Team Chabuk-Gujarat Desk: પોલીસનો પ્રજા સાથેના વાણી-વ્યવહાર મૈત્રીપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રહે, પોલીસ અને પ્રજા વચ્ચે સતત સંવાદ સધાય તો જ પોલીસ પ્રજાની મિત્ર છે તે સૂત્ર સાર્થક બને. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હોય, ગુનાખોરીની ઘટનાઓ હોય કે કુદરતી આફતો અથવા મહામારીના સમયમાં પણ પોલીસ હર હંમેશ પ્રજાજનોની પડખે સતત ઊભી રહે છે. દિવસ-રાત જોયા વિના પોલીસ લોકોની મદદ માટે તત્પર રહે છે. પોલીસના આ માનવીય ચહેરાના કારણે નાગરિકો પોલીસને આદર અને સન્માનની નજરે જુએ છે. જોકે, કેટલાક બનાવો અને અમુક પોલીસકર્મીઓના વર્તનને કારણે સમગ્ર પોલીસ વિભાગની છબીને નુકસાન પહોંચતું હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મીઓના લોકો સાથેના વાણી, વ્યવહાર અને વર્તણૂકને સુધારવા અને પોલીસ તથા પ્રજા વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોની સ્થાપના માટે અમદાવાદ પોલીસ દ્વારા ‘પહેલ’ નામનો એક ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે. પહેલ અંતર્ગત પોલીસ વિભાગના તમામ સ્તરના અધિકારીઓ અને કર્મીઓને તાલીમ આપીને તેમના અભિગમ અને વ્યવહારમાં નોંધનીય પરિવર્તન લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
આપણે જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SMART પોલીસનો મંત્ર આપ્યો છે, આ મંત્ર અનુસાર SMART પોલીસમાં S= Strict but Sensitive , M= Modern and Mobile, A= Alert and Accountable, R= Reliable and Responsive, T= Techno savvy and Trained… આટલી કાબેલિયત તો હોવી જ જોઈએ. અમદાવાદ સહિત ગુજરાત પોલીસ વડાપ્રધાનના આ સૂત્રને સાકાર કરવા માટે કોઈ કસર છોડવા માંગતા નથી. પોલીસ સ્ટેશનની અંદર અને પોલીસ સ્ટેશનની બહાર પ્રજા સાથેના અમુક પોલીસકર્મીઓના અણછાજતા વર્તનને કારણે પોલીસની છબીને ઝાંખપ લાગે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં સૂચનો અને માર્ગદર્શન મુજબ અમદાવાદ પોલીસ દ્વારા અનોખી ‘પહેલ’ હાથ ધરવામાં આવી છે.
‘પહેલ’નો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના ક્રેડાઇ અમદાવાદ હાઉસ ખાતે 20મી જૂન, 2022ના રોજ કરવામાં આવ્યો છે. પહેલ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટરના સ્તરથી ઉપરના તમામ ઉચ્ચ અધિકારીઓ માટે એક દિવસીય સેમિનારનું આયોજન ક્રેડાઈ અમદાવાદ ગાયહેડના સહયોગથી કરવામાં આવ્યું હતું.
‘પહેલ’ નામને જ સાર્થક કરે તે રીતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની છબી લોકાભિમુખ બને અને સારા વર્તન થકી પોલીસ-પ્રજા વચ્ચેનો સેતુ દૃઢ બનાવી શકાય હેતુથી યોજાયેલા એક દિવસીય સેમિનારમાં ફરજ દરમિયાન ગુસ્સા પર કાબૂ રાખીને વર્તન યોગ્ય રાખવું, મીડિયા મેનેજમેન્ટ કેવી રીતે કરવું, ડ્યૂટી અને પરિવાર વચ્ચે કઈ રીતે સંતુલન સાધવું, કાયદાનું અનિવાર્ય જ્ઞાન તથા સ્ટ્રેસ મેનેજમેન્ટ સહિતનાં પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથોસાથ પોલીસ મથકોમાં જનસુવિધા, જન સંવાદ થકી પ્રશ્નોનું નિરાકરણ અને યોગ્ય માર્ગદર્શન મળે તે માટે વિવિધ આયોજનનોની રૂપરેખા પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
Live: અમદાવાદ ખાતે પોલીસ વિભાગના એક-દિવસીય સેમિનાર 'પહેલ' માં સહભાગી થતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ https://t.co/nQwcBKXQ9S
— CMO Gujarat (@CMOGuj) June 20, 2022
પહેલ અંતર્ગત આગામી ત્રણ મહિનામાં વિવિધ સ્થળે તાલીમ સત્રો આયોજિત કરવામાં આવશે અને અમદાવાદ જિલ્લાના આશરે 15,000 પોલીસ અધિકારીઓ અને કર્મીઓને આવરી લેવામાં આવશે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત વર્ગ 2 અને 3 સહિત અન્ય બ્રિગેડના પોલીસ જવાનો માટે વિવિધ સ્થળો પર તાલીમ સત્રો યોજવામાં આવશે. આ પહેલ અંતર્ગત વિવિધ ક્ષેત્રના વિષય-નિષ્ણાતો, કાયદાના જાણકારો, અનુભવી પોલીસ અધિકારીઓ, મનોચિકિત્સકો, વરિષ્ઠ પત્રકારો દ્વારા તાલીમ આપવામાં આવશે. આશા રાખીએ આગામી દિવસોમાં પોલીસ દ્વારા અનિચ્છનીય વર્તન-વ્યવહારના કિસ્સાઓ નહિવત્ થઈ જશે અને પોલીસની પ્રજા-મિત્ર તરીકેની છાપ વધારે સુદૃઢ બનશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત