Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ચોમાસાએ રીતસરની ત્રમઝટ બોલાવીને રાખી દીધી છે. ગઈકાલે સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયાં હતાં અને પછી ચિક્કાર વરસાદ પડ્યો હતો. સવારમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો બાદમાં અગિયાર વાગ્યે મેઘરાજાએ ફરી રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું હતું. અડધી કલાકની અંદર અંદર જ સવા ઈંચ જેટલો વરસાદ પડી જતાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. રાજકોટની કેટલીક શેરીઓ તો બેટમાં તબ્દિલ થઈ ગઈ હતી. જોકે મેઘરાજા રંગીલા રાજકોટને છોડવા નહોતા માગતા એટલે બપોર બાદ વધારે દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધીમીધારે મેઘરાજા પડ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને વાહનોને પસાર થવાની સમસ્યા ઉડીને આંખે વળગી રહી હતી. રાજકોટની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો. વરસાદના પગલે ન્યારી અને આજી ડેમમાં નવા નીરના શ્રીગણેશ થયા છે. રાજકોટમાં આજે સવા ઈંચ વરસાદ ખાબકતા હાલ સિઝનનો કુલ 28 ઈંચ વરસાદ નોંધાયો છે.
બીજી બાજુ રાજકોટના પાડોશી એવા ગોંડલ તાલુકામાં પણ મેઘમહેર જોવા મળી હતી. રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. ગોંડલના ભરચક વિસ્તાર બસ સ્ટેન્ડ, માંડવી ચોક, કપૂરીયા ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ચોમાસુ પાછું ફર્યું છે. અષાઢ અને શ્રાવણમાં કોરાધાકોર રાખી દીધેલા મેઘરાજા ભાદરવામાં રહી સહી કસર પૂરી કરી રહ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચાર દિવસ સુધી મેઘરાજાનું રોકાણ છે. આજે 13મી સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે 14 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, કચ્છ, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકવાની સંભાવના છે. આ સિવાય આગામી 15 સપ્ટેમ્બરના રોજ રાજકોટ સિવાય જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદ રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
ભાદરવામાં ભરપૂર વરસાદ પડવા પાછળનું કારણ એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ હોવાને માનવામાં આવે છે. એક પ્રેશર રાબેતા મુજબ બંગાળની ખાડીમાંથી ઉદ્દભવ્યું છે જ્યારે બીજું ગુજરાતની બોર્ડર નજીક છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં મેઘરાજા કેવી બેટીંગ કરે છે તે જોવાનું રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત