Homeગુર્જર નગરી‘રામ’ હવે AAPના થયા: આંદોલનમાં ‘પ્રવીણ’ રામ અપવાશે રાજ ?

‘રામ’ હવે AAPના થયા: આંદોલનમાં ‘પ્રવીણ’ રામ અપવાશે રાજ ?

શૈલેષ નાઘેરા:  જન અધિકાર મંચના નેતા તરીકે ઓળખાતા આંદોલનકારી પ્રવીણ રામે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથેની બેઠક બાદ જૂનાગઢમાં સ્થાનિક નેતાઓની હાજરીમાં પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. બે દિવસ પહેલાં જ પ્રવીણ રામની મુલાકાત દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે થઈ હતી.

કોણ છે પ્રવીણ રામ ?
પ્રવીણ રામ ગીર સોમનાથના તાલાલાના ઘૂસિયા ગામના વતની છે. માતા-પિતા અને બે ભાઈઓનો નાનો પરિવાર 4 વીઘા જમીનમાં ખેતી કરી તેમજ પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પ્રવીણ રામે ફાર્મસી અને Mtech સુધીનો અભ્યાસ કર્યો છે. જો કે, માસ્ટર ડીગ્રી હોવા છતાં તેઓ કોઈ સંસ્થા સાથે નોકરીમાં જોડાયા નથી. અત્યાર સુધી પ્રવીણ રામ જન અધિકાર મંચના નેતા તરીકે ઓળખાતા હતા. છેલ્લા પાંચ વર્ષમાં પ્રવીણ રામે અનેક આંદોલન કર્યા છે અને તેમાં સફળતા પણ મેળવી છે. જેથી પ્રવીણ રામની છાપ જનતાના નેતા તરીકે ઉભરી આવી છે.

ક્યા ક્યા આંદોલન કર્યા ?

2013 ફાર્માસિસ્ટ આંદોલન

પ્રવીણ રામે 2013માં પહેલું આંદોલન ફાર્માસિસ્ટ માટે કર્યું હતું. 2013 સુધી ગુજરાતમાં અનેક મેડિકલો ફાર્માસિસ્ટ વગર જ ધમધમતી હતી. ગેરકાયદે મેડિકલ ચલાવનારા લોકોના કારણે જે ફાર્માસિસ્ટની ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હતા તેઓ બેરોજગાર હતા જે વાત ધ્યાને આવતા પ્રવીણ રામે આંદલન શરૂ કર્યું હતું. સતત દોઢ વર્ષ સુધી ચાલેલા આ આંદોલનથી પ્રવીણ રામ અને તેમના સાથીઓએ ગુજરાતમાં 6 હજાર જેટલા ગેરકાયદેસર મેડિકલ સ્ટોર બંધ કરાવ્યા હતા. આ ઉપરાંત આ ઉપરાંત 4 હજાર જેટલા ફાર્માસિસ્ટને માસિક 15થી 20 હજાર રૂપિયા સુધીના પગાર  ધોરણે નોકરી પણ અપાવી હતી. આમ, આ આંદોલનથી જે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો હતો.

2015 ફિક્સ પગારધોરણ, આશાવર્કર માટે આંદોલન

2015માં પ્રવીણ રામે આશા વર્કર તેમજ આંગણવાડીના કર્મચારીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો. આશાવર્કરનો આરોપ હતો કે તેમને કામ મુજબનું વેતન નથી મળી રહ્યું. આ મુદ્દે પણ પ્રવીણ રામ આગળ આવ્યા અને એક જનઆંદોલન શરૂ કર્યું. જેમાં આશા વર્કરને 50 ટકા જેટલો પગાર વધારો મળ્યો હતો. જ્યારે ફિક્સ પગાર માટે ચલાવેલી લડતથી દોઢ કર્મચારીઓને માસિક 12 હજારથી લઈને 25 હજાર સુધીનો માસિક પગાર વધારો મળ્યો હતો.

2017 ઈકોઝોનનો વિરોધ

પ્રવીણ રામ આ પછી પણ રોકાયા ન હતા. લોકોની સમસ્યાને પોતાની સમજી પ્રવીણ રામ અન્યાય સામે અવાજ ઉઠાવતા રહ્યા અને લોકો માટે લડતા રહ્યા. 2017માં ખેડૂતોના હિત માટે ઈકોઝોન આંદોલન શરૂ કર્યું હતું. પ્રવીણ રામના 52 દિવસના આંદોલન બાદ સરકારને ઝુકવું પડ્યું હતું અને જે કાયદો લાગુ કરવાનો હતો તેને સ્થગિત કરી દીધો હતો. આ આંદોલનમાં પ્રવીણ રામ સાથે તાલાલાના કેટલાય ગામના લોકો જોડાયા હતા.

પ્રવીણ રામે બેરોજગાર યુવાનો માટે એક આંદોલન શરૂ કર્યું હતું જેમાં 9 હજાર કોન્સ્ટેબલને ઓર્ડર મળ્યો હતો. આ ઉપરાંત તેમણે રિલાયન્સ નેવર કંપની સામે આંદોલન શરૂ કર્યું હતું તેમજ હાલ તેઓ એક આહિર રેજીમેન્ટની માગ મુદ્દે પણ આંદોલન ચલાવી રહ્યા છે. ટીમ ચાબુક સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, આ બધા આંદોલન વખતે અનેક પડકારો હતા. અનેક લોકોની ધમકીઓ અને એ લોકો તરફથી લાલચ પણ મળી હતી અને જો કે, અમારી નૈતિકતાને એ લોકો ડગાવી શક્યા ન હતા.

પ્રવીણ રામે કહ્યું કે, તેમને સરકારની કેટલીક નીતિઓથી વાંધો છે. ગરીબ લોકો આવી નીતિઓથી થાકી ગયા છે. આ અન્યાય સામે તેમણે અવાજ ઉઠાવ્યો છે અને આગળ પણ ઉઠાવતા રહેશે.

અનેકવાર પ્રવીણ રામ રાજકીય પાર્ટીમાં જોડાવાના છે તેવી ચર્ચા ઉઠી હતી. જો કે, હવે આ ચર્ચાનો અંત આવી ગયો છે અને પ્રવીણ રામે આમ આદમી પાર્ટી સાથે જોડાતા આ ચર્ચાનો પણ અંત આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments