Homeગુર્જર નગરીજામનગરમાં બે દિવસ મેઘરાજાનું અનરાધાર શાસન, આજે ફરી મન મૂકીને વરસ્યો

જામનગરમાં બે દિવસ મેઘરાજાનું અનરાધાર શાસન, આજે ફરી મન મૂકીને વરસ્યો

Team Chabuk-Gujarat Desk: અષાઢ અને શ્રાવણમાં સમગ્ર ગુજરાતની ધરતી કોરી રહી ગઈ હતી. ક્યાંક છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, બાકી ક્યાંક ચોમાસામાં પણ તડકારાજા કોપાયમાન થતાં લોકોને પરસેવાથી ભીંજવી મૂક્યા હતા. હવે રહી રહીને મેઘરાજા સમગ્ર ગુજરાતમાં પોતાની બાકી રહી ગયેલી કસરને પૂરી કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના પેરિસ જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતાં. જ્યાં જુઓ ત્યાં સ્થળ હોય ત્યાં જળના દર્શન થતાં હતા.

આ સમયે સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલમાં પાણી ઘુસી ગયા હતા. જી.જી હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગ અને આઈસીયૂ વિભાગમાં પાણીએ મન મૂકીને પ્રવેશ કરતા તંત્રની પોલ ખુલી ગઈ હતી. જોકે બીજી બાજુ જામનગર શહેરમાં સાર્વત્રિક વરસાદના પરિણામે જગતનો તાત મોજમાં આવી ગયો છે. છેલ્લા કેટલાય સમયથી ચાતક નજરે ખેડૂતો મેઘરાજાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. આખરે મેઘરાજાએ જામનગરને તરબોળ કરી દેતાં ખેડૂતોને લીલાલહેર થઈ ગયા છે.

બીજી બાજુ વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકો પણ વરસાદની મજા માણવા માટે ઘરની બહાર નીકળી ગયાં હતાં. ગઈકાલે બુધવારે પણ વરસાદે મન મૂકીને જામનગરવાસીઓને ભીંજાવ્યા હતા, તો બીજી બાજુ આજે ગુરૂવારનાં રોજ પણ મેઘરાજા અનરાધાર વરસ્યા હતાં. ગઈકાલે બુધવારના રોજ જિલ્લામાં એકથી ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. શહેરના મહત્વના ધ્રોલ અને જોડિયા તાલુકામાં ત્રણ ત્રણ ઈંચ વરસાદની મહેર થઈ ગઈ હતી જ્યારે શહેર જામનગરમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

જામનગરમાં ભારે વરસાદ પડે અને પાણી ન ભરાય તો એ વરસાદ શું કામનો? શહેરના મહત્વના અને ધબકતા રહેતા વિસ્તારો જેવા કે ભીમવાસ મુખ્ય માર્ગ, જલારામનગર, બેડી ગેઈટ, જયશ્રી સિનેમા શેરી, રેલ્વે સ્ટેશન સહિત પેટ્રોલ પમ્પ પણ પાણી પાણી થઈ ગયા હતાં. શહેરમાં એકધારો વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments