Homeગુર્જર નગરીજેતપુરનો હચમચાવી દેતો કિસ્સો: બે બાળકો પાટા પર રમતા હતા અને અચાનક...

જેતપુરનો હચમચાવી દેતો કિસ્સો: બે બાળકો પાટા પર રમતા હતા અને અચાનક ટ્રેન આવી ગઈ

Team Chabuk-Gujarat Desk: જેતપુરમાં પાટા પર રમતી વખતે અચાનક ટ્રેન આવી જતાં બે બાળકોના કમકમાટીભર્યા મૃત્યું થયા છે. પાટા પર રમતી વખતે અચાનક ટ્રેન આવી જતાં બંને બાળકો ડરી ગયા હતા અને ભાગવા લાગ્યા હતા. જો કે, તેઓ પાટા પરથી ખસે તે પહેલાં જ ટ્રેન મોત બનીને તેમની પાસે આવી ગઈ હતી અને બંને બાળકોને ટક્કર મારી હતી.

હ્રદયને હચમચાવી દેનારી આ ઘટનામાં 11 વર્ષનો આર્યન કુમાર શુંભુ પ્રસાદ અને 7 વર્ષનો દીપુ સિંઘેર મંડલ મૃત્યુ પામ્યા છે. રાજકોટથી સોમનાથ જતી વખતે ભાદર નદીના પૂલ પર આ દુર્ઘટના બની છે. દુર્ઘટનામાં એક બાળક તો પાટા પરથી નદીમાં ફંગોળાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારબાદ જેતપુર પોલીસને જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. બંને બાળકોના ઘટનાસ્થળે જ મોત થતાં તેમના મૃતદેહેન પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા.બીજી તરફ બંને બાળકોની અણધારી વિદાયથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મોતના સમાચાર સાંભળતા જ પરિવાર ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો હતો.

આ ઘટનામાં રેલવે ટ્રેક નજીક રહેતાં પરિવાર માટે લાલબત્તી સમાન છે. આ ઘટનામાં બંને બાળકોના માતા-પિતા પરપ્રાંતિય છે. જેઓ રોજી રોટી રળવા પોતાનું વતન છોડી ગુજરાતમાં દિવસો વિતાવી રહ્યા હતા. જો કે, તેમને ક્યાં ખબર હતી કે અહીં તેમના વ્હાલસોયાને ગુમાવવાનો વારો આવશે. મૃતદેહ જોઈ એક બાળકની માતા ત્યાં જ ઢળી પડી હતી. તેમના હૈયાફાટ રૂદનથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

બીજી તરફ આરોપ એવો છે કે, જેતપુર આસપાસ રેલવેની હદ વિસ્તારમાં ઘણાં લોકોએ ગેરકાયદે ઓરડીઓ ઉભી કરી દીધી છે અને આ ઓરડી પરપ્રાંતમાંથી આવતા શ્રમિકોને ભાડે આપી દીધી છે. અહીં રહેતાં શ્રમિકો પોતાના બાળકોને એકલાં મુકી મજૂરી પર જતાં હોય છે જેથી તેમના જીવ હંમેશા જોખમમાં જ રહે છે. આગામી સમયમાં આ દુર્ઘટના જેવી અન્ય દુર્ઘટના ન બને તે માટે ગેરકાયદે ઓરડી બાંધનારા વિરૂદ્ધ કાર્યવાહીની માગણી ઉઠી છે. સાથે જ આ ઓરડીમાં રહેતાં લોકોને યોગ્ય જગ્યાએ ખસેડવા માગણી ઉઠી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments