Team Chabuk-Gujarat Desk: મેઘરાજાએ રંગીલા રાજકોટને રગદોળી નાખ્યું. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી. એમાંય કેટલાક વિસ્તારો તો જાણે ટાપુમાં ફેરવાય ગયા છે. મેઘરાજાની ચાતક નજરે પ્રતીક્ષા કરનારાઓ હવે મેઘરાજાની આ અનાવૃષ્ટીથી થાકી ગયા છે. મોટાભાગે તો પૂર નદીમાં આવતું હોય છે પણ મેઘરાજાની અત્યાધિક મહોબ્બતના પગલે પૂર શહેરમાં ઘુસી ગયું છે. ફોર વ્હીલ અને ટુ વ્હીલના તણાવાના ભયાનક દૃશ્યો વાઈરલ થયા છે. ફસાયેલા લોકોને રેસક્યુ કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાના લોધિકામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રાજકોટ જિલ્લામાં સૌથી વધારે વરસાદ પણ લોધિકામાં જ નોંધાયો છે. સવારના છ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીમાં અહીં 18 ઈંચ વરસાદે ગામને ટાપુમાં ફેરવી નાખ્યું છે. આમ થવા પાછળનું કારણ પૂરનું પાણી છે. ભારે વરસાદ તો ઠીક પણ પૂરના પાણી ધસી આવતા જળમગ્ન સ્થિતિનું સર્જન થયું છે. ઠેકઠેકાણે પાંચ પાંચ ફૂટ જેટલું પાણી ભરાતા અહીંના ગ્રામ્યજનો પરેશાન થઈ ગયા હતા. ભારે વરસાદના કારણે જમીન અને પાકનું ધોવાણ થયું છે. પાણીમાં જ્યારે વમળ ઉઠે છે ત્યારે વરસાદી નહીં પણ દરિયાનું પાણી હોય એવું લાગે છે.
ભારે વરસાદના કારણે એક યુવાન રૈયા રોડ પર આવેલા તુલસી માર્કેટ પાસે ફસાઈ ગયો હતો. તેણે કોર્પોરેશનનું બોર્ડ પકડી રાખ્યું હતું અને જીવ બચાવવા મથામણ કરી રહ્યો હતો. આ યુવાનનું સ્થાનિકોએ રેસક્યુ કરી તેને મોતના પંજામાંથી છોડાવ્યો હતો. રાજકોટ જ જળબંબાકાર નથી થયું પણ તેની પાસેનું ગોંડલ પણ મેઘરાજાની ઝપેટમાં આવી ગયું છે. અહીં કેટલાય ગામો સંપર્ક વિહોણા થયા છે. ગોંડલના કોલીથડ ગામના બસ સ્ટેન્ડમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે. ગામની સાથે સંપર્ક થઈ શકે તેવો મુખ્ય માર્ગ પણ ધોવાઈ ગયો છે. ભારે વરસાદના પગલે વીજ પૂરવઠો પણ ખોરવાયો છે. જેથી મોબાઈલ સહિતના કોમ્યુનિકેશનના માધ્યમો સાથેનો પણ લોકોનો સંપર્ક તૂટ્યો છે. ગોંડલની કોલીથડની હોસ્પિટલમાં પણ પાણી ઘુસી ગયા હતા. ગામને જોડતો એક મુખ્ય પુલ પણ ધરાશાયી થઈ ગયો હતો.
કાગદળીમાં ભારે વરસાદના કારણે કોર્પોરેશનની પોલ ખુલી ગઈ હતી. બનાવેલા રસ્તા મુદ્દે કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે આ વર્ષે પાણી ભરાશે નહીં. જોકે ભારે વરસાદે કોર્પોરેશનની કામગીરીની પોલ એક ઝાટકે ખોલી નાખી હતી. કાગદળીમાં ભારે વરસાદના કારણે એક સેન્ટ્રો કાર પણ તણાઈ ગઈ હતી.
રાજકોટની નજીક આવેલા ગોંડલની હાલત તો ભારે વરસાદના કારણે થોડી ક્ષણોમાં જ હતી ન હતી થઈ ગઈ હતી. અહીં મેઘરાજા સાંબેલાધાર વરસતા છ કલાકમાં છ ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે ગોંડલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. તો કેટલાય અંડરબ્રીજ એવા હતા જે સ્વિમિંગ પુલમાં તબ્દિલ થઈ ગયાં હતાં.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત