Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોનાની બીજી લહેર શાંત થઈ ગઈ છે. પરંતુ હવે નિષ્ણાતોએ આપેલી ચેતવણી મુજબ કોરોનાની સંભવિત ત્રીજી લહેરે ચિંતા વધારી છે. ત્રીજી લહેરને લઈને સરકાર અને ન્યાયપાલિકા પણ ચિંતિત છે. કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક મોરચે નિષ્ફળ રહેલી ગુજરાત સરકારને ગુજરાત હાઈકોર્ટે ત્રીજી લહેરને લઈને ટકોર કરી છે. ત્રીજી લહેરની ચેતવણી આપવામાં આવી છે ત્યારે કોરોના મામલે થયેલી સુઓમોટોમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને સૂચનો અને આદેશ કર્યા છે.
ગુજરાત હાઈકોર્ટે ગુજરાતની રૂપાણી સરકારને કહ્યું છે કે, રાજ્યમાં આરોગ્યની સુવિધા મજબૂત કરો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સુવિધાને વધારો. ત્રીજી લહેરની સંભાવના છે ત્યારે રાજ્ય સરકાર આ લહેર સામે લડવાની તૈયારીઓ કરે. હોસ્પિટલના બેડ અંગે રિયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ કરાવો. ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની ચિંતા વ્યક્ત કરાઈ છે ત્યારે રાજ્યના દરેક જિલ્લામાં બાળ વિભાગ વધારો અને તેમાં જરૂરી સુવિધાઓ ઉભી કરો. જરૂરી દવા અને ઓક્સિજન લોકોને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેની સુવિધા કરો. રસીકરણ ડ્રાઈવને વધુ ઝડપી બનાવો.
ગુજરાત હાઈકોર્ટે કોરોના મામલે થયેલી સુઓમોટો અરજી પર મહત્વનો ચૂકાદો આપતા કહ્યું હતું કે, આ રોગ જેવો આપણે માનીએ છીએ તેવો છે નહીં. માસ્ક બાબતે હજુ લોકો અને રાજ્ય સરકારે ગંભીર થવાની જરૂર છે. માસ્ક અને કોરોના બાબતે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર હોવાનું પણ હાઈકોર્ટે કહ્યું. હાઈકોર્ટે કહ્યું છે કે, રાજ્ય સરકાર રસીકરણ બાબતે સૌથી વધુ ધ્યાન આપે. 18 વર્ષથી નીચેના લોકો માટે સરકાર વધુ ચિંતા કરે.
વધુમાં ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, આરટી-પીસીઆર ટેસ્ટ પર રાજ્ય સરકાર ધ્યાન આપે. રાજ્યમાં દવાઓ, હોસ્પિટલમાં બેડ, ઇન્જેક્શનનો પૂરતો જથ્થો રાખવો એ તમામ સરકારની જવાબદારી છે. ત્રીજી લહેર આવશે તો બાળકો સંક્રમિત થશે તેવું નિષ્ણાતો કહી રહ્યા છે. ત્યારે બાળકો માટે વ્યવસ્થા ઉભી કરવાનું પણ હાઈકોર્ટે સરકારને કહ્યું છે.
રાજ્યમાં દિવ્યાંગોને પણ સમયસર કોરોનાની રસી મળી રહે તે માટે ડોર ટુ ડોર રસીકરણની વ્યવસ્થા કરવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણને લઈને હજુ પણ ઘણા લોકોમાં જાગૃતિનો અભાવ હોવાનું હાઈકોર્ટના ધ્યાને આવ્યું છે. તેથી હાઈકોર્ટે સૂચના આપી છે કે, સરકાર ગ્રામ્ય વિસ્તારમાં રસીકરણ પર વધુ ધ્યાન આપે અને લોકોમાં જાગૃતિ લાવે. ઓક્સિજનની અછત ન વર્તાય તે માટે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર રાખવા હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે. ડોક્ટર, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફની અછત ન રહે તે માટે સરકાર કાયમી ભરતી અંગે વિચારણા કરે તેવું હાઈકોર્ટે કહ્યું છે. સાથે જ પીએચસી અને સીએચસીમાં જરૂરી સાધનો વસાવી અદ્યતન બનાવવા માટેના સૂચનો સરકારને આપવામાં આવ્યા છે. હાઈકોર્ટે કોરોના મહામારીમાં ટેલી કન્સલ્ટીંગ અંગે વ્યવસ્થા કરવા અંગે પણ સરકારને વિચારણા કરવા કહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત