Team Chabuk-Gujarat Desk: લોકો તંગ આવી ગયા છે. સરકારની અખબારો સહિતના માધ્યમો દ્વારા ટીકા થઈ રહી છે. કોરોનાના પુન:પ્રસાર પાછળનું કારણ ચૂંટણીઓમાં મન મૂકીને જનતા જનાર્દન ભેગું કરી કરવામાં આવેલો પ્રચાર છે. ચૂંટણી ટાણે જનતાને રોકવામાં ન આવી કારણ કે તેમાં સ્વાર્થ હતો. ચૂંટણી બાદ પણ રોકી શકાય હોત તેની જગ્યાએ સ્ટેડિયમમાં 65 હજારની મેદની ભેગી કરવામાં આવી. જનતા પણ ઘરમાં બેસી બેસીને કંટાળી હતી એટલે નવા સ્ટેડિયમને જોવા ઘેલી બની અને ગઈ. એમાં ગુજરાત હવે વરવી સ્થિતિમાં મૂકાયું છે.
હવે એક ભેદભાવ ઉડીને આંખે વળગી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે ગામડાઓ ખૂંદતા સરકારી બાબુઓએ કરફ્યૂ 12થી 6નો કર્યો હતો. અને હવે તેમના જ કારણે વધી રહેલા કોરોનાના કેસથી 10થી 6નો સમય થઈ ગયો છે. જનતા એક પ્રયોગશાળા બની ગઈ છે. જેના પર નીતનવા પ્રયોગો કરવામાં આવે છે. જો એ અંદર રહે તો કોરોના કાબુમાં આવશે. જો ન રહે તો કાબુમાં નહીં રહે.
હવે આવતીકાલે 17 માર્ચથી જનતાને ઘરમાં પૂરાય જવાનું છે. દસ વાગ્યાથી જે શહેરના લોકો ઘરમાં પુરાવાના છે તે શહેરોના નામ છે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ. ધ્યાન રાખજો આ એ જ નગરો છે જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભરપૂર પ્રચાર કર્યો હતો. એમાંય અમદાવાદમાં તો મનોરંજનનું માધ્યમ ટી ટ્વેન્ટી મેચ પણ હતી. જેમાં જનતાએ પણ સમજદારી ન દાખવી અને ઉમટી પડી. 17 માર્ચથી દસ વાગ્યામાં ઘરમાં પુરાવાની આ વિધિ 31 માર્ચ સુધી ચાલશે. આજના દિવસ સુધી કરફ્યુની અવધિ 12 વાગ્યા સુધીની છે.
આજે કોર કમિટિની બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. હવે કયા વિસ્તારમાં કેટલો કરફ્યૂ રાખવો તેની આજ સાંજ સુધીમાં જાહેરાત કરવામાં આવશે. આમ તો રાત્રિ કરફ્યૂની મુદ્દત ગઈકાલનાં જ પૂર્ણ થઈ ગઈ હતી. પણ અચાનક કેસ 800 સુધી પહોંચી જતાં તાત્કાલિક આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યપ્રધાને મહાનગરપાલિકાના કમિશનરોને યોગ્ય લાગે ત્યાં નિર્ણય લેવા અને પગલાં ભરવા માટે પણ જણાવ્યું છે.
આ સિવાય બે મેચમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકો વિના મેચ રમાશે. જો અગાઉ જ ધ્યાનમાં રાખીને મેચમાં દર્શકો એકઠા ન કર્યા હોત તો શક્ય છે કે આટલી મોટી સંખ્યામાં કેસ પહોંચેત પણ નહીં. આ સિવાય અમદાવાદ શહેરમાં રાતના દસ વાગ્યા પછી મુખ્ય 8 વિસ્તારોમાં હોટલ અને રેસ્ટોરન્ટના એકમોને બંધ કરી દેવામાં આવશે.
ગુજરાતમાં ચૂંટણી અને ક્રિકેટ બાદ કોરોનાના કેસમાં સતત વધારો થવા લાગ્યો છે. એવામાં સાવચેતીના પગલાંરૂપે હવે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન કરાવવામાં આવી શકે છે. આવનારા સમયમાં માસ્ક અથવા તો સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું જનતા ઉલ્લંઘન કરતી જોવા મળે તો ફરી ગાઈડલાઈન મુજબ કડક પાલન કરાવશે તેવી કોર કમિટીની બેઠકમાં વિચારણા થઈ છે.
ગુજરાત સરકાર અગમચેતીનાં પગલાં રૂપે મહારાષ્ટ્રની માફક કેટલાક શહેરોમાં લોકડાઉન ન લાદવું પડે તેવી કામગીરીમાં અત્યારથી જ લાગી ગઈ છે. અત્યાર સુધી ગુજરાત સરકારની કોરોનાને લઈ કરવામાં આવેલી કામગીરી વખાણવા લાયક છે. અન્ય રાજ્યો કરતા સારી રહી છે. પણ એ ન ભૂલવું જોઈએ કે નેતા લોકોએ ભેગી કરેલી ભીડ અને જનતાને સ્ટેડિયમમાં મેચ જોવા માટે અપાયેલા છુટ્ટા દોરના કારણે હવે કોમન મેનને ભોગવવાનો વારો આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત