Team Chabuk-Gujarat Desk: ગુજરાત અને એમાંય સૌરાષ્ટ્રમાં જર્જરીત ટાંકીઓની સમસ્યાઓ ઉડીને આંખે વળગે છે. વર્ષોથી જીર્ણોદ્ધાર માગતી બાબા આદમના વખતની એક જર્જરીત ટાંકી ધરાશાયી થઈ છે. આ ટાંકી જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખીરસરા ગામે આવેલી હતી. સદનસીબે ટાંકીની આસપાસ કોઈ હાજર ન હોવાથી જીવલેણ ઘટના બનવા નહોતી પામી. ટાંકી પડી જવાના કારણે થોડી વાર માટે અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના અસબાબનો ટાંકીના કાટમાળને કારણે કચ્ચરણઘાણ નીકળી ગયો હતો.
આ ટાંકી આશરે ચારેક દાયકા જૂની હોવાનું રટણ સ્થાનિકો કરી રહ્યા છે. ટાંકી પડી તેની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ટાંકી જર્જરીત હોવાની અને ગમે ત્યારે જમીનદોસ્ત થાય એમ હોય ગ્રામ્યજનો દ્વારા અવાર નવાર જવાબદાર અધિકારીઓ અને તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. જોકે ટાંકી પડી ગઈ અને પાણી ઢોળાઈ ગયું ત્યાં સુધી તંત્રના પેટનું પાણી નહોતું હલ્યું. આખરે ટાંકી પડ્યા બાદ અધિકારીઓ દોડતા આવ્યા હતા.
કોઈ નક્કર કામગીરી ન કરી હોવાથી ગઈકાલે બપોર દરમ્યાન ટાંકીએ કુદરતી રીતે પડતું મૂક્યું હતું. ટાંકો કડડભૂસ થઈ જવાના કારણે આસપાસના વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા હતા. તો કાટમાળ જ્યાં જ્યાં પડ્યો એ એ વસ્તુ દબાઈ ગઈ હતી, કાં તેનો કચ્ચરઘાણ નીકળી ગયો. સદભાગ્યે ઘટના બની તે સમયે ટાંકીની આસપાસ કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. દોઢ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો આ ટાંકો પડ્યો તે ઘટના સામેની દુકાનમાં આવેલા સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઈ ગઈ હતી. જેથી એક પ્રમાણ પણ મળી આવ્યું હતું.
જૂનાગઢના ખીરસરામાં પાણીની ટાંકી ધરાશાયી#junagadh pic.twitter.com/9Gc3dIV4iM
— thechabuk (@thechabuk) July 31, 2021
આ આકસ્મિક દુર્ઘટનામાં કોઈ જાનહાની તો નથી થઈ પણ ટાંકીની બાજુમાં આવેલી દૂધની ડેરીને નુકસાન પહોંચ્યું છે. ગોડાઊનની આસપાસ રાખવામાં આવેલા ચણાના કટ્ટા પલળી ગયા હતા. પાર્ક કરીને રાખેલી છકડો રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. આખરે જેની ટાંકી પડે એ પહેલા જરૂર હતી એ જવાબદાર વહિવટ તંત્ર ઘટનાસ્થળે વાજતે ગાજતે દોડી આવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત