુકશાનની મરામત અને મજબૂતીકરણ.
- ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત.
નવાબંદર
- જેટી, બોલાર્ડ અને સ્લોપ પિચિંગને થયેલ નુકશાનની મરામત અને મજબૂતીકરણ.
- ઈલેક્ટ્રીક સુવિધાઓને(હાઈ માસ્ટ ટાવર) થયેલ નુકશાનની મરામત.
- મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ઉપર ડિસિલ્ટેશનની કામગીરી માટે પણ રાજ્ય સરકાર સહાય કરશે.
રાજ્ય સરકારે જાહેર કરેલા કુલ 105 કરોડ રૂપિયાના રાહત સહાય પેકેજમાંથી તાઉતે વાવાઝોડાના કારણે માળખાકીય સુવિધાઓને થયેલા નુકસાનમાંથી માળખાકીય સુવિધા પુન:કાર્યરત કરવા અને સુવિધાઓનું વિસ્તરણ કરવા તથા મજબુતીકરણ માટે રૂ. 80 કરોડનો ખર્ચ થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત