Homeગુર્જર નગરીજૂનાગઢ: જામનગર કોવિડ હોસ્પિટલમાં કથિત યૌન શોષણ કેસ મુદ્દે ઈસુદાન ગઢવીનો હુંકાર,...

જૂનાગઢ: જામનગર કોવિડ હોસ્પિટલમાં કથિત યૌન શોષણ કેસ મુદ્દે ઈસુદાન ગઢવીનો હુંકાર, “FIR નહીં નોંધાય તો AAP કોર્ટમાં જશે”

Team Chabuk-Gujarat Desk: જામનગરની જી.જી.હોસ્પિટલમાં કથિત યૌન શોષણ કેસમાં હવે રાજકારણ પણ ગરમાયું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી મેદાને આવી છે. જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના જિલ્લા અને શહેરના કાર્યકર્તાઓની મળેલી બેઠકમાં ઈસુદાન ગઢવીએ કહ્યું હતુ કે, જો આ મુદ્દે FIR નહીં નોંધવામાં આવે તો આમ આદમી પાર્ટી કોર્ટમાં જશે. તેમણે સરકાર પર આડકતરી રીતે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, બહેનો તકલીફ હોય તો પોસ્ટકાર્ડ લખજો એવું કહેનારાના રાજમાં બહેનોની સલામતી નથી. જામનગરની છેડતીની ઘટનામાં FIR નહીં થાય તો આમ આદમી પાર્ટી કોર્ટમાં જશે.

જામનગર જી.જી. હોસ્પિટલમાં એટેન્ડેન્ટ યુવતીઓએ સુપરવાઈઝર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે રાજ્ય સરકારે એક કમિટી બનાવી તપાસના આદેશ પણ આપ્યા છે. જો કે, યુવતીઓએ તપાસ કમિટી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ  મુદ્દે  જે યુવકના ઘરમાં યુવતીઓનું શોષણ કરવામાં આવ્યું હતું તે મીડિયા સામે આવ્યો હતો અને તેની જાણ બહાર તેના ઘરનો ખોટા કામમાં ઉપયોગ કરાયો હોવાનું નિવેદન આપ્યું હતું. હાલ આ મુદ્દે તપાસ ચાલું છે.

બેઠકમાં ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ઈસુદાન ગઢવીએ કહ્યું હતુ કે, એસી ચેમ્બરમાં બેસતા નેતાઓની ચિંતા વધી રહી છે. તેમણે કહ્યું કે, ભાજપ અહંકારી અને ભ્રષ્ટાચારી પક્ષ હોવાની લોકોને અનુભૂતિ થઈ છે. જ્યારે કોંગ્રેસ પર લોકોને વિશ્વાસ નથી તેઓ મંત્રીપદ લેવા માટે જ રાજકારણ કરે છે. તેમણે વધુમાં કહ્યું કે, વર્તમાન સરકારને કોઈ પણ નિર્ણય માટે દિલ્લી પૂછવું પડે છે.

ઈસુદાન ગઢવીએ દાવો કર્યો કે, જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો કોરોના મૃતકોને  આર્થિક પેકેજ અપાશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું હતું જેમાં મૃતકોના પરિવારને આર્થિક પેકેજ આપવું અશક્ય હોવાનું જણાવ્યું હતું.  કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, આર્થિક પેકેજ આપવાથી આગામી સંભવિત ત્રીજી લહેરમાં લડવા માટે આર્થિક મુશ્કેલી પડી શકે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments