Team Chabuk-Gujarat Desk: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરાયા છે. શહેરી વિકાસ વિભાગે સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કર્યા છે. ચીફ ઓફિસરની બેદરકારી સાબિત થતી હોવાથી તેના પર કાર્યવાહી કરાઈ છે. જો કે, સવાલ એ છે કે, શું માત્ર સસ્પેન્ડ કરી સંતોષ માની લેવામાં આવશે કે કોઈ નક્કર પગલાં પણ લેવાશે ?
મોરબીની દુર્ઘટના હજુ લોકોની આંખો સામેથી હટી નથી રહી. એ રોકકડ, એ બાળકોની ચીખો, બચાવોની બૂમો હજુ મચ્છુમાં ગૂંજી રહી છે ! બીજી તરફ મૃતકોનો પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યો છે.મૃતકોના પરિવારજનો કહી રહ્યા છે કે, તેમના જે સ્વજનો ગુમાવ્યા છે તે પરત નથી ફરવાના પરંતુ આવી ભવિષ્યમાં અન્ય લોકોને પોતાના પ્રિયજનો ન ગુમાવવા પડે તેના માટે જવાબદારો વિરૂદ્ધ કડકમાં કડક પગલાં લેવાવા જરૂરી છે.
30 ઓક્ટોબર અને રવિવારનો એ દિવસ હતો. લોકો પોતાના પરિવાર સાથે રજાની મજા માણવા આવ્યા હતા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમનો આ અંતિમ પ્રવાસ હશે. ઝૂલતો પુલ તૂટ્યો અને 400 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા. કોઈ પુલના કાટમાળમાં દટાયું તો કોઈ મચ્છુની અંદર રહેલી જળકૂંભી અને કીચડમાં ફસાયું. સેવાભાવી સંસ્થઓ અને મોરબીના યુવાનો તાત્કાલિક મદદે દોડી આવ્યા. તંત્ર પણ મદદે પહોંચ્યું છતાં આવ્યા પરંતુ 50થી વધુ બાળકો સહિત 135 લોકોને ન બચાવી શકાયા. આ સમગ્ર ઘટના મામલે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે હોનારત બની ગયાના પાંચ દિવસ પછી ચીફ ઓફિસરને માત્ર સસ્પેન્ડ જ કરાયા હોવાથી અનેક સવાલો ઉઠ્યા છે.
રવિવારે રાત્રે જ પોલીસે 9 જવાબદાર લોકો સામે ગુનો નોંધ્યો હતો. જો કે 135 લોકોને ભરખી જનારી આ હોનારત મામલે ચીફ ઓફિસરની બેદરકારી છતી થઈ હોવા છતાં તેમને માત્ર સસ્પેન્ડ જ કરાયા છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં સંચાલક કંપની ઓરેવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા. સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નગરપાલિકાનો ઝૂલતો પુલ જે અતિ જર્જરિત હાલતમાં હતો. એ સમયે ત્યારે લોકો માટે વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપ છે એ અજંતા ઓરેવા ગ્રુપ એના દ્વારા આ ઝૂલતા પુલને ફરીથી સ્થાપિત કરવા માટે મેઇન્ટેનન્સ અને સમારકામ તૈયારી દર્શાવી હતી. એ અનુસંધાને કલેક્ટરની પણ મીટિંગ થયેલી હતી. એમાં એના દર નક્કી કરીને આ એગ્રીમેન્ટ કરીને એને સુપરત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો.
7 માર્ચે ઓરેવા કંપની સાથે જરૂરી એગ્રિમેન્ટ કરી એમને 15 વર્ષ માટે સમારકામ, મેન્ટેનન્સ અને તેના તમામ આનુસંગિક ખર્ચા અને કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે આપવામાં આવ્યો હતો. એમની રિનોવેશનની પ્રક્રિયા શરૂ કરી હતી અને જુદાજુદા મીડિયા અહેવાલો એમણે પ્રસિદ્ધ કરેલા હતા, એનાથી અમને જાણકારી હતી કે રિનોવેશનની પ્રક્રિયા ચાલુ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના (કંપની) દ્વારા કયા પ્રકારનું રિનોવેશન, કયા પ્રકારનું મટિરિયલ વાપરેલું છે તેની કોઈ જાણ કરાઈ નહોતી. વચ્ચે એક સમાચાર એવા હતા કે એમના દ્વારા સારામાં સારા ગ્રેડનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે. પરંતુ આ કેવી રીતે તૂટી ગયું? તેની કેપેસિટી શું હતી? તેનું ફિટનેસ સર્ટિફિકેટ લીધું છે કે નહીં? એ અમારી જાણકારીમાં હાલમાં નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત