Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી જતાં હવે વેપાર-ઉદ્યોગની ગાડી પાડે ચડી રહી છે. જન જીવન સામાન્ય બની ગયું છે. રાજ્ય સરકારે પણ રાત્રિ કર્ફ્યૂ સહિતના અન્ય નિયંત્રણો હળવા કરી દીધા છે. ત્યારે હવે રાજ્ય સરકારે શાળા અને કોલેજો ખોલવા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની હાઈપાવર કમિટીની મળેલી બેઠકમાં શાળા અને કોલેજમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવા અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, રાજ્યભરમાં આગામી તારીખ 15 જુલાઈને ગુરુવારના રોજથી ધોરણ 12ના વર્ગો, પોલિટેકનિક સંસ્થાનો અને કોલેજોમાં 50 ટકા કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને ઓફલાઈન વર્ગો ચાલુ કરી શકાશે. શાળા અને કોલેજમાં વિદ્યાર્થીઓએ જવું ફરજિયાત નથી. હાજરી મરજિયાત રાખવામાં આવી છે. જો વાલી અને વિદ્યાર્થી ઇચ્છા ધરાવતા હશે તો તેઓ શાળા અને કોલેજમાં રૂબરૂ હાજરી આપી શકશે.
સરકારનો આ નિર્ણય માત્ર ધોરણ 12ના વિદ્યાર્થીઓને જ લાગુ પડશે. શાળામાં અન્ય કોઈ ધોરણમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવાની પરવાનગી આપવામાં નથી આવી. તેથી માત્ર ધોરણ 12, પોલિટેકનિક સંસ્થાઓ અને કોલેજને જ આ નિર્ણય લાગુ પડશે. ધોરણ 1 થી 11ના વિદ્યાર્થીઓને શાળાએ રૂબરૂ અભ્યાસ કાર્ય માટે બોલાવી શકાશે નહીં. તેઓનું ઓનલાઈન શિક્ષણ કાર્ય યથાવત રહેશે. ધોરણ 1 થી 11ના ઓફલાઈન શિક્ષણ કાર્યને શરૂ કરવું કે નહીં તે અંગેનો નિર્ણય આગામી સમયમાં સરકાર જાહેર કરી શકે છે.
મહત્વનું છે કે, ગત 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના શાળાઓ ખોલવામાં આવી હતી. પીજી અને કોલેજના છેલ્લા વર્ષના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધોરણ 9 અને 11ના વર્ગો 1 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ કોરોનાની બીજી લહેરના કારણે રાજ્ય સરકાર દ્વારા 19 માર્ચ 2021થી ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરવાનો નિર્ણય લીધો હતો. હવે જ્યારે રાજ્યમાં કોરોનાની બીજી લહેર વિદાયમાન થઈ રહી છે ત્યારે ફરીથી તમામ ગાઈડલાઈન અને નીતિ નિયમોના પાલન સાથે ધોરણ 12, પોલિટેકનિક સંસ્થાઓ અને કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
શાળા-કોલેજોએ આટલું ધ્યાન રાખવું પડશે
15 જુલાઈથી શરૂ થઈ રહેલી શાળા-કોલેજોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. જેમ કે શાળા-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે. વિદ્યાર્થીઓનું થર્મલગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા કરવાની રહેશે. વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહીં માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ. શાળા-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરાવવી પડશે. ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત્ રહેશે. રાજ્યમાં આવેલાં તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.
શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી. શાળાએ આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે. વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે. વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે. શાળા-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે એવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.
વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ શાળામાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે. સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે. વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત