Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જળબંબાકાર થઈ ગયું છે. ગિરનારનું પ્રક્ષાલન થઈ ગયું છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. રસ્તાઓ ધોવાયા છે. નવા નીરની આવક થઈ છે. ને છતાં મેઘરાજા ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યાં. જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની અવિરત કૃપા વરસવાના કારણે અતિવૃષ્ટીની સ્થિતિ સર્જાય છે. માત્રે બે દિવસની અંદર અંદર જ ચોમાસાએ ચાર મહિનાનું સાટુ વાળી નાખ્યું છે.
ચોમાસુ આંકડા
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતાં બપોર સુધીમાં એકથી છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિસ્તારમાં સૌથી વધારે 6 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. બપોરના ચાર વાગ્યા સુધીમાં માંગરોળ તાલુકામાં 157 મીમી, કેશોદમાં કેશોદમાં 126 મિમી, માળિયા 94 મિમી, વંથલી 93 મિમી, જૂનાગઢ શહેર 96 મિમી, જૂનાગઢ તાલુકો 96 મિમી, મેંદરડા 44 મિમી, વિસાવદર 20 મિમી અને માણાવદરમાં 47 મિમી વરસાદ નોંધાયો હતો.
માંગરોળમાં મેઘમહેર કે કહેર!
જૂનાગઢની નજીક આવેલા માંગરોળમાં ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. સ્થળ ત્યાં જળની સ્થિતિ થઈ ગઈ હતી. લોકોને પણ જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનરાધાર વરસાદના પગલે માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. તો કેટલીક એવી જગ્યાઓ પણ હતી જે બેટમાં તબ્દિલ થઈ ગઈ હતી. માંગરોળની આસપાસના નદી-નાળામાં ભરપૂર પાણીની આવક થઈ છે અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય છે. માંગરોળનું ખ્યાતનામ કામનાથ મંદિર પણ જળમગ્ન થઈ ગયું છે.
ભૂવામાં બસગમન
બે દિવસથી મેઘરાજાની અનરાધાર મહોબ્બતના કારણે ધીમે ધીમે જૂનાગઢ મહાનગરપાલિકાની પોલ ખુલી રહી છે. આજે બિલખા રોડ પર જ્યાં સૌથી વધારે વાહનની અવરજવર રહે છે ત્યાં જ એક મહાકાય ભૂવો પડી ગયો હતો અને આ ભૂવામાં એક મહાકાય બસ ફસાઈ હતી. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા અને મનપાની કામગીરીની લોકોએ ઠેકડી ઉડાવી હતી. ભૂવામાં જ્યારે ભૂ પીવા બસ આવી હોય તેવું દૃશ્ય સર્જાયું હતું. પણ સદનસીબ કે બસ પલટી નહોતી અને કોઈ જાનહાની નહોતી થઈ.
ગિરનાર
જૂનાગઢ અને તેની આસપાસના રહેનારા જંગલ વિસ્તારના લોકોને લીલાલહેર થઈ ગયાં છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વૃક્ષો લીલાછમ થઈ ગયા છે. ગિરનાર ધોવાયો છે અને તેનું દૃશ્ય કોઈની પણ આંખોને આંઝી નાખે તેવું બન્યું છે. ઉલ્લેખનીય છે કે ગિરનારના આ અપ્રતિમ સૌંદર્યને નિહાળવા માટે ચોમાસા બાદ ભીડ ઉમટવાની છે. જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડવાના કારણે ડેમ, આસપાસના નદી-નાળા છલકાય ગયા છે અને ઝરણાઓ ફૂટી નીકળ્યા છે. ખાસ જટાશંકરની સુંદરતા અપરંપાર દેખાય રહી છે. હવે મેઘરાજા વિરામ લેતા પ્રવાસીઓની ભીડ ઉમટવાની શક્યતાને પણ નકારી ન શકાય. ભારે વરસાદ પડવાના પગલે જૂનાગઢની કેટલીક સીડીઓ પર ભેખડ ધસી પડી હોય તેવી તસવીરો પણ વાઈરલ થઈ હતી. આમ છતાં દર્શનાર્થીઓ ગિરનાર ચડી રહ્યા હોવાનું તસવીરોમાં દેખાઈ રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત