Team Chabuk-Sports Desk: એથલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFAI) સોમવારના રોજ દેશના રમત ઈતિહાસનો સૌથી મોટો નિર્ણય લીધો છે. સંઘ દ્વારા જ્વેલિન થ્રોના રાષ્ટ્રીય કોચ ઉવી હોહનને તેમના ચાર વર્ષના કાર્યકાળ બાદ વિદાય આપી દેવામાં આવી છે. એથલેટિક્સમાં જર્મનીનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા હોહનનું નામ વિશ્વભરમાં માનભેર લેવામાં આવે છે. જ્વેલિન થ્રોમાં એ એક માત્ર એવા ખેલાડી છે જેણે ભાલાનો 100 મીટર સુધી ઘા કર્યો હોય. ભારતમાં આ રમતને તેની બુલંદીઓ પર પહોંચાડવા માટે હોહને આકરી મહેનત કરી છે. તેમના જ કાર્યકાળ દરમ્યાન નીરજ ચોપરાએ 88.06 મીટર દૂર ભાલુ ફેંકી રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો. ઉવી હોહનના જ નેતૃત્વમાં નીરજ ચોપડાએ વર્ષ 2018ની સાલમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડમેડલ જીત્યો હતો અને એ જ વર્ષે એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડમેડલ પ્રાપ્ત કરી ઈતિહાસ રચી દીધો હતો.
આમ છતાં નીરજ ચોપરાએ વર્ષ 2019માં હોહનના કોચિંગ નેતૃત્વ હેઠળથી નીકળવાનો નિર્ણય લઈ લીધો હતો. એ સમયે એએફઆઈએ હોહનના જ હમવતની એવા ક્લાસ બાર્ટોનિએટ્ઝને નીરજ ચોપરાના કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. જોકે હોહનના યોગદાન માટે તેમને ટોક્યો ઓલિમ્પિક સુધી ભાલા ફેંકમાં રાષ્ટ્રીય કોચ તરીકે નિયુક્ત રાખવામાં આવ્યા હતા.
ટેકનિકલ કારણ
નીરજ ચોપરા અને ઉવી હોહનની વચ્ચે કોઈ વિવાદ નહોતો. જોકે ટેકનિકને લઈને બંનેની વચ્ચે મતભેદ પ્રવર્તતા રહેતા હતા. 2018માં તેનું પ્રથમ પ્રમાણ સાંપડ્યું હતું. જ્યારે નીરજ ચોપરાએ ફેડરેશન કપ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 85.94 મીટર સુધી ભાલા ફેંક કરી અને પોતાના પ્રદર્શનથી સંતુષ્ટી વ્યક્ત કરી હતી. ચોપરાએ કહ્યું હતું કે, અંગત રીતે તો આ તેનું સર્વશ્રેષ્ઠ નથી, પણ એ આનાથી પણ આગળ જવાની કોશિશ કરશે. જોકે ઉવી હોહનને ચોપરાના પ્રદર્શનથી આનંદ નહોતો થયો અને તેની ટેકનિક બદલવાની વાત કરી હતી. ઉવી હોહને કહ્યું હતું કે, નીરજે પોતાની ટેકનિકમાં પરિવર્તન લાવવાની જરૂર છે. જો એ બદલાવ લાવશે તો ટૂંક સમયમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીમાં તેનું નામ હશે. હોહને એમ પણ કહ્યું હતું કે, ફેડરેશન કપમાં નીરજનું પ્રદર્શન સારું હોય શકે છે પણ ટેકનિકની દૃષ્ટીએ નથી. આ ટેકનિકથી તેની 80-85 ટકા તાકત જ ફેંકવામાં જઈ રહી છે. કોમનવેલ્થ રમત બાદ નીરજની ટેકનિકમાં બદલાવ લાવવાનો પ્રયાસ કરીશું.
હોહનને અલવિદા
નવેમ્બર 2019માં નીરજ ચોપરાએ ઉવી હોહનનો સાથ છોડવાનો નિર્ણય લીધો હતો. તેણે આગળ ક્લાઉસ બાર્ટોનિએટ્ઝની સાથે ટ્રેનિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. ક્લાઉસ 2018માં જ હોહનની સાથે મળીને નીરજની ટેકનિક પર કામ કરી રહ્યા હતા. જોકે હોહનની સાથે અલગ થયા બાદ ક્લાઉસે ચોપરાને ઓલિમ્પિક 2020માં ટ્રેનિંગ દેવાની જવાબદારી ઉઠાવી હતી. આ સમયે એએફઆઈના એક અધિકારીએ કહ્યું હતું કે, નીરજ ચોપરાએ હોહનને છોડવાનો નિર્ણય જ એટલા માટે લીધો હતો કે તેઓ એ પદ્ધતિને બદલી શકે, જેનાથી તેમને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું હતું.
અન્ય ખેલાડીઓની પણ ના
ટોક્યો ઓલિમ્પિક બાદ અન્ય ખેલાડીઓએ પણ હોહન પાસે ટ્રેનિંગ લેવાથી નનૈયો ભણી દીધો હતો. એએફઆઈએ જ્યારે તેમને હટાવવાનો નિર્ણય લીધો ત્યારે કહ્યું હતું કે, અમે તેમના પ્રદર્શનથી ખુશ નથી. ફેડરેશનના યોજના પ્રમુખ લલિત ભનોટે તો ત્યાં સુધી કહી દીધું હતું કે, ઓલિમ્પિકમાં જ્વેલિન થ્રોમાં ભાગ લેનારા બે વધુ ખેલાડી શિવપાલ સિંહ અને અન્નુ રાની પણ હોહનની સાથે ટ્રેનિંગ કરવા નથી ઈચ્છતા.
પગાર અને આંગળી ચીંધી
આ સિવાય પગાર વધારાને લઈને પણ હોહન વિવાદમાં આવી ચૂક્યા છે. તેમણે ફેડરેશન ઉપર પણ આંગળી ચીંધતા કહ્યું હતું કે, આ લોકોની સાથે કામ કરવું મુશ્કેલ છે. જ્યારે હું આવ્યો હતો ત્યારે મને લાગ્યું હતું કે હું કંઈક બદલી શકીશ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત