Team Chabuk-International Desk: ગાયની ઊંચાઈ કેટલી હોય? સરેરાશ ભારતીય મનુષ્યની ઊંચાઈની સાથે જો તુલના કરવામાં આવે તો ગાયની ઉંચાઈ તેની કોણી બરાબર તો હોય જ, પણ હવે એક એવી ગાય સોશિયલ મીડિયાથી લઈને સમાચારમાં સૌનું ધ્યાન ખેંચી રહી છે, જેની ઉંચાઈ માત્ર 51 સેન્ટીમીટર છે. અર્થાત્ ગાય 20 ઈંચની જ છે. 28 કિલોગ્રામ જેટલું વજન છે. દેખાવમાં તો બકરાની સામે ઊભી રાખો તો બકરા કરતા પણ કદ નાનું છે. ક્યાં છે આ ગાય? બાંગ્લાદેશમાં.

આવું કોઈ આકર્ષણ હોય તો દૂર દૂરથી તેને જોવા માટે લોકો આવે. લોકડાઉન અને કોરોના વાઈરસની મહામારી હોવા છતાં આ ગાયને જોવા માટે લોકોની ભીડ ઉમટતી હતી. 23 મહિનાની આ દુર્લભ ગાયને અત્યાર સુધીમાં 15 હજાર કરતા વધારે લોકો નિહાળી ચૂક્યા છે. તેની સાથે તસવીરો ખેંચી ચૂક્યા છે અને પારાવાર હેત વરસાવી ચૂક્યા છે.

આ ગાયના માલિકનું નામ હસન હોલાદર છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાની પાસે ચારીગ્રામમાં તેમનું ફાર્મ હાઉસ આવેલું છે. હસનના ઘરમાં આ દુર્લભ ગાય હોય તેણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવેદન પણ આપ્યું છે. દાવો કર્યો છે કે આ વિશ્વની સૌથી ઠીંગણી ગાય છે. અને જો એવું થયું તો કોનો રેકોર્ડ તૂટશે? ભારતની ગાયનો.

અત્યાર સુધીની સૌથી ઠીંગણી ગાયનો કિર્તીમાન માણિક્યમના નામે છે. આ ગાય કેરળની છે. 2014ની સાલમાં માણિક્યમ નામેરી ગાયની ઉંચાઈ 24 ઈંચ હતી. હસન દાવો કરે છે કે તેની રાની ગાય 20 ઈંચની ઉંચાઈ ધરાવે છે. તો તમે સમજી ગયા હશો કે ભારતની ગાયનો રેકોર્ડ ખતરામાં છે.

મુલાકાત લેવા આવનારાઓની હસનના ફાર્મ હાઉસ પર ભીડ ઉમટી પડે છે. હસન પણ તેમને ગાય તો બતાવે જ છે સાથે સાથે તેની ઉંચાઈ માપીને પણ બતાવે છે. રાની નામની આ ઠીંગણી ગાય દિવસમાં બે વખત ભોજન લે છે. રખડવું તેને ખૂબ ગમે છે. બીજી ગાયથી ડરતી હોવાના કારણે હસને તેને બધાથી અલગ રાખી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત