Homeગુર્જર નગરીજામનગરમાં ગાયે બે મિનિટ સુધી મહિલાને ખૂણામાં દાબી ઢીંક મારી

જામનગરમાં ગાયે બે મિનિટ સુધી મહિલાને ખૂણામાં દાબી ઢીંક મારી

Team Chabuk-Gujarat Desk: માતેલા સાંઢની જેમ ગામ આખામાં રખડતા અને રસ્તે આવનારા કોઈને પણ અડફેટે લેતા ઢોરનો જામનગરમાં દિનપ્રતિદિન ત્રાસ વધી રહ્યો છે. એવામાં રખડતાં ઢોરનાં ત્રાસનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહિલાને ગાયે બે મિનિટ સુધી ઢીંક મારી બેશુદ્ધ કરી નાખી હતી. આસપાસમાંથી પંદરથી વધુ લોકો આવ્યા ત્યારે ગાયે મહિલાનો પનારો છોડ્યો હતો. ત્યાં સુધી તે મહિલાના શરીરને જ્યારે ક્ષતવિક્ષત કરી નાખવું હોય એમ તૂટી પડી હતી. ઈજાગ્રસ્ત મહિલાને બાદમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.

આ સમગ્ર ઘટના જામનગર શહેરના રણજીતરોડ પર આવેલ ચૌહાણ ફળીની શેરી નંબર-2માં બની છે. રાજકોટમાં રહેતા કાશ્મીરાબહેન તેમના પિતાને ત્યાં આવ્યા હતા. તેઓ પોતાના ઘર પાસેથી ચાલીને જઈ રહ્યા હતા ત્યારે એક ગાય તેમની પાછળ પડી હતી. કાશ્મીરાબહેને તેને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ બાદમાં ગાયે તેમને ઢીંકે ચડાવ્યા હતા અને ફંગોળી દીધા હતા. મહિલા ઊભા થવાનો નિરર્થક પ્રયાસ કરી રહી હતી પણ ગાયે તેમને મકાનની દિવાલના ખૂણામાં દબાવી દઈ પોતાનું બધું જોર ઢીંક પર લગાવી દીધું હતું.

આ સમયે શેરીમાં કોઈની અવરજવર ન હોય તેમની પુત્રી માતાનું રક્ષણ કરવા દોડી આવી હતી. જોકે ગાયે તેના પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આખરે આસપાસના લોકોનાં ટોળા ભેગા થયા હતા અને પંદર લોકોએ ગાયને દૂર હટાવી કાશ્મીરાબહેનનો જીવ બચાવ્યો હતો. અહીંથી તેમને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જામનગરમાં આ પહેલી વખત નથી. જાનવરો મુક્ત મને રખડતા હોય છે અને નજીકમાંથી કોઈ પસાર થાય તો તેને ઢીંક દ્વારા ઈજા પહોંચાડતા હોય છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. અસંખ્ય વખત ફરિયાદો અને ઘટનાના વીડિયો વાઈરલ થતા હોવા છતાં તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું રહે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments