Homeગુર્જર નગરીરાજ્ય સરકારે રથયાત્રાને આપી મંજૂરી, આ નિયમો સાથે અમદાવાદમાં નીકળશે રથયાત્રા

રાજ્ય સરકારે રથયાત્રાને આપી મંજૂરી, આ નિયમો સાથે અમદાવાદમાં નીકળશે રથયાત્રા

Team Chabuk-Gujarat Desk: આખરે અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને રાજ્ય સરકાર તરફથી લીલીઝંડી આપી દેવામાં આવી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ અંગેની જાહેરાત કરી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા અમૂક શરતોને આધિન કર્ફ્યૂના અમલ વચ્ચે રથયાત્રા કાઢવા માટેની મંજૂરી આપી છે. જેથી કોરોનાકાળમાં તમામ નીતિ નિયમોના પાલન સાથે અમદાવાદમાં રથયાત્રા નીકળશે. કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાય નહીં તેનું ધ્યાન રાખીને રથયાત્રા કાઢવી પડશે તેવું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું છે.

રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની છે ત્યાં સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમિયાન કર્ફ્યૂનો અમલ કરવાનો રહેશે. જેથી સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રથયાત્રાના દિવસે કર્ફ્યૂ રહેશે. આ વર્ષે રથયાત્રામાં માત્ર પાંચ વાહનો જ જોડાશે. રથયાત્રામાં જોડાનારા ખલાસીઓના 48 કલાક પહેલા આરટી-પીસીઆર રિપોર્ટ કરાવવામાં આવશે. રથયાત્રામાં દર વર્ષે અખાડા અને ભજનમંડળીઓ ભાગ લેતી હોય છે પરંતુ આ વર્ષે અખાડા અને ભજનમંડળીઓને મંજૂરી આપવામાં આવી નથી. આ ઉપરાંત રથને વચ્ચે રોકીને સ્વાગત કરવાની પણ મંજૂરી નથી આપવામાં આવી. કોઈ દર્શનાર્થીઓ રથની નજીક નહીં આવી શકે. રથયાત્રા મંદિરેથી નીકળી પરત ન આવે ત્યાં સુધી પૂર્વ અને પશ્ચિમને જોડતા તમામ બ્રિજ બંધ રહેશે. તેમજ ભક્તોને પ્રસાદ પણ નહીં આપવામાં આવે.

પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ રથયાત્રા પરંપરાના જતન માટે છે તેથી જો કોઈ નિયમોનો ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, રથયાત્રાના દર્શન માટે લોકો બહાર ન નીકળે, પરંતુ ઘરે બેસીને જ દુરદર્શન અને ટીવી ચેનલોના માધ્યમથી રથયાત્રાના દર્શન કરે.

આગામી 12 જુલાઈએ અષાઢી બીજના દિવસે 144મી રથયાત્રા યોજાશે. રથયાત્રા પહેલા થતી પહિંદવિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જોડાશે. દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ રથયાત્રાના દિવસે નીજ મંદિરે આવીને સવારે મંગળા આરતીમાં જોડાશે.

રથયાત્રા કાઢવાની મંજૂરી મળ્યા બાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ બાપુએ જણાવ્યું હતું કે, કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને રથયાત્રાનું આયોજન કરીશું. દિલીપદાસ બાપુએ લોકોને અપીલ કરી હતી કે તેઓ ઘરે રહીને ટીવી ચેનલોના માધ્યમથી રથયાત્રાના દર્શન કરે. હાલ મંદિર પરિસર તરફથી રથયાત્રા કાઢવાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રથયાત્રા પહેલા આજે મંદિરમાં મામેરા વિધિ પણ યોજવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments