Homeગુર્જર નગરીપત્નીએ તો આત્મહત્યા કરી પણ પત્નીનો મૃતદેહ ન જોવાતા પતિએ પણ જીવન...

પત્નીએ તો આત્મહત્યા કરી પણ પત્નીનો મૃતદેહ ન જોવાતા પતિએ પણ જીવન ટૂંકાવી લીધું

Team Chabuk-Gujarat Desk: આ વર્ષમા ગુજરાતને જાણે કે ગ્રહણ લાગ્યું હોય તેમ એક બાદ એક આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં 10 કરતાં વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. એવામાં વધુ એક દંપતીએ જીવન ટુંકાવી લીધું છે. આત્મહત્યાનું પ્રાથમિક તારણ ઘરકંકાસ હોવાનું સામે આવ્યું છે.

ઘટના વલસાડ જિલ્લાની છે. ડુંગળી પાસે આવેલા માલવણના અગાર ફળિયામાં એક દંપતીએ મ્હોતને વ્હાલું કરી લીધું છે. ઘરકંકાસથી કંટાળીને પત્નીએ આત્મહત્યા કરી લીધી. તો પતિએ પત્નીનો મૃતદેહ જોયા બાદ જીવન ટૂંકાવી લીધું.

મૃતક પ્રફૂલ પટેલ અને પ્રિયંકા બંને 2016માં લગ્નગ્રંથીથી જોડાયા હતા. સાસુ વહુ વચ્ચેના ઝઘડાના કારણે પ્રિયંકા તેના સાસુથી અલગ રહેવાની વાત કરતી હતી. જોકે, પ્રફૂલ પ્રિયંકાની આ વાત માટે રાજી ન હતો.

રવિવારે ફરી બંને વચ્ચે આ જ વાત થઈ. સાસુ સસરા ઘરની બહાર જતાં પ્રફૂલ અને પ્રિયંકા બંને ઘરમાં એકલા હતા. પ્રિયંકાએ પ્રફૂલને ફરી ઘર છોડવાની વાત કરી એટલે પ્રફૂલે તેને ના કહી દીધુ. આ વાતનું લાગી આવતા પ્રિયંકા ઘરમાં જ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી. તો પ્રિયંકાનો મૃતદેહ જોયા બાદ પ્રફૂલે પણ ગળેફાંસો લગાવીને જીવન ટુંકાવી લીધુ. પ્રફૂલ અને પ્રિયંકાને એક ત્રણ વર્ષનું બાળક પણ છે. માતા-પિતા બંનેએ આત્મહત્યા કરી લેતા હવે આ બાળક પરથી માતા-પિતાની છત્ર છાયા જતી રહી છે.

ઘટનાની જાણ કેવી રીતે થઈ ?

પ્રફૂલના મિત્રએ પ્રફૂલને અનેક ફોન કર્યા હતા. જોકે, પ્રફૂલે તેના ફોન રિસીવ ન કરતાં તેણે પ્રફૂલના માતા-પિતાને જાણ કરી હતી. પ્રફૂલના માતા-પિતા ઘરે પહોંચ્યા બાદ દરવાજો ખખડાવ્યો હતો.  જોકે, ઘણીવાર થઈ જવા છતાં દરવાજો ન ખોલતા તેમણે બારીમમાંથી જોયું તો પ્રફૂલ અને પ્રિયંકાના મૃતદેહ લટકી રહ્યા હતા. બાદમાં ઘરનો દરવાજો તોડ્યો હતો.

બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે એફ.એસ.એલની ટીમની મદદથી વધુ તપાસ શરૂ કરી છે.

આમ, ઘરકંકાસમાં એક બાળક નોંધારુ બની ગયું છે. લોકોનું કહેવું છે કે, પ્રફૂલે ગળેફાંસો ખાતા પહેલાં તેના 3 વર્ષના બાળકને બહાર ઓટલા પર રમવા મુકી દીધું હતું. બાદમાં પોતે દરવાજો બંધ કરી દીધો હતો. આત્મહત્યાના પગલે બંને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પ્રિયંકા અને પ્રફૂલ બંનેનો પરિવાર શોકમાં ગરકાવ છે.

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં આત્મહત્યાના ઘણા બનાવ બની ગયા છે. વડોદરામાં સોની પરિવારે સામુહિક આત્મહત્યા કરી લીધી છે. છ લોકોમાંથી પાંચ લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત આણંદમાં પણ સામુહિક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અમદાવાદમાં એક યુવતીએ વીડિયો બનાવ્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. તો અમદાવાદમાં જ એક મેડિકલની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments