Homeગુર્જર નગરીઝૂલતો પુલ, લટકતું મોત: દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મોત, બચાવકાર્ય પૂરજોશમાં

ઝૂલતો પુલ, લટકતું મોત: દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મોત, બચાવકાર્ય પૂરજોશમાં

Team Chabuk-Gujarat Desk: મોરબીમાં ઘટેલી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 140થી વધુ લોકોના મોત થયા છે. આજે સાંજે મોરબીના જાણીતા ઝુલતા પુલ પર એકાએક ભીડ વધી જતા પુલ વચ્ચેથી તૂટી ગયો હતો અને 200થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યાં હતા. ત્યારે આ ઘટનામાં 140થી વધુ મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા મૃતકોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે.

મોરબીમાં આજે સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેમાં અનેક લોકો નદીમાં ડૂબી ગયા છે. આ ઘટનામાં જે લોકોનું મૃત્યુ થયું છે તેઓના પરિવારોને પીએમ ફંડમાંથી રૂ. 2 લાખ તેમજ જે લોકોને ઇજા થઇ છે તેઓને રૂ. 50 હજારની સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત હવે રાજ્ય સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારને 4 લાખની સહાય અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.

ઝૂલતા પુલ દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં પાંચ સભ્યોની સમિતિ આ મામલે તપાસ હાથ ધરવાની હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે. રાજ્ય સરકાર દ્રારા આ ઘટનાની તટસ્થ તપાસ માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમીતિમાં 5 સભ્યોની ટીમ ઘટના અંગે તપાસ કરી બાદમાં સરકારને રિપોર્ટ સોંપશે.

ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે મોરબીની આસપાસની તમામ હોસ્પિટલોને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ જારી કર્યો છે. ખાસ રાજકોટની હોસ્પિટલમાં પણ આ અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ દુર્ઘટના મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વોર્ડ ઊભા કરવાની તૈયારી કરાઈ છે. 10 જેટલા તબીબોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ તબીબોની ટીમ મોરબી આવવા માટે રવાના થઈ છે.

બીજી તરફ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. એસપી સહિતના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને વિવિધ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો બચાવ કાર્યમાં જોડાયા છે. તરવૈયાઓ પણ મોટી સંખ્યામાં પાણીમાં ઉતરીને લોકોને બહાર કાઢી રહ્યા છે. મોરબી જિલ્લાની 12 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ બચાવ કાર્ય ઝડપથી થાય તે માટે હજુ પણ રાજકોટ, જામનગર, ધ્રોલ, જોડિયા સહિતના સ્થળેથી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી રહી છે. એલસીબી પીઆઇ કે. જે ચૌહાણ સહિત 50 જેટલો પોલીસ સ્ટાફ નદીમાં બચાવવા માટે પડ્યો છે

દુર્ઘટના મુદ્દે મોરબી કલેક્ટરે ટ્વીટ કરીને કહ્યું છે કે, મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટનાની નોંધ લીધી છે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ તંત્રને તાત્કાલિક ઘટતુ કરવા સૂચના આપી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments