Homeસિનેમાવાદઅંદાજ અપના અપના: ફિલ્મમાં આમિર ખાને સચિન તેંડુલકર પાસે આ ખાસ કામ...

અંદાજ અપના અપના: ફિલ્મમાં આમિર ખાને સચિન તેંડુલકર પાસે આ ખાસ કામ કરાવ્યું હતું

ઝાલાવાડી જલજીરા: નિર્માતા વિનય સિન્હા આમિર ખાનના ઘરે આવતા જતાં રહેતાં હતાં. એક હુષ્ટપુષ્ટ સંબંધ કેળવાયો હતો. આમિરના પિતા તાહીર હુસૈનની ઓફિસમાં પણ તેમની ગોષ્ઠી બરાબરની જામતી રહેતી હતી. વિનય સિન્હાના ભાઈ પણ આમિર ખાનની સાથે જ હતા. વિનયને એવો વિચાર આવ્યો કે આમિર ખાનને લઈ એક કોમેડી ફિલ્મ બનાવવી જોઈએ.

1994ની સાલ સુધી આમિર ખાને કોમેડી પર હાથ નહોતો અજમાવ્યો. જેથી આ તેના માટે કોરી પાટી જેવું હતું. 1991ની સાલ સુધીમાં આમિર ખાને કુલ નવ ફિલ્મો કરી હતી. નવમાંથી બે હીટ હતી બાકીની બધી ફ્લોપ હતી. જન માનસ પર આમિર ખાનની ચોકલેટી અને રોમેન્ટીક હીરોની છાપ અંકિત થઈ ગઈ હતી. ચ્યુંગમની જેમ ચોંટી ગયેલી એ છબીને ઉખાડવાનો આ નવતર પ્રયાસ કર્યા જેવો છે તેવું પિતા તાહિર હુસૈન પણ સ્પષ્ટરૂપે માનતાં હતાં. તાહિરે આ વાત તેમના ભાઈ નાસિરને કરી. નાસિરને પણ આઈડિયામાં રસ જાગ્યો.

આમિર ખાને લીલીઝંડી આપી દેતા તેના હમઉમ્ર કલાકારની શોધમાં નિર્માતા લાગ્યા. એ વખતે સલમાન ખાન લોકપ્રિયતા હાંસિલ કરી રહ્યા હતા. તેમના ખાતમાં પણ મેને પ્યાર કિયા બાદ કુલ પાંચ ફિલ્મો બોલતી હતી. યુવતીઓનાં હ્રદયનો ઝંકાર સલમાન ખાન બની ચૂક્યા હતા. એક જ દોરી પર ચાલતા બે કલાકારોને લેવા અને એક સરખું કામ કરાવવું એ આમ તો અઘરું થાય પણ શક્ય બન્યું ખરું. ઉપરથી નિર્માતાને એક હાશકારો એ પણ મળ્યો કે આ બેઉ નવઉન્મેષો રોમેન્ટીક ઈમેજથી કંટાળી ચૂક્યા છે અને કંઈક નવતર પ્રયોગ કરવા માગે છે. કદાચ તેમની અંદર રહેલી નવું કામ કરવાની હામ જ તેમને કોમેડીના વિષયમાં આરંભિક સફળતા અપાવી ગઈ. એ પછી સલમાન ખાન કોમેડીમાં ક્યાંય ન ચાલ્યા પણ આમિર ખાને પોતાના અંદાજ અને અવતારથી બાદમાં પણ કોમેડી ફિલ્મો કરી દર્શકોને હસાવ્યા.

વિનય સિન્હા આઈડિયા ફાઈનલ થયા બાદ દિગ્દર્શકની શોધમાં હતા. આમિર ખાને તેમને રાજકુમાર સંતોષીનું નામ આપ્યું. વિનય સિન્હાએ તેમના નામ પર વિચાર કર્યો અને એક દિવસ પત્નીએ આપેલું ટીફિન લઈ સંતોષીના ઘરે ચાલ્યા ગયા. સંતોષીએ અને તેમણે એ જ ટીફિનમાં સાથે ભોજન કર્યું અને ફિલ્મમાં કામ કરવાની વાતને અંતિમ ઓપ આપ્યો. શરૂઆતથી હિન્દી સિનેમામાં એવા ગપગોળા ચાલે છે કે સૌથી પહેલા દિગ્દર્શક રાજકુમાર સંતોષી ફાઈનલ થયા હતા અને તેમણે આમિર ખાનના નામ પર મહોર મારી હતી. જે તદ્દન ખોટું છે.

વિનય સિન્હાના મગજમાં રાજકુમાર સંતોષી પહેલા અજીજ સજાવલનું નામ ઘુમરતું હતું. નિર્માતાએ તો મનીષા કોઈરાલા અને મમતા કુલકર્ણી જેવી એ સમયની ખ્યાતનામ હીરોઈનના નામ પર કળશ ઢોળેલો હતો. થયું એવું કે મમતા કુલકર્ણી અન્ય નિર્માતાઓની સાથે ફિલ્મોનાં કામકાજમાં વ્યસ્ત હતી અને મનીષાને આ ફિલ્મની પટકથા પસંદ નહોતી આવી. નીલમ અને તનુશ્રી કૌશલનું નામ પણ ચર્ચાયું હતું. છેલ્લે કરિશ્મા અને રવિના ફાઈનલ થઈ. જે હિન્દી ફિલ્મ ઉદ્યોગ જગતમાં નવી સવી હતી અને વિવેચકોના મતે ભવિષ્યમાં કાઠુ કાઢનારી હતી. ભવિષ્યમાં નીલમની ગણતરી એવી અભિનેત્રીઓમાં થઈ જેણે પુષ્પક બાદ અંદાજ અપના અપના જેવી ક્લાસિક ફિલ્મો છોડી દીધી હોય.

ફિલ્મમાં આટલી તગડી સ્ટારકાસ્ટ લેવી એ ખરેખર અઘરું થઈ પડ્યું હતું. સલમાન ખાન મૌજીલા હતા. સેટ પર ગમે ત્યારે આવી ધમકતા હતા અને આખો આખો દિવસ સુધી આમિરને તેમની પ્રતિક્ષા કરવી પડતી હતી. આમિર ખાન એટલા કંટાળ્યા કે આ ફિલ્મ બાદ તેમણે સલમાન સાથે કોઈ ફિલ્મમાં કામ કર્યું જ નહીં. કરિશ્મા અને રવિનાનું ખાતું પણ એવું જ હતું. એકબીજાની સમકાલીન આ બંને હીરોઈન સેટ પર ભલે એકબીજાનું ડાચું જોવાનું પણ પસંદ ન કરતી હોય પણ કેમેરાની સામે જ્યારે બહેનપણીઓ હોય એ રીતનો ઉત્તમ અભિનય કરતી હતી. અતિઉત્કૃષ્ટ અભિનય કેવો હોય તેમાં આ કિસ્સાને પણ જોડી શકીએ.

સંતોષીના જણાવ્યા મુજબ ફિલ્મના બંને મેઈન કેરેક્ટર ટોમ એન્ડ જેરી છે. આમિર અને સલમાનનું અમર-પ્રેમ પાત્ર આ રીતે જ ઘડવામાં આવેલું છે. ખૂબ ઓછા લોકોને ખ્યાલ હશે કે આ સમગ્ર ફિલ્મની પાછળ બે સાઉથની ફિલ્મની કરામત પણ બોલે છે. દિગ્દર્શક સંતોષીએ ખાસ લેખક દિલીપ શુક્લાની મદદ લીધી હતી. બંનેએ દક્ષિણની ફિલ્મ બોમ્માલટ્ટુમ અને મઝઈ જોઈ નાખી. એ પછી ચર્ચા થઈ અને અંતે ફિલ્મની પટકથા લખી નાખી.

માર્ચ 1991માં આમિર ખાને ખૂદ ક્રિકેટર સચિન તેંડુલકરને સેટ પર બોલાવ્યા હતા અને ક્લેપ વગાડી મુહૂર્ત કરાવ્યું હતું. ફિલ્મ શરૂઆતમાં ખૂબ જ ઝડપથી શૂટ થતી હતી. સેટ પર કલાકારોની હુંસાતુસીના કારણે તેને કમ્પલિટ થતાં ચાર વર્ષ નીકળી ગયેલા. ચાર વર્ષ પછી કોઈ પણ પ્રકારના પ્રમોશન વગર ફિલ્મ રિલીઝ કરી દેવામાં આવી. થીએટરનાં માલિકો ચિંતામાં ગરકાવ હતા કે જે ફિલ્મ વિશે લોકોને કંઈ ખ્યાલ જ નથી તેનું ગાડુ દોડશે કેવી રીતે? અંતત: કોઈ પણ માધ્યમમાં જ્યારે ફિલ્મનો પ્રચાર ન થાય ત્યારે એક કાનથી બીજો કાન જ ઉપયોગમાં આવે છે. લોકો જુએ અને ગમે તો બીજાને પણ જોવાની સલાહ આપે. જે વ્યક્તિ આ ફિલ્મ જોતી એ થીએટરની બહાર નીકળી દસ લોકોને આ ફિલ્મ જોવાની સલાહ આપતી. માઉથ પબ્લિસિટી અને એ પણ પૈસાથી નહીં સાચી.

એ વખતે કોમેડીમાં ગોવિંદાની ફિલ્મોનો સિક્કો ચાલતો હતો. તેના સંવાદો દ્વિઅર્થી રહેતા હતા એટલે થીએટરમાં હાહા… હીહી થતી રહેતી હતી. અંદાજ અપના અપના અને ગોવિંદાના કમાલ ધમાલ સુધી એવી કોઈ ફિલ્મ આવી નહોતી જે કુટુંબની સાથે બેસી માણી શકાય. ટીવી પર આવે ત્યારે કોઈ પણ પ્રકારનાં સંકોચ વિના ભાઈ અને બહેન સાથે બેસીને જોઈ શકે. અંદાજ અપના અપનાએ એ વાતાવરણનું સર્જન કરી આપ્યું હતું.

ફિલ્મના તમામ પાત્રો ટાઈમલેસ ક્લાસિક છે. તેજા, અમર-પ્રેમ ઉર્ફ પપલુ ટપલુ, રોબર્ટ, ભલ્લા અને સૌથી ટોચ પર થક્તિ કપૂર. સંતોષીએ શક્તિ કપૂરને કાસ્ટિંગ દરમ્યાન જ થક્તી કપૂર નામ આપ્યું હતું. ક્રાઈમ માસ્ટર ગોગો તોતડાતો બોલે છે. આ ફિલ્મનો સૌથી મોટો ટ્રિવિયા તો એ જ છે કે કરિશ્મા કપૂરે આજ સુધી આ ફિલ્મ આખી નથી જોઈ.

જ્યારે વિજય સિન્હાનું નિધન થયું ત્યારે આમિર ખાને સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું હતું કે, ‘અંદાજ અપના અપના ભારતની સૌથી શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ હતી, છે અને રહેશે.’ આ નિવેદન એકદમ સત્ય છે. અંદાજ અપના અપનાનું શીખર એક અલગ જ છે. હેરાફેરી માઊન્ટ ગોડવિન ઓસ્ટિન છે તો અંદાજ અપના અપના એવરેસ્ટ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments