Homeવિશેષપંડિત વિષ્ણુ શર્મા કૃત પંચતંત્ર- પ્રથમતંત્ર- બુદ્ધિબળ

પંડિત વિષ્ણુ શર્મા કૃત પંચતંત્ર- પ્રથમતંત્ર- બુદ્ધિબળ

Presentation-Team Chabuk-Creative Desk: એક જંગલમાં ભાસુરક નામનો એક સિંહ રહેતો હતો. શક્તિશાળી હોવાના કારણે તે જંગલના કોઈ પણ જાનવર પર હુમલો કરતો અને તેને મારી ખાઈ જતો હતો. એક દિવસ જંગલના તમામ જાનવરોએ એકત્રિત થઈ સભા ભરી અને નિર્ણય કર્યો કે ભાસુરકને જઈ વિનંતી કરવી કે પ્રતિદિન માત્ર એક જ જાનવરનો શિકાર કરે, પોતાના શોખ માટે હત્યાઓ ન કર્યા કરે. જાનવરોનું પ્રતિનિધિમંડળ સિંહને મળવા માટે પહોંચ્યું. તેમણે સિંહ સમક્ષ નિવેદન કર્યું કે રોજ એક શિકાર સામેથી તમને મળી જશે, કૃપા કરીને શોખ માટે આટલા બધા જાનવરોને ન હણો.  સિંહ આ વાત માની ગયો. જાનવરો અને સિંહ બંનેએ પ્રતિજ્ઞા લીધી કે તેઓ તેમના વચન પર અતૂટ રહેશે.

એ દિવસ પશ્ચાત જંગલના જાનવરો નિર્ભય બનીને ઘુમવા લાગ્યા. એમને સિંહનો ભય નહોતો. સિંહને ઘરમેળે એક જાનવર રોજ મળી જતું હતું. સિંહે પણ જાનવરોને ધમકી આપી હતી કે જે દિવસે એક પણ જાનવર સામેથી ન આવ્યું એ દિવસે તે ખૂદ શિકાર પર નીકળી જશે અને પછી જે પણ જંગલમાં મળશે તેનો શિકાર કરશે. જંગલના જાનવરોએ પણ આ ભયના કારણે પોતાનો યથાક્રમ જાળવી રાખ્યો હતો.

આ જ ક્રમમાં એક સસલાનો વારો આવ્યો. સસલું સિંહની ગુફા બાજુ ચાલી નીકળ્યું. મોત તો આજ આવવાનું જ છે, એટલે સસલું જંગલમાં ટેશડો કરતું કરતું જતું હતું. અરણ્યની એક એક કેડીમાંથી પસાર થઈ તે જતું હતું. મનમાં એક જ વિચાર લબૂક-ઝબૂક થતો હતો કે ગમે તેમ મોત ટળી જાય તો સારું. તેને એક જગ્યાએ એક કૂવો દેખાયો. કૂવામાં ડોકીયું કરી જોયું તો તેને તેના જ પડછાયાના દર્શન થયા. એ સમયે જ સસલાને વિચાર આવ્યો કે, ભાસુરકને વનમાં બીજો સિંહ આવ્યો હોવાની વાત કહી, કૂવા પાસે લાવી અને તેની જ પરછાઈ દેખાડી મરાવી નાખું તો?

એ ભાસુરકની ગુફા પાસે પહોંચી ગયો. સિંહ ભૂખ્યો બેઠો હતો. નિર્ણય કરી લીધો હતો કે આજે કોઈ જાનવર ન આવ્યું તો આખેટ પર નીકળવું છે. એટલામાં સસલું આવી ગયું. ભાસુરક તેના કદને જોઈ દહાડ્યો, ‘સસલા, એક તો તું કદમાં આટલો નાનો છે, ઉપરથી જંગલના મહામહીમને આટલી પ્રતીક્ષા કરાવે છે? આજે તો તને મારીશ, પણ કાલ જંગલના બધા જાનવરોની એક પછી એક હત્યા કરી નાખીશ. કોઈને બક્ષીસ નહીં.’

સસલાએ વિનયપૂર્વક કહ્યું, ‘મહારાજા, આમાં ન તો તમારો વાંક છે ન તો મારો વાંક છે. કોઈ પણ પ્રકારનો ઉતાવળિયો નિર્ણય લેતા પહેલા વિલંબ કેમ થયો તેનું કારણ તો જાણી લો, જેથી બીજા જાનવરો ન મરે.’

ભાસુરકે કહ્યું, ‘જે કહેવું હોય જલ્દી કહે, મને કકડીને ભૂખ લાગી છે.’

સસલાએ વાત વિગતે કહી, ‘મહારાજ, બધા જાનવરોએ આજે સભા કરીને નિર્ણય લીધો કે હું ખૂબ નાનો છું એટલે મારી સાથે અન્ય ચાર સસલાઓને મોકલ્યા. અમે તમારી ગુફા બાજુ આવી રહ્યા હતા કે રસ્તામાં એક બીજો સિંહ મળી ગયો. એણે અમને ક્યાં જાવ છો? પૂછી ખાવાની ઈચ્છા પ્રગટ કરી, મહારાજ મેં તો એને કહી દીધું કે અમે બધા તો અમારા સ્વામી ભાસુરક સિંહનું ભોજન છીએ. મહારાજ શું કહું…? એને તો તમારો ખૌફ જ નથી. કોણ ભાસુરક? કેવો ભાસુરક? એમ કહી એ તમને લજ્જીત કરવા લાગ્યો. ભાસુરક તો ચોર છે જેવા શબ્દોથી તમને અપમાનિત કર્યા. ચાર સસલા અહીં રહેશે બાકીનું એક જ ત્યાં જશે. એ અહીં આવી મારી સામે મુકાબલો કરે અને જીતીને બતાવે, બાકી જોયા છે આવા કેટલાય ભાસુકરો… જે જીતશે એ જ જંગલનો મહારાજા કહેવાશે. પછી તો હું એક જ અહીં આવ્યો, બાકીના સસલા તો તેના પેટમાં ચાલ્યા ગયા.’

ભાસુરકે ગુસ્સામાં કહ્યું, ‘એવું હોય તો મને ત્યાં લઈ જા, હવે કાં એ નહીં કાં હું નહીં. મારે એ સિંહનું રક્તપાન કરી ઉદરની અગ્નિને શીતળતા આપવી છે.’

‘મહારાજા એ તો પોતાના નિવાસ્થાનની અંદર લપાઈને બેઠો છે. એણે એના નિવાસસ્થાનમાંથી બહાર આવીને જ અમારો રસ્તો રોક્યો હતો. જે એના નિવાસસ્થાનમાં રહેતો હોય તેની પાસેથી વિજય પ્રાપ્તિ કરવી એ અત્યાધિક કઠીન હોય છે. નિવાસસ્થાનમાં લપાઈને બેઠેલો દુશ્મન સો દુશ્મન બરાબર હોય છે.’ સસલાએ જ્ઞાન પીરસ્યું.

ભાસુરકે કહ્યું, ‘વાત તો તારી ઠીક છે, પણ હું એ નિવાસસ્થાનમાં લપાઈને બેઠેલા સિંહને ગમે તેમ કરી પૂરો કરી નાખીશ. શત્રુને જેટલી જલ્દી હોય શકે એટલી જલ્દી મારી નાખવો જોઈએ. મને મારા બળ પર પૂરો વિશ્વાસ છે.’

‘તો મહારાજ આપનો આ જ નિર્ણય છે તો ચાલો મારી સાથે.’ કહેતા સસલું ભાસુરકને કૂવાની પાસે લઈ ગયું. જ્યાં નમીને તેણે મહારાજા ભાસુરકને તેનો પડછાયો બતાવ્યો, ‘જુઓ મહારાજ, આ એ જ નિવાસસ્થાન છે. તમને જોઈને તે અંદર છુપાઈ ગયો છે.’

‘હવે તો એના નિવાસસ્થાને જઈને જ લડવું.’ સસલુ સિંહને કૂવાની નજીક લઈ ગયું. સિંહે પાણીમાં જોયું તો તેને ખૂદનો પડછાયો દેખાયો. એને લાગ્યું કે આ વિરોધી સિંહ છે એટલે તેણે ત્રાડ નાખી. ભાસુરકની ગર્જનાના કારણે કૂવામાંથી બે ગણો પ્રતિઘોષ આવ્યો. સિંહ તેની સામે પ્રતિશોધ લેવા કૂવામાં કૂદ્યો અને તે પ્રભુને પ્યારો થઈ ગયો.

સસલાએ ત્યાંથી પાછા ફરી તમામ જાનવરોને સિંહ કૂવામાં પડી ને મરી ગયોની જાણકારી આપી. જંગલના જાનવરો રાજીના રેડ થઈ ગયાં. સસલાની વાહ વાહી થઈ ગઈ.

*******

દમનકે વાર્તા પૂરી કરી કરટકને કહ્યું, ‘આને કહેવાય બુદ્ધિ, તું જો કહે તો એ બે વચ્ચે ભાગલા પડાવી દઉં. આપણું સામ્રાજ્ય ફેલાવવા એ કરવું જરૂરી છે. મિત્રતામાં ફૂટ પડાવ્યા વિના નહીં ચાલે.’

કરટક, ‘હું પણ એવું જ માનું છું.’  

ત્યાંથી દમનક પિંગલક પાસે ગયો. સંજીવક ત્યાં હાજર નહોતો. દમનકને જોતા પિંગલકે પૂછ્યું, ‘લે દમનક, કેટલાય દિવસ પછી.’

‘હા સ્વામી.’ દમનકે ઢીલા સ્વરે કહ્યું, ‘હવે તમને અમારું કામ જ નથી રહ્યું, તો પછી રોજ રોજ આવવાનો શો અર્થ? છતાંય તમારા હીતની વાત કહેવા હું અહીં આવ્યો છું. મારું માનવું છે કે હીતની વાત તો કોઈ પૂછે કે ન પૂછે એ પહેલા જ કહી દેવી જોઈએ.’

પિંગલકે કહ્યું, ‘તારે જે કહેવું હોય નિશ્ચિત થઈ ને કહે, હું તને કંઈ નહીં કરું.’

‘મહારાજ, સંજીવક તમારો મિત્ર નહીં શત્રુ છે. એક દિવસ તેણે મને એકાન્તમાં કહ્યું હતું કે, પિંગલકનું જોર મેં જોયું છે, તેમાં કંઈ વધારે કાઢી લીધા જેવું નથી. એને મારી, તને મંત્રી બનાવી, હું આખા જંગલમાં રાજ કરીશ.’

દમનકની વાત સાંભળી પિંગલક તો મૂર્છિત થતા થતા રહી ગયો. તેની અવસ્થા જોઈ દમનકને વિચાર આવ્યો – પિંગલકને સંજીવક સાથે પ્રગાઢ સ્નેહ છે. સંજીવકે આને વશમાં કરી રાખ્યો છે. જે રાજા આ રીતે મંત્રીના વશમાં થઈ જાય છે તે નષ્ટ થઈ જાય છે. આમ વિચારીને તેણે પિંગલકના મનમાં સંજીવક વિશે રહેલી ધારણાઓ તોડવાનું નક્કી કરી લીધું.

પિંગલક મૂળ સ્થિતિમાં આવ્યો અને કહ્યું, ‘દમનક, સંજીવક તો મારો વિશ્વાસપાત્ર સેવક છે. તેના મનમાં મારા માટે આવી વેરભાવના ન હોઈ શકે.’

દમનક, ‘સ્વામી આજે જે વિશ્વાસપાત્ર છે તે આવતીકાલે વિશ્વાસઘાતક પણ થઈ શકે છે. રાજ્યનો લોભ કોઈના પણ મનને ચંચળ બનાવવા પૂરતો છે.’

પિંગલકે કહ્યું, ‘દમનક, તોપણ મારા મનમાં સંજીવક માટે વેર-ભાવના જાગતી નથી. અનેક દોષ હોવા છતાં પ્રિયજનોને છોડાય નહીં. જે પ્રિય છે એ તો પ્રિય જ રહે છે.’

દમનકે મહારાજ પિંગલકને કહ્યું, ‘એ જ તો રાજ્ય સંચાલન માટે અયોગ્ય છે. જેને પણ તમે પ્રીતિપાત્ર બનાવશો એ બની જશે. એમાં સંજીવકની કોઈ વિશેષતા નથી, વિશેષતા તો આપની છે. તમે તેને પ્રિય બનાવ્યો તો તે બની ગયો, બાકી એનામાં ક્યાં કોઈ એવો ગુણ છે? તમે એવું સમજો છો કે એનું શરીર વિશાળકાય છે, શત્રુનો સંહાર કરવામાં સહાયતારૂપ થશે, તો એ આપની મોટી ભૂલ છે. એ તો ઘાસ ખાનારું જીવ છે. તમારા સર્વે શત્રુ માંસાહારી છે. તેની સહાયતાથી શત્રુ નાશ નથી થઈ શકતો. આજે એ તમને દગાથી મારીને સત્તા મેળવવા ઈચ્છે છે. સારું તો એ છે કે ષડયંત્ર કરે એ પહેલા જ મારી નાખો.’

પિંગલકે વિચાર કરી કહ્યું, ‘જેને આપણે ગુણી કહી અપનાવ્યો તેને રાજસભામાં નિર્ગુણી કેવી રીતે કહીએ? તે કીધું ત્યારે જ મેં તેને અભય વચન આપેલું. એ મારો ઘનિષ્ઠ મિત્ર છે. તેના પ્રત્યે મને સહેજેય ક્રોધ નથી.’

દમનકે પિંગલકને વધારે ચડાવ્યો, ‘સ્વામી આ તો તમારી ભાવુકતા છે. રાજધર્મ તેનો આદેશ નથી આપતો. વેર રાખનારાને ક્ષમા કરવું એ રાજનીતિની દૃષ્ટીએ મૂર્ખતા છે. તમે તેની મિત્રતાના વશમાં આવીને રાજધર્મ જ ભૂલાવી દીધો. સત્ય તો એ છે કે તમારી અને સંજીવકની વચ્ચે મૈત્રી થાય જ નહીં. તમે રહ્યા માંસાહારી અને એ શાકાહારી. જો તમે તેની સાથે મિત્રતા રાખશો તો અન્ય જાનવરો તમારો સહયોગ આપવાનું છોડી દેશે. શિકારથી તમને અરુચી પેદા થઈ જશે. આપણો સહવાસ આપણી પ્રકૃતિના પશુઓ સાથે થવો જોઈએ. સંગદોષમાં જ માંકડની તીવ્ર ઝડપના કારણે જૂને મરવું પડ્યું હતું.’

પિંગલકે પૂછ્યું, ‘શું છે એ કથામાં?’

દમનકે કહ્યું, ‘સાંભળો મહારાજ.’

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments