Team Chabuk- Gujrat Desk: ગુજરાત સરકારના રોજગારીના દાવાઓની હવા વિધાનસભા ગૃહમાં નીકળી ગઈ છે. રાજ્યના યુવાનોને રોજગારી આપવાના જે દાવાઓ ગુજરાત સરકારે કર્યા હતા તે પોકળ સાબિત થયા છે. રોજગારી આપવાની મોટી મોટી વાતો વચ્ચે સરકાર જોઈએ તેટલી રોજગારી આપી શકી નથી. સરકારે 2019માં દાવો કર્યો હતો 21 લાખ લોકોને રોજગારી આપવામાં આવશે જેની સામે માત્ર 8.77 ટકા જ રોજગારીનું સર્જન થયું છે.
ગુજરાતમાં મૂડીરોકાણ વધે, નવા ઉદ્યોગો સ્થપાય તે માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2003થી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટનું આયોજન કરવામાં આવે છે. આ સમીટ પાછળ સરકાર કરોડો રૂપિયાનું આંધણ પણ કરે છે. સમીટ યોજાયા બાદ સરકાર અબજો રૂપિયાનું મૂડીરોકાણ આવશે અને તેનાથી લાખો લોકોને રોજગારી મળી રહેશે જેવી મોટી મોટી વાતો કરે છે. સરકારના આવા દાવાઓથી નોકરી ઇચ્છતા યુવાનોની આંખોમાં આશાનું કિરણ જાગે છે. તેમને લાગે છે કે સરકાર જે લાખો લોકોને નોકરી આપવાના દાવા કરી રહી છે તેમાં તેમનો નંબર જરૂરથી લાગી જશે. પરંતુ પરિણામ ઉલટું આવ્યું છે.
સરકારના આવા દાવાઓની પોલ વિધાનસભા ગૃહમાં છતી થઈ ગઈ છે. બુધવારે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં વિધાનસભા ગૃહમાં ઉદ્યોગનો હવાલ સંભળાતા મંત્રી સૌરભ પટેલે આંકડા રજૂ કર્યા હતા. આ આંકડા સરકારના લાખો રોજગારી આપવાના દાવાઓથી એકદમ વિપરિત હતા.
સૌરભ પટેલે પ્રશ્નનો જવાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે, ‘વર્ષ 2019માં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં કુલ 20,90,399 સૂચિત રોજગારી ઉભી થવાનો અંદાજ હતો પરંતુ 31 ડિસેમ્બર 2020 સુધીમાં માત્ર 1,83,487 લોકોને જ રોજગારી મળી શકી છે.’ એટલે કે સરકારે જે દાવો કર્યો હતો તેના માત્ર 8.77 ટકા જ રોજગારી પેદા થઈ શકી છે. વિધાનસભામાં રજૂ થયેલા આ આંકડાએ સરકારના દાવાઓની હવા કાઢી નાખી છે.
સૌરભ પટેલે જણાવ્યું કે 21 ડિસેમ્બર 2020ની સ્થિતિએ ઉત્પાદનમાં ગયેલા 11596 પ્રોજેક્ટમાં કુલ 1,83,487 લોકોને જ રોજગારી મળી છે. આમ 21 લાખ નોકરી આપવાની સરકારની વાતો હવામાં ગોળીબાર સમાન લાગી રહી છે.
તાજેતરમા જ વર્ષ 2021-22ના બજેટમાં રાજ્ય સરકારે 2 લાખ લોકોને રોજગારી આપવાની વાત કરી છે ત્યારે સરકારનો આ દાવો પણ પોકળ સાબિત થાય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. કેમ કે ગ્લોબલ વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમીટ દ્વારા બે લાખ નોકરી પેદા નથી થઈ શકી ત્યારે સરકાર 2 લાખ લોકોને રોજગારી કઈ રીતે આપી શકે છે તે જોવું રહ્યું.
રાજ્ય સરકાર દર બે વર્ષ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટનું આયોજન કરે છે.આ સમીટમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી કંપનીઓ ભાગ લેવા આવે છે. સમીટ દરમિયાન કરોડો રૂપિયાના રોકાણ માટેના કરાર થાય છે. સરકાર પણ રોકાણ વધારવા માટે સમીટ પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો કરી નાખે છે. તેમ છતાં ઇચ્છિત પરિણામ ન મળતાં હવે સરકાર સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત