Homeગુર્જર નગરીયુક્રેનમાં ફસાયેલા ગુજરાતીને વતન પરત લાવવા ગુજરાત સરકારે શરૂ કરી હેલ્પ લાઈન

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીને વતન પરત લાવવા ગુજરાત સરકારે શરૂ કરી હેલ્પ લાઈન

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાંથી યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા યુવાઓ યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધની પ્રવર્તમાન સ્થિતિમાં ત્યાં ફસાઈ ગયેલા છે. આ યુવાઓને તેમના વતન ગુજરાત પરત લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયે હાથ ધરેલા પ્રયાસો ફળદાયી રહ્યા છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

શિક્ષણમંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત સરકાર યુક્રેનમાં ફસાયેલા આ યુવાનોને સહીસલામત પરત લાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ.જયશંકર અને કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય અને એમ્બેસી સાથે સતત સંપર્ક અને સંકલનમાં છે.  

એટલું જ નહીં, ગુજરાત સરકારે આ યુવાઓની માહિતી તેમ જ તેમના પરિવારજનો તથા સગાસંબંધીઓ વિગતો આપી શકે તે માટે એક હેલ્પલાઈન સવારે 9-00 થી રાત્રિના 9-00 વાગ્યા સુધી શરૂ કરી છે.  હેલ્પલાઈન નંબર- 079-232-38278. Email– [email protected] રાજ્યના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા પોતાના સંબંધીઓની માહિતી કે વિગતો ઈમેલ દ્વારા પણ આપી શકે છે.

ગુજરાતના જે યુવાનો યુક્રેનમાં છે અને વર્તમાન સ્થિતિમાં ફસાઈ ગયા છે તે તમામ યુવાનોને સહીસલામત પરત લાવવા માટેની વ્યવસ્થાઓ માટે મુખ્યમમંત્રીએ રાજ્યના વહીવટીતંત્રને કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહેવા અને જરૂરી વ્યવસ્થા કરવા માર્ગદર્શન આપી રહ્યા છે.

શિક્ષણમંત્રીએ કહ્યું કે, ભારત સરકારે યુક્રેનથી યુવાઓને પરત લાવવા રેસ્ક્યૂ ફ્લાઈટ શરૂ કરી છે. તે અંતર્ગત બે ફ્લાઈટ દ્વારા ગુજરાતના કુલ 100 જેટલા યુવાઓ શનિવારે મોડી રાત્રે મુંબઈ અને રવિવાર વહેલી સવાર સુધીમાં દિલ્હી આવી પહોંચશે.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને તેમના સતત ફોલોઅપને પગલે રાજ્ય સરકારે આ યુવાઓને મુંબઈ અને દિલ્હીથી ગુજરાત પરત લાવવા અને તેમના વતન સુધી પહોંચાડવાની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરી છે.

આ હેતુસર મુંબઈ અને દિલ્હી ખાતે વોલ્વો બસની સુવિધા તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓને નોડલ ઓફિસર તરીકે જવાબદારી સોંપી મોકલવામાં આવ્યા છે.

ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી યુક્રેન ગયા હોય તેવા કુલ 584 વ્યક્તિઓ ત્યાં ફસાયેલા હોવાની વિગતો હેલ્પલાઈન અને ઈમેલ દ્વારા પ્રાપ્ત થઈ છે. તેના અનુસંધાને પણ મુખ્યમંત્રી સતત ચિંતા કરીને આ લોકોને પણ સહીસલામત ગુજરાત પરત લાવવા માટે પ્રધાનમંત્રી અને કેદ્ર સરકાર સાથે સંકલનમાં છે.

દિલ્હી અને મુંબઈથી જે યુવાનો આવશે તેમને અમદાવાદથી પોતાના વતન જિલ્લામાં જવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર કરશે. તથા જે વિદ્યાર્થીઓને અમદાવાદમાં રોકાણ માટેની જરૂરિયાત હોય તેમના માટે કેસીજીમાં વ્યવસ્થા કરવામાં આવશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments