Homeગુર્જર નગરીઆજથી ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ, આટલા દિવસ ચાલશે ખરીદ પ્રક્રિયા

આજથી ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ, આટલા દિવસ ચાલશે ખરીદ પ્રક્રિયા

Team Chabuk- Gujarat Desk: મગફળી અને કપાસની સિઝન પૂર્ણ થવાના આરે છે ત્યારે શિયાળુ પાક ચણા તૈયાર થઈ જતાં રાજ્યભરમાં આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીના શ્રીગણેશ થયા છે. ચાલુ વર્ષે બમ્પર વાવેતર અને બમ્પર ઉત્પાદનને પગલે બજારમાં ચણાની પુષ્કળ આવક થઈ રહી છે. તમામ માર્કેટિંગ યાર્ડો ખાસ કરીને સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડો ચણાની સાથો સાથ ધાણા, જીરું અને ઘઉંથી છલકાય રહ્યા છે.

ચાલુ વર્ષે ચણાનું પુષ્કળ ઉત્પાદન થયું છે ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકારના પુરવઠા નિગમ વિભાગ દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદી ચાલુ વર્ષે આજ રોજથી થઈ રહી છે. સરકાર દ્વારા ચાલુ વર્ષે ચણાનો પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5100 ભાવ નક્કી કરાયો છે. ઉત્પાદનમાં રાજકોટ-સૌરાષ્ટ્ર પંથકની વાત કરીએ તો ખાસ કરીને રાજકોટ જિલ્લામાં ગોંડલ, જસદણ, જામકંડોરણા તાલુકામાં સૌથી વધુ ચણાનું ઉત્પાદન થતાં સૌથી વધુ રજિસ્ટ્રેશન આ પંથકના ખેડૂતો દ્વારા કરાયું છે. રાજકોટ જિલ્લામાં અલગ અલગ 19 ખરીદ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. 10-10 હજારથી વધુ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે તેવા તાલુકા ગોંડલ, જસદણ, જામકંડોરણાને 3-3 ખરીદ કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત વિંછીયા, પડધરી જેવા તાલુકામાંથી 6 હજારથી વધુ ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે તેવા તાલુકાને 2-2 ખરીદ કેન્દ્ર ફાળવાયા છે. કોટડા સાંગાણી, લોધિકા, રાજકોટ વગેરેને 1-1 ખરીદ કેન્દ્ર આમ કૂલ રાજકોટ જિલ્લામાં સરકાર દ્વારા 19 ખરીદ કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યભરમાં કૂલ 188 ખરીદ કેન્દ્ર પર ચણાની ખરીદીનો આજથી પ્રારંભ થયો છે.

અગાઉ સરકાર દ્વારા 16 ફેબ્રુઆરીથી ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરાયો હતો પરંતુ ઘણી જગ્યાએ પાક પૂરતા પ્રમાણમાં તૈયાર થયો ન હોય ખેડૂતોની રજૂઆતના પગલે ખેડૂતો તરફી નિર્ણય લઈ ખરીદ પ્રક્રિયાની તારીખ લંબાવી હતી. સરકારે ખરીદ પ્રક્રિયાની તારીખ 20 દિવસ પાછી ઠેલવી તારીખ 8 માર્ચ એટલે કે આજરોજથી શરૂ કરી છે.

પ્રતિ ખેડૂત પાસેથી વધુમાં વધુ એક હજાર કિલોગ્રામ ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ચાલુ વર્ષે જેટલા પ્રમાણમાં ટેકાના ભાવે ચણા વેચવા રજિસ્ટ્રેશન થયું છે તે કરતાં અનેકગણા ચણા ઓપન માર્કેટમાં ઠલવાઈ રહ્યા છે. જો કે ખેડૂતોને પ્રમાણમાં સારા ભાવ મળી રહેતા હોય અને ઉનાળુ પાકના વાવેતર માટે પૈસાની જરૂરત ઉભી થતાં ખેડૂતો જલદી નાણા છૂટા કરવા ઓપન માર્કેટમાં ચણા વેચવાનું પસંદ કરી રહ્યા છે.

ચાલુ વર્ષે ચણાનું શા માટે પુષ્કળ વાવેતર ?

ચણા સાચા અર્થમાં ખેડૂતો માટે રોકડીયો પાક છે. પાણીની ઝંઝટ વિના માત્ર ભેજના સહારે ઉગી નીકળતો આ પાક ખેડૂતોના ખિસ્સા પર વજન નથી કરતો. સાવ ઓછા ખર્ચે ચણાનો પાક તૈયાર થઈ જતો હોય છે. છેલ્લા કેટલાક વર્ષથી ટેકાના ભાવ પણ સારા મળી રહ્યા છે. ઉપરાંત આ વર્ષે છેલ્લે સુધી વરસાદ પડતાં જમીન ભેજવાળી રહેતા ખેડૂતોએ ચણાનું વાવેતર કરવાનું પસંદ કર્યું હતું.

ઉનાળાના પ્રારંભે મસાલા પાકોનું આગમન

1લી માર્ચને ઉનાળાના આગમનનો ઇશારો માનવામાં આવે છે ત્યારે ઉનાળાનું આગમન થયું છે તો સાથે સાથે મસાલા પાકો પણ બજારમાં આવી પહોંચ્યા છે. ગૃહિણીઓ જેને આખું વરસ સંગ્રહ કરવા માટે ખરીદી કરે તેવા મસાલા પાકો ધાણા, જીરું, સુકા મરચાં, હળદર વગેરેની પુષ્કળ આવક માર્કેટિંગ યાર્ડોમાં થઈ રહી છે. માર્ચના પ્રારંભે શરૂ થયેલી તમામ મસાલા પાકોની સિઝન આગામી બે મહિના સુધી ઉનાળાના તાપની જેમ ધોમ ધગધગશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments