Team Chabuk-Gujarat Desk: દેવભૂમિ દ્વારકાના મંદિરના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે રાત્રિના સમયે 25 ગાય માટે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા. પશુપાલક 450 કિલોમીટરની પદયાત્રા કરી કચ્છના રાપર પાસેના નાના રણમાં આવેલા મેડક બેટથી 25 ગાય સાથે દ્વારકા પહોંચ્યા હતા. જેને લઈ ખાસ પરવાનગી મેળવી. મહત્વનું છે કે, પશુપાલકે લમ્પી વાયરસના વધી રહેલા કેસના કારણે થોડા મહિના અગાઉ ભગવાન દ્વારકાધીશની માનતા માની હતી. કે, જો તેમની 25 ગાયમાંથી કોઈ પણ ગાય લમ્પી વાયરસનો શિકાર ન બને તો તેઓ ગાય સાથે જગતમંદિરે દર્શને આવશે. અને થયું પણ આવું જ. તેમની એક પણ ગાયને લમ્પી વાયરસનો ચેપ ન લાગ્યો. આખરે માનતા પુરી કરવા તેઓ ગાય સાથે પગપાળા મંદિરે પહોંચી ગયા.
આખા દેશમાં સૌપ્રથમ વખત કચ્છના લખપતથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી અને પશુપાલકો ભયથી ફફડી ઊઠ્યા હતા એ સમયમાં કચ્છના રાપર તાલુકાના મેડક બેટના મહાદેવભાઇ દેસાઈ નામના એક માલધારીએ પોતાના પશુધનને આ ઘાતક વાયરસથી બચાવી લેવા માટે દ્વારકાધીશની માનતા માની હતી.

કચ્છના આ પશુપાલક પાસે એ સમયે 25 ગાયો હતી અને આ ગાયોમાંથી કોઈને પણ લમ્પીની અસર થઈ નહોતી. આથી, કાળિયા ઠાકરની મહેરબાનીથી જ આવું થયું હોવાનું સમજીને પોતાના ગૌ-ધન સાથે તેઓ પગપાળા દ્વારકા આવવા નીકળી પડ્યા હતા. કચ્છથી દ્વારકા સુધી 450 કિલોમીટરનું પગપાળા અંતર કાપીને તેઓ આવી પહોંચ્યા. ત્યારે સવાલ એ ઉઠ્યો કે, દિવસે તો મંદિરમાં અન્ય શ્રદ્ધાળુઓ દર્શન કરતા હોય છે ત્યારે આ ગાયોને મંદિરમાં કેવી રીતે લઈ જવી ?
ત્યારબાદ વહીવટી તંત્રની ખાસ મંજૂરીથી ગાયોને કાળીયા ઠાકરના દર્શન કરાવવા માટે રાત્રે જગત મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા. પોતાના પાંચ ગૌસેવકો અને 25 ગાયોની સાથે દ્વારકા પહોંચેલા મહાદેવભાઇએ જગત મંદિરની પરિક્રમા કરી માનતા પૂર્ણ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
