Team Chabuk-National Desk: દિલ્હીમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. એક તરફ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે ત્યારે બીજી તરફ કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે ફરી એકવાર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. મંગળવારે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રની મોદી સરકારને વધુ એક ફટકાર લગાવી છે.
દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને કહ્યું કે, તમે આંખો બંધ કરી શકો છો પરંતુ અમે નહીં. એટલે કે હાલની પરિસ્થિતિને તમે નજરઅંદાજ કરી શકો છો પરંતુ અમે નહીં કરીએ. હાઈકોર્ટમાં એમિક્સ ક્યૂરીએ જાણકારી આપી હતી કે દિલ્હીમાં ઘણી જગ્યાએ દર્દીઓ ઓક્સિજનની અછતના કારણે મૃત્યુ પામી રહ્યા છે.
દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, હાલમાં જો મહારાષ્ટ્રમાં ઓક્સિજનની જરૂરિયાત ઓછી હોય તો ત્યાંના ઓક્સિજન ટેન્કર દિલ્હી શિફ્ટ કરી શકાય છે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને સુનાવણી દરમિયાન કહ્યું કે, અમે આજે સુપ્રીમ કોર્ટમાં અમારો રિપોર્ટ દાખલ કરીશું. અમે એ તથ્ય પર નહીં જઈએ કે 700 એમટી ઓક્સિજનની આપૂર્તિ કરવી કે ગેસના બાકીના ક્વોટાને પૂર્ણ કરવો.
હાઈકોર્ટમાં એમિક્સ ક્યૂરીએ કહ્યું કે, કેટલીક જગ્યાએ ઓક્સિજનના જથ્થાનો અમુક જગ્યાએ સ્ટોર કરી શકાય છે, જેનાથી ઓક્સિજનની અછતને દૂર કરી શકાય છે. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટે પણ દિલ્હીને 700 મેટ્રિક ટન ઓક્સિજન દેવા માટે કહ્યું છે, તેથી તેને આટલો ઓક્સિજન મળવો જોઈએ.
દિલ્હી સરકારે હાઈકોર્ટમાં આરોપ લગાવ્યો કે ઓક્સિજનની સપ્લાય, ટેન્કર્સનો સાચો ઉપયોગ નથી થઈ રહ્યો. જ્યારે કેન્દ્ર સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે, ગત દિવસોમાં જ દિલ્હીને વધારાના 12 ઓક્સિજન ટેન્કર ફાળવવામાં આવ્યા છે. દિલ્હીની રાજ્ય સરકારે આરોપ લગાવ્યો કે ઓક્સિજનની અછતના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર બરાબર રીતે સપ્લાય નથી કરી શકતી. દિલ્હી હાઈકોર્ટમાં ઓક્સિજન મામલે કેન્દ્ર સરકાર અને દિલ્હીની રાજ્ય સરકાર વચ્ચે ભારે રકઝક થઈ હતી, જેથી હાઈકોર્ટને વચ્ચે પડવાની જરૂર પડી હતી.
દિલ્હીમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારને જણાવ્યું કે, જે રીતે બ્લડ બેંક હોય છે તેવી રીતે ઓક્સિજન સિલિન્ડર બેંક બનાવી શકાય છે. જ્યાં લોકો ઓક્સિજન સિલિન્ડર જમા કરાવી શકે છે અને જે લોકોને જરૂર હોય તેઓ ત્યાંથી લઈ જઈ શકે છે. હાઈકોર્ટે દિલ્હી સરકારને આ અંગે કહ્યું કે તેઓ લોકોને સમજાવે અને જે લોકોને જરૂરિયાત ન હોય તેઓ સિલિન્ડર બેંકમાં જમા કરાવી દે. હાઈકોર્ટના આ વિચાર પર દિલ્હી સરકારે કામ કરવા તૈયારી દર્શાવી હતી.
દિલ્હીની મુની માયારામ હોસ્પિટલે હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે અમારી પાસે માત્ર 30 ઓક્સિજન બેડ છે, અમને નજરઅંદાજ ન કરો અમારે પણ ઓક્સિજનની જરૂર છે. અમારી હોસ્પિટલમાં દરરોજ દર્દીઓના મોત થઈ રહ્યા છે અને સરકાર ઓક્સિજન સપ્લાય કરવામાં નિષ્ફળ રહી છે. ઘણા દિવસોથી દિલ્હીની અનેક હોસ્પિટલમાં ઓક્સિજનની અછત છે જેથી હોસ્પિટલો હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત