Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની ભયંકર અસર થઈ છે. ગઈકાલ મોડી રાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો અને જળબંબાકારની સ્થિતિ સર્જાય. સૌરાષ્ટ્રના રાજકોટ અને ભાવનગરમાં જે રીતે કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો તેવું જ જૂનાગઢની સાથે પણ થયું. જૂનાગઢમાં પણ મોડી રાતે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. જોકે લોકોનો ક્યાસ હતો કે આજ રાત પછી અને ગુલાબ વાવાઝોડું અરબી સમુદ્રમાં ફંટાય જતાં હવે રાહત મળશે. તેમના આ ક્યાસ પર પણ ચોમાસાએ ભરપૂર પાણી ફેરવી નાખ્યું છે.

જૂનાગઢ શહેરમાં મોડી રાતે પડેલા ઝરમર વરસાદ બાદ મેઘરાજાએ થોડો વિરામ લીધો હતો. બપોર પછી ફરી વરસાદ શરૂ થયો હતો. ત્રણ વાગ્યાથી શરૂ થયેલા આ વરસાદે હમણાં જ ભરાયેલા ડેમ, નદી, નાળાને ફરી ભરચક કરી નાખ્યા હતા. જૂનાગઢ જિલ્લાની નજીકના વિસાવદર તાલુકામાં તો આફતનો વરસાદ ખાબક્યો હતો. માત્ર ચાર કલાકમાં આઠ ઈંચ વરસાદથી વિસાવદરની ધરતી જળમગ્ન થઈ ગઈ હતી. આગામી સમયમાં હજુ ભારે વરસાદની આગાહી હોય પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે શહેરના ડેમ, નદી અને તળાવ પાસે જવાનો એક ઓક્ટોબર સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

મોડી રાતે પડેલો વરસાદ સવારમાં શાંત થઈ ગયો હતો. બે વાગ્યા બાદ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ હતી અને ફરી એક વખત વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. દામોદર કુંડ વરસાદી પાણીથી છલોછલ થઈ ગયો હતો. તેનું પાણી રોડ ઉપર આવી ગયું હતું. આવું જ કાળવા નીચેથી વહેતી કાલેન્દ્રિ નદીનું પણ થયું હતું. ભારે વરસાદના કારણે જૂનાગઢ શહેરમાં પાણી ભરાયા હતા. જંગલમાંથી વહેતા આવતા પાણીએ પણ તળેટીના માર્ગોને ઘોડાપૂરમાં ફેરવી નાખ્યા હતા. હમણાં જ ઓવરફ્લો થયેલા જૂનાગઢના હસ્નાપૂર ડેમ, વિલિંગ્ડન ડેમ અને નરસિંહ મહેતા તળાવ ફરી એક વખત છલોછલ થઈ ચૂક્યા છે.

વિસાવદરમાં પડેલા ચાર કલાકમાં આઠ ઈંચ વરસાદ બાદ અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ માજા મૂકી હતી. કેશોદ અને માંગરોળમાં 5 વાગ્યાથી શરૂ થયેલા વરસાદે ત્રણ કલાકમાં ત્રણ ઈંચની કૃપા કરી દીધી હતી. દરિયાકાંઠાના માંગરોળમાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા માછીમારભાઈઓને દરિયો ન ખેડવા અંગે સૂચિત કરવામાં આવ્યા હતા. જૂનાગઢમાં હવે તમામ ડેમ, નદી, નાળા, ચેકડેમ ઓવરફ્લો થયેલા છે. સિઝનનો સૌથી સારામાં સારો વરસાદ થયો છે. હવે તો જૂનાગઢવાસીઓ એક જ રટણ કરી રહ્યા છે કે ખમૈયા કરી જાવ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત