Editors Gallery: વીટીવીના પત્રકાર ઈસુદાનભાઈ ગઢવી પત્રકારત્વમાંથી નિવૃત્ત થઈ ગયા. પ્રચંડ લોકપ્રિયતા. તેમની ઓફિસમાં લોકો તેમની સાથે ફોટો પાડવા માટે આવતા હતા. કેટલાક મિત્રોના અગાઉ ફોન પણ આવી ચૂકેલા કે, ‘‘ઈશુદાન ભાઈ સાથે ફોટો પડાવવાનો મેળ કરી આપોને…’’ એક કલાકની લાંબી ધમાચકડી બાદ સમજાવીને તે મિત્રને પાછો વાળીએ. કેટલાક મિત્રો એવા કે અમારા રહેઠાણ ગૃહે ખાબકી પડે અને ઈસુદાનભાઈ સાથે ફોટો પડાવવાની હઠ લઈ બેસે.
ગુજરાતમાં ભાગ્યે જ કોઈ પત્રકારને આટલી લોકપ્રિયકતા મળી હશે અને લોકપ્રિયતા મળવા પાછળનું કારણ ઈસુદાનનું કોમ્યુનિકેશન. શહેરના સામાન્ય માણસ અને સોશિયલ મીડિયાના યુઝર્સ તેને ‘ડાયરો’ કહે છે. આ ડાયરાનાં કારણે જ ઈસુદાનભાઈની લોકપ્રિયતા આકાશે આંબી ગઈ. પત્રકારત્વનો અભ્યાસ કર્યો હશે તો તમે ભણ્યા હશો કે, કોમ્યુનિકેશન એવી રીતે કરવું કે બધાને સમજાય જાય. મુદ્દા તો આ પહેલા પણ ઉઠાવવામાં આવતાં જ હતાં, પણ તે પત્રકારત્વની રીતે ઉઠાવવામાં આવતા હતા. શાંતિથી ઉઠાવવામાં આવતા હતા. પૂર્વ તૈયારી રૂપે ગોખેલા પ્રશ્નો પૂછી નાખવામાં આવતા હતા. જ્યારે ઈસુદાનભાઈએ એક એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું કે ત્યાં સીધા એ આરંભ કરતા જ બોલી નાખે, ‘‘આજે દેશને બુચ મારીને ભાગી જનારા કેટલાક લેભાગુ તત્વોની વાત કરવી છે.’’
કેટલાક ગામડાઓ અને તાલુકામાં મહામંથન ખૂબ જોવાયું. ઈસુદાનભાઈ બાદ મહામંથનની આવી લોકપ્રિયતા નહીં રહે. ‘મહામંથન’ શબ્દ ઉચ્ચારતા ‘ઈસુદાનભાઈ કરતા…’ એવું બધાને યાદ રહેશે. એ વીટીવીનાં પત્રકારોને પણ માનવું પડશે, કારણ કે ઈસુદાનભાઈ જે ગામઠી શબ્દો લાવતા અને એક આખો ડાયરો ભરતા એ હવે બંધ થઈ જશે. એવું નથી કે એમણે ડાયરો જ કર્યો હોય.
મહામંથનના એક એપિસોડમાં ઈસુદાનભાઈ ફાયર સેફ્ટીનો મુદ્દો ઉઠાવેલો. એમાં તેઓ કોઈ અનુભવી ફાયર સેફ્ટીમેનને લાવેલા અને આગ લાગે તો શું કરવું એની એક એક વાત સમજાવી હતી. કેટલીક વાતો તો ગ્લાસ લઈ ત્યાં ને ત્યાં પ્રેક્ટિકલ કરી સમજાવી હતી. ઈસુદાનભાઈના આવા કેટલાક મહામંથન હતા, જે યાદ રાખવાની જરૂર હતી. લોકો ફક્ત ડાયરો ડાયરો કરતા રહ્યા. એ ડાયરાની આડમાં આવા સારા મહામંથનના એપિસોડ પણ દબાય ગયા. જે હકીકતે જોવા જેવા હતા. ઉપરથી ઈસુદાનભાઈ એમની શૈલીમાં ગળે ઉતારી દે.
આરંભથી જ ઈસુદાનભાઈ ખેડૂતો તરફી રહ્યા. મહામંથન લાઈવ થતું ત્યારે ખેડૂતોની પ્રતિક્રિયા જાણી શકાતી હતી. ફેસબુક લાઈવમાં વીટીવી પર ધડાધડ કોમેન્ટોનો વરસાદ થતો હતો. જોનારાઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જતી હતી. એક હજારમાંથી, બે હજાર થાય, બે હજારમાંથી ત્રણ હજાર થાય. સરકાર ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય ન લે તો ઈસુદાનભાઈ ઝાટકી નાખે. કોઈ વખત એવું પણ બનતું કે બોલાવેલી પેનલ કરતાં ઈશુદાનભાઈ વધારે બોલતા હોય.
બે અઠવાડિયાની વાત છે. ઈસુદાનભાઈ કાંઈક અલગ દેખાય રહ્યા હતા. હવે માણસને ફેસબુકના કારણે ઓળખવો સહેલો થઈ જાય છે. ઈસુદાનભાઈ જે સરકારને ધડાધડ ને ધારદાર સવાલો પૂછતા હતા તેમણે બે એવા શો કર્યા કે માની ન શકાય. હા, તેઓ ભગવાનમાં માને છે. સૌરાષ્ટ્રના છે! પણ મહામંથનમાં આવેલા એ બે શો ગળે નહોતા ઉતરતા. એક રામદેવપીર ઉપર કરેલો અને બીજો હનુમાનજી ઉપર કરેલો. આ શો તો સવારના સ્લોટમાં ભક્તિ જેવા ધર્મરસના કાર્યક્રમો કરનારા પણ કરી શકતા હતા. આ એક શંકા હતી. અત્યાર સુધી મહામંથનમાં બઘડાટી બોલાવનારા ઈસુદાનભાઈ આ કઈ દિશામાં ચાલ્યા ગયા?
ગઈકાલે એવો સંદેશ મળ્યો કે ઈસુદાનભાઈ વીટીવી છોડે છે. વીટીવીની ઓળખ ઈસુદાનભાઈ હતા. આ ઓળખથી તેઓ ખૂદ પણ કોઈ દિવસ નહીં છૂટી શકે. આજે પણ ગુજરાતની ચેનલોના મોટામોટા પત્રકારો અને તંત્રીઓ એવી ઓળખ ઊભી નથી કરી શક્યા. બધું એક સરખું લાગે છે. બ્રેકિંગ વખતે એક ચેનલ ઘરની બારીનો કાચ તોડે છે તો બીજી ચેનલ કારની બારીનો કાચ તોડે છે. એક પીળા કલરના ગ્રાફિક્સ બનાવે છે તો બીજી ચેનલ પણ પીળા કલરના ગ્રાફિક્સ બનાવે છે. ‘એ પેલી ચેનલમાં ચાલી ગયું…’ એમ કહી પોતાની ચેનલમાં કેમ નથી ચાલ્યું, ના સંવાદ સાથે રિપોર્ટરને ખખડાવી નાખે છે. બાપડા રિપોર્ટરને તો અસાઈન્મેન્ટે બીજે ક્યાંક મોકલ્યો હોય. એ કેટલેક પહોંચે. ખેર, ચેનલોની આ સૃષ્ટી છે. એમાં કામ કરો તો હેવાયા થઈ જવાનું.
જો ઈસુદાનભાઈએ પ્રાઈમ ટાઈમમાં બીજા બધા એન્કર કરે એ જ પ્રવૃત્તિ કરી હોત તો એ કોઈ દિવસ ઊંચા ન આવેત. એ આજે પણ ત્યાં જ હોત. જેવો તેવો, કોઈને ગમ્યો કે ન ગમ્યો, પણ એમણે પ્રયોગ કર્યો અને એ સફળ ગયા છે.
મને ચિંતન ભોગાયતા નામનો અને અત્યારે એબીપી અસ્મિતામાં કામ કરતો એક એન્કર યાદ આવે છે. આ પહેલા તેનું એક નામ હતું. જે એણે ખૂદ બોલી ને જણાવવું પડતું હતું. પણ બાદમાં ‘બોલ બચ્ચન’ અને ‘ચિંતા ના કરો ચિંતન છે.’ જેવા બે કાર્યક્રમોથી લોકપ્રિય થઈ ગયો. ચિંતા ના કરો ચિંતન છે એ તો બરાબર, સમાચાર અને માહિતીલક્ષી કાર્યક્રમ છે, પણ બોલ બચ્ચનમાં તેણે જે સામાન્ય જનતા સાથે સિમ્પલિસિટી વાપરી એ એક ‘કાઠિયાવાડી’ જ કરી શકે. એમાં એક કાઠિયાવાડીનો રણકો દેખાતો હતો. કંઈક અલગ થયું અને તે સફળ થઈ ગયો.
ઈસુદાનભાઈએ ભલે ડાયરો કર્યો પણ એક લોક જુવાળ ઊભો કર્યો. કોઈ એન્કરને આટલી પ્રસિદ્ધિ મળી હોય તેવું ગુજરાતી ન્યૂઝ ચેનલના ઈતિહાસમાં નોંધાયેલું નથી. હા, કેટલાક ચહેરાઓ જૂના છે પણ એ એટલા લોકપ્રિય નથી. જયેશ પાર્કર, ચિરાગ શાહ, સમીર શુક્લ, અક્ષય શ્રોફ… આ મોટા નામ આવે છે. પ્યોર પત્રકારત્વ જે ભાષાની દૃષ્ટી જોવું હોય તો ચિરાગભાઈ શાહ અવ્વલ છે. અને કદાચ એ અંતિમ છે.
હવે વીટીવીના નવા હેડ હેમંતભાઈ ગોલાણી બન્યા છે. એમને ટીમ ચાબુક તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. ઈસુદાનભાઈ હવે કઈ નવી ઈનિંગ ચાલુ કરે છે તેના પર સોશિયલ મીડિયા મીટ માંડીને બેઠું છે. એમને પણ નવી ઈનિંગ માટે ખૂબ ખૂબ અભિનંદન.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત