Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર ફસાયા, માઈનસ પાંચ ડિગ્રીમાં રાત ગુજારવા મજબૂર,...

સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર ફસાયા, માઈનસ પાંચ ડિગ્રીમાં રાત ગુજારવા મજબૂર, સરકારે મદદ ન કર્યાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે યુક્રેનમાં અભ્યાર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે અને સરકાર પાસે દેશમાં પરત ફરવા માટે કોઈ મદદ મળે તેવી માંગણી કરી રહ્યા છે. ત્યારે યુક્રેનમાં અભ્યાસ કરતાં સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર ફસાયા છે. ભારત સરકાર દ્વારા યુદ્ધના કારણે ભારતીય વિદ્યાર્થીઓને પોલેન્ડ બોર્ડર પહોંચવા જણાવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ વ્યવસ્થા કરીને પોલેન્ડ બોર્ડર પહોંચ્યા હતા પરંતુ પોલેન્ડમાં પ્રવેશ ન મળતાં વિદ્યાર્થીઓ પોલેન્ડમાં ફસાયા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દુધઈ ગામના મહાવીર કરપડા સહિતના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર ફસાયા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ભારત સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર પોલેન્ડ સરકાર સાથે વાતચીત ન કરી હોવાથી પોલેન્ડમાં પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. જેથી વિદ્યાર્થીઓને બોર્ડર પર બેસી રહેવાનો વારો આવ્યો છે. માઈનસ પાંચ ડિગ્રી તાપમાનમાં વિદ્યાર્થીઓ બોર્ડર પર રાત ગુજારવા મજબૂર બન્યા છે.

હેલ્પલાઈન નંબરથી મદદ ન મળી

પોલેન્ડ બોર્ડર પર ફસાયેલા સુરેન્દ્રનગરના વિદ્યાર્થી સહિતનાનો આરોપ છે કે, સરકાર દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઈન નંબર પરથી કોઈ મદદ મળી નથી. જેથી વિદ્યાર્થીઓમાં સરકાર સામે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીના પરિવારજનોએ પણ આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદને રજૂઆત કરીને વિદ્યાર્થીઓને પરત લાવવામાં મદદરૂપ થવા અપીલ કરી છે. વિદ્યાર્થીઓ આ પ્રકારની વિકટ સ્થિતિમાં મૂકાતાં પરિવારજનોના પણ જીવ અધ્ધર થઈ ગયા છે. પરિવારજનોની અને વિદ્યાર્થીઓની માંગ છે કે ભારત સરકાર તાત્કાલિક પોલેન્ડ સરકાર સાથે વાત કરે અને તેઓની પ્રવેશ આપવામાં આવે.

વિધાર્થીઓ ને પરત લાવવા સરકાર દ્વારા તાત્કાલિક પોલેન્ડ સરકાર સાથે વાત કરવામાં આવે તેવી માંગ કરી છે. પોલેન્ડમાં ફસાયેલા દુધઈના વિદ્યાર્થી મહાવીર કરપડાના કાકા રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા બે દિવસ પહેલા વિદ્યાર્થીઓને પોલેન્ડ જવા માટે જણાવાતાં 28 વિદ્યાર્થીઓ ટેક્સી મારફતે પોલેન્ડ જવા નીકળ્યા હતા. ટ્રાફિકની સમસ્યાના કારણે ટેક્સી ચાલકે બોર્ડરથી 45 કિલોમીટર દૂર તેઓને ઉતારી દીધા હતા. ત્યાંથી વિદ્યાર્થીઓ ચાલીને પોલેન્ડ બોર્ડર પહોંચ્યા હતા. પરંતુ પોલેન્ડ સરકારે પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી. તેથી અમારી માંગ છે કે સરકાર તાત્કાલિક પોલેન્ડ સરકાર સાથે વાત કરે અને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments