Team Chabuk-Gujarat Desk: ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરનારા અને ફળ પણ મેળવનારા હવે માનવા તૈયાર નથી કે અમારા કારણે કોરોના ફેલાયો. આ માટે તેઓ નિતનવા નિવેદનો આપતા રહે છે. સુરતના મેયર ખુરશી પર આવતા સિંઘમ થયા પણ એ ભૂલી ગયા કે પોતે કેટલા મોટા ટોળા ભેગા કર્યા હતાં. આ વિષે તેમને પૂછવામાં આવે ત્યારે તેઓ બીજી વાતોએ ચડી જાય છે.
કોંગ્રેસ તો હારેલી પાર્ટી છે અને એણે પણ ચૂંટણી જીતવા ટોળા ભેગા કર્યા હતા એટલે આ વાતનો સ્વીકાર તો કેમેય કરીને કરે. આ બાબતમાં તો વિરોધ પણ ન થાય! તમામ રાજકીય પક્ષો એક જ હિંચકા પર બેઠા છે. ત્રણેના ટાંટીયા જમીનને અડકે છે અને એકસાથે જ ધક્કો મારે છે. બધાએ ચૂંટણી પ્રચાર કર્યો અને કોરોના કોનાં કારણે ફેલાયો તે સ્વીકારવા તૈયાર નથી. હા, જનતાની બેદરકારીનાં કારણે કોરોના ફેલાયો તે કહી જ રહ્યા છે.
ધારાસભ્ય ગોવિંદભાઈને પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો, કે કોરોના ચૂંટણીના કારણે ફેલાયો. જેનો તેમણે ખૂબ બુદ્ધિમતા દર્શાવતો જવાબ આપ્યો. એમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ કાળી મજૂરી કરી છે એટલે એમને કોરોના નથી થયો. જે લોકો મહેનત અને મજૂરી કરે છે તેમને કોરોના નથી થતો.
તો તો પછી ગોવિંદભાઈ તર્ક તો એવો નીકળે છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે મહેનત ઓછી કરી હોવી જોઈએ, કારણ કે તેઓ પણ કોરોના સંક્રમિત થયા હતાં અને સ્ટેજ પર ઢળી પડ્યાં હતાં. સી.આર.પાટીલે પણ મહેનત ઓછી કરી હોવી જોઈએ કારણે તેમને પણ કોરોના થયો હતો. જો બધા મહેનત મજૂરી કરે અને એમને કોરોના ન થાય તો તો પછી વેક્સિનની શું જરૂર છે ? WHO મહોર ન મારી દે કે મહેનત કરો, આકરી મજૂરી કરો, કોરોના નહીં થાય. અરે જો આવું હોત તો તો ચીને ક્યારનો કોરોનાને ડામી દીધો હોત. ગોવિંદભાઈના નિવેદનથી તો લાગી રહ્યું છે કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેનત જ નહોતી કરી, કારણ કે તેમને કોરોના થઈ ગયો હતો.
આ પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જ્યારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ વિષે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે ચૂંટણીના કારણે કોરોના નથી ફેલાયો અને કહી દીધું કે પંજાબ અને મહારાષ્ટ્રમાં ક્યાં ચૂટણી હતી છતાં કોરોના ફેલાયોને. આ રીતે જવાબ આપી તેઓએ હાથ ખંખેરી લીધા હતા.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ