Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોનાના કપરાકાળમાં રાજ્ય સરકાર નક્કર કામગીરી કરવામાં નિષ્ફળ રહી છે. અનેક જગ્યાએ સરકારી તંત્રની ઢીલી નીતિના કારણે દર્દીઓને હેરાન-પરેશાન અને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સરકાર પૂરતો ઓક્સિજન પણ દર્દીઓને પૂરો નથી પાડી શકતી. દર્દીઓને બેડ મળી જાય તે પણ હાલ નસીબની વાત ગણવામાં આવી રહી છે. ત્યારે સરકારની કામગીરીની લઈને આજે ફરી ગુજરાત હાઈકોર્ટે સરકારને કેટલાક આકરા સવાલો કર્યા છે.
કોર્પોરેશનની કામગીરી પર સવાલ
ગત દિવસોમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો પર રાજ્ય સરકારને આજે ગુજરાત હાઈકોર્ટે ખખડાવી હતી અને આ મુદ્દે કેટલાક કડક સવાલો પણ કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે શું રાજ્ય સરકારનો કોર્પોરેશન પર કોઈ અંકુશ નથી. શું કોર્પોરેશનની કામગીરી પર સરકાર નજર નથી રાખતી. કોર્પોરેશન રાજ્ય સરકારની પોલિસીનું પાલન કેમ નથી કરતી. કોર્પોરેશનની મનમાની ચલાવી લેવાઈ નહીં. હાઈકોર્ટે કહ્યું કે દર્દીઓને એમ્બ્યુલન્સ માટે 48 કલાક રાહ જોવી પડી રહી છે. 108 સિસ્ટમ સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે.
આ મુદ્દે રાજ્ય સરકારે પોતાની વાત હાઈકોર્ટ સમક્ષ રાખી હતી. રાજ્ય સરકારના એડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકારનો બચાવ કરતાં જણાવ્યું હતું કે 108 અંગેનો નિર્ણય કોર્પોરેશનનો હતો. મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં અમદાવાદ કોર્પોરેશને નિર્ણય લીધો હતો કે જે દર્દીઓ 108માં આવશે તેઓને જ દાખલ કરવામાં આવશે. જો કે કોર્પોરેશનના આ નિર્ણયની ખૂબ ટીકા થઈ હતી. કોર્પોરેશન પર મીડિયા અને લોકોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો જેથી કોર્પોરેશનને આ નિર્ણય બદલવો પડ્યો હતો. આ મુદ્દે આજે હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલો કર્યા હતા.
હાઈકોર્ટે એએમસીનો ઉધડો લીધો
ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનનો પણ ઉધડો લીધો હતો. હાઈકોર્ટે રિયલ ટાઈમ ખાલી બેડની સંખ્યા મુદ્દે વકીલને ખખડાવ્યા હતા. હાઈકોર્ટે કહ્યું કે આવું અન્ય કોર્પોરેશન કરી શકે તો અમદાવાદ કોર્પોરેશન કેમ નહીં. હોસ્પિટલ આગળ બોર્ડ લગાવવાથી કંઈ નહીં થાય. દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ભટકતા છોડી શકાય નહીં.
ઓક્સિજન પ્લાન્ટ મુદ્દે સવાલ
વધુમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું હતું કે, આ સંપૂર્ણ સિસ્ટમની નિષ્ફળતા છે. ઘણા જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન માગના પ્રમાણમાં કેમ નથી અપાતા ? ઓક્સિજન મુદ્દે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, ઓક્સિજન પ્લાન્ટ કેન્દ્ર સરકારના ફંડમાંથી બની રહ્યા છે. શું રાજ્ય સરકાર પોતાના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ ન સ્થાપી શકે ? આ અંગે રાજ્ય સરકારે પોતાનો જવાબ રજૂ કરતાં કહ્યું હતું કે, ઓક્સિજન પ્લાન્ટ માટે રો-મટિરીયલ ભારતમાં ઉપલબ્ધ નથી, રો મટિરીયલ વિદેશથી આયાત કરવું પડે છે અને આ રો મટિરીયલ આયાત કરવા માટે 2 થી 3 મહિનાનો સમય લાગે છે. હાલ રાજ્ય સરકારનું 32 ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે.
વેક્સિનેશન અંગે પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે સરકાર પાસે વેક્સિનનો પુરતો જથ્થો છે કે નહીં. આ મુદ્દે રાજ્ય સરકારે જવાબ આપ્યો હતો કે વેક્સિનના આંકડામાં વિસંગતતા છે. સરકારે વેક્સિનેશન અંગે ગોળ-ગોળ જવાબો આપ્યા હતા.
યુનિવર્સિટીઓ માનતી નથીઃ સરકાર
હાઈકોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે રાજ્યની યુનિવર્સિટીઓને લઈને ફરિયાદ કરી હતી. સરકારે કહ્યું હતું કે, 21 યુનિવર્સિટીઓ દ્વારા આરટી-પીસીઆર ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા નથી. આ મુદ્દે અમે યુનિવર્સિટીઓ સાથે ચર્ચા કરીશું. જો યુનિવર્સિટીઓ ટેસ્ટ નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરીશું. આ મુદ્દે હાઈકોર્ટે સરકારને કહ્યું કે, તમારે વિનંતી કે ચર્ચા ના કરવાની હોય આદેશ કરવાના હોય.
આમ આજે ગુજરાત હાઈકોર્ટે અલગ અલગ મુદ્દે રાજ્ય સરકારને ખખડાવી નાખી હતી. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, અમે ઓર્ડર કરીએ પછી જ સરકાર હરકતમાં આવે છે. આવું વારંવાર થઈ રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત