Homeગુર્જર નગરી‘ગુલાબ’ વાવાઝોડાની ગુજરાતમાં શું અસર થશે ? હવામાન વિભાગે કરી છે આ...

‘ગુલાબ’ વાવાઝોડાની ગુજરાતમાં શું અસર થશે ? હવામાન વિભાગે કરી છે આ આગાહી

Team Chabuk-Gujarat Desk:  બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. તે મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે. આ વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. જો કે, વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ કરશે ત્યારે તે નિષ્ક્રીય થઈ ચુક્યું હશે. એટલે કે, ગુજરાતમાંથી પસાર થતી વખતે પવનની ગતિ સામાન્ય જ હશે પરંતુ વાવાઝોડાના કારણે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગે પણ આગામી ચારથી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીએ તો,  વાવાઝોડાની અસરના કારણે 28 અને 29 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

rps baby world

સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ, અને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર- સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદ માટેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે, 28 સપ્ટેમ્બરના રોજ આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે 29 સપ્ટેમ્બરે  દક્ષિણ ગુજરાતમાં 40થી 60 કિલોમીટરની ગતિથી પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ દીવમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

rps baby world

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હવે માત્ર 10 ટકા વરસાદની ઘટ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 85 ટકા વરસાદ વરસ્યો છે જે ગત વર્ષ કરતાં 50 ટકા ઓછો છે. રાજ્યમાં આ વર્ષે અત્યારસુધી થયેલા વરસાદમાં 50 ટકા વરસાદ તો માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ થયો છે.

હાલ આંધ્રપ્રદેશમાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. અહીં  ક્રિષ્ના અને શ્રીકાકુલ્લમ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

ભારે વરસાદના કારણે વિશાખાપટ્ટનમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ પાણી ભરાયું છે. એરપોર્ટ પરિસર સાથે કેમ્પસના રસ્તાઓ પણ પાણી-પાણી થયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ તંત્ર સજ્જ છે. આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ, વિજયનગરમ અને શ્રીકાકુલ્લમમાં NDRF અને SDRFની ટીમ તૈનાત છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments