Homeગુર્જર નગરીરાજકોટમાંથી બે અધિકારીઓ વધારાની ‘મીઠાઈ’ ખાતા ઝડપાયાં

રાજકોટમાંથી બે અધિકારીઓ વધારાની ‘મીઠાઈ’ ખાતા ઝડપાયાં

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ખૂણેખાંચરે ‘મીઠાઈ’ ખાવાના શોખીનો ભરાઈને પડ્યા છે. જેનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. જેને એક બાજુ તો સરકારી પગાર મળે છે તો બીજી બાજુ તેને ટેબલ નીચેથી રંધાયેલો ખોરાક પણ આરોગવો છે. રાજકોટમાંથી આવા બે કર્મચારીઓને એસીબીએ રંગેહાથે લાંચ લેતા ઝડપી પાડ્યા છે. વેરા વિભાગમાં કામ કરતા આ બંને અધિકારીઓ ટેબલ નીચેથી કમાણી કરવા જતાં હતાં. આ ક્ષણે જ એસીબીએ છટકું ગોઠવી દીધું અને મળતિયાં સહિત મીઠાઈના શોખીન લાંચિયાઓને પકડી પાડવામાં આવ્યા હતા. જોકે આખરે સરકારી નોકરીયાતો કેવી રીતે રમત રમતા ઝડપાયા એ સાંભળો.

થોડા દિવસ પહેલાની વાત છે. રાજકોટથી બામણબોર જીઆઈડીસી ખાતે એક પેઢીના બે ટ્રક જઈ રહ્યા હતા. તે સમયે આરોપી વિક્રમ દેવરખીભાઇ કનારા રાજ્ય વેરા અધિકારી, વર્ગ- ર, નાયબ રાજ્ય વેરા કમિશ્નરની કચેરી, રાજકોટ અને આરોપી અજય શિવશંકરભાઇ મહેતા, રાજય વેરા નિરીક્ષક, વર્ગ-૩, નાયબ રાજય વેરા કમિશ્નરની કચેરી, રાજકોટ, એ ટ્રક રોકી માલના બિલ અને ઇ-વે બિલ ખોટા હોવાનું જણાવી, જી.એસ.ટી.ની કલમ હેઠળ ટ્રક ડીટેઇન કરવાનું કહ્યું હતું.

આ અંગે પેઢીના માલિક દ્વારા બિલ સાચા હોય તેવું જણાવવા છતાં તેની પાસેથી આઠ લાખ રૂપિયાની મસમોટી લાંચ માગવામાં આવી હતી. આખરે ટ્રકના માલિક સાથે બંને લાંચિયા આરોપીઓ અને તેમના વચેટિયાએ 4 લાખ રૂપિયામાં સોદો ફાઈનલ કરી નાખ્યો હતો. પેઢીના માલિકે પ્રથમ તો પચાસ હજાર રૂપિયા આપ્યા હતા પણ લાંચિયાઓને ધરપત નહોતી. એ વારંવાર બાકીની લાંચના 3.50 લાખ રૂપિયા માગતા હતા.  

ફરિયાદી લાંચ આપવા માગતો ન હોય તેણે એસીબીનો સંપર્ક સાધ્યો હતો. એસીબીએ છટકું ગોઠવી બંને લાંચિયા અધિકારીઓ અને તેમના વચેટિયાને પણ પકડી પાડી ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments