Team Chabuk-Gujarat Desk: શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે, ગુજરાતના વિદ્યાર્થીઓ-યુવાઓ વિશ્વ સામે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે, અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરી શકે એવા મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. રાજ્યના વિદ્યાર્થીઓ-યુવાઓ શૈક્ષણિક ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થાય એ માટે અનેકવિધ નવતર આયામો, પ્રયોગો અને સુધારાઓ કર્યા છે અને આગામી સમયમાં પણ કરીશું એ માટે રાજ્ય સરકારનું મન હર હંમેશ ખુલ્લુ છે.

આજે વિધાનસભા ખાતે ગુજરાત ખાનગી યુનિવર્સિટીઓના દ્વિતીય સુધારા વિધેયક રજૂ કરતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી અમારી સરકારે શિક્ષણ યાત્રાને વધુને વધુ વેગવંતું બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્યનું યુવાધન શિક્ષણ દ્વારા વધુને વધુ રોજગારી મેળવી આત્મનિર્ભર બને એ માટે અમે આયોજનો કરવાના છીએ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શિક્ષણ ક્ષેત્રે જે નવા આયામો હાથ ધર્યા છે એને વધુ સંગીનતાથી અમે આગળ વધારી રાજ્યના યુવાધનને વધુ શિક્ષિત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા છે. એટલા માટે જ આ સુધારો લઇને અમે આવ્યા છીએ.
શિક્ષણમંત્રી વાઘાણીએ બીલ ઉપરની ચર્ચામાં જણાવ્યું હતું કે, અમારી સરકારે શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે તમામ વર્ગોના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્કોલરશીપ-શિષ્યવૃત્તિ શરૂ કરી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ, મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના, નવીન વ્યવસાયિક પ્રકલ્પો માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, કોલેજના વિદ્યાર્થીઓ PHD કરી શકે તે માટે નવીન શોધ યોજના પોસ્ટ ક્રેડીટ શિષ્યવૃત્તિ, મેડીકલની બેઠકોમાં વધારો અને તેની ફીમાં 50 ટકા જેટલી સહાય જેવા અનેકવિધ શિક્ષણલક્ષી આયામો અમે શરૂ કર્યા છે. શિક્ષણમાં ફી-નિયમન માટેની એફ.આર.સી.કમિટિની રચના પણ અમારી સરકારે કરી છે જેથી રાજ્યના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક રાહત મળી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

તેમણે કહ્યુ હતું કે, દેશમાં છેલ્લા 34 વર્ષથી જે ન થઇ શક્યુ તેવી નવી શિક્ષણ નીતિ-2020ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમલી બનાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શિક્ષણ વિભાગમાં હોલિસ્ટીક બદલાવ લાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. વિપક્ષના સારા સૂચનોને સ્વીકારીને ગુજરાતના હિતમાં શિક્ષણને વધુ મજબૂત બનાવવા નવા સુધારા કરવા અમે કટિબદ્ધ છીએ તેમ તેમણે ઉમેર્યુ હતુ.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ગુજરાત ખાનગી યુનિવર્સિટી- દ્વિતીય સુધારા વિધેયક દ્વારા રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથે અગાઉ જોડવાના વિધેયકને રદ કરી મૂળ સ્વરૂપે ગ્રાન્ટ ઈન એઇડ કોલેજોને સરકાર ઉચ્ચ શિક્ષણ સાથે જોડવા સુધારા વિધેયકને રજુ કર્યું હતું. જેને સભાગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, આ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથેના જોડાણથી વહીવટી, સ્ટાફ, ભરતી તથા ફી અંગેના પ્રશ્નો અંગે સંસ્થાઓ, અધ્યાપક મંડળો, વિદ્યાર્થી મંડળોની રજૂઆતોને ધ્યાનમાં લઇ ગુજરાતના શિક્ષણના વિશાળ હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ખાનગી યુનિવર્સિટીઓના દ્વિતીય સુધારા વિધેયકને વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરાયું હતું.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ