Team Chabuk-Gujarat Desk: કોરોના મહામારીના કારણે બંધ રહેલો નવરાત્રિ મહોત્સવ આ વર્ષે રંગેચંગે ઉજવાશે. ગરબા બે વર્ષ બાદ યોજાતા હોવાથી ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. જો કે થોડા દિવસ પહેલાં સમાચાર સામે આવ્યા હતા કે, આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ખાબકવાની સંભાવના છે. જેથી ખેલૈયાઓમાં થોડી ઘણી નિરાશા વ્યાપી ગઈ હતી. પરંતુ આ આગાહી બાદ હવામાન વિભાગે નવી આગાહી કરી છે. આજે હવામાન વિભાગે સત્તાવાર રીતે કરેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની શક્યતા ખુબ જ નહીવત છે. હવામાન વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે, આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની કોઈ શક્યતા નથી.
ઉલ્લેખનીય છે કે, આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોના કાળમાં બે વર્ષ ખેલૈયાઓ અને ગરબા રસિકોના રંગમાં ભંગ પડ્યો હતો. આ વખતે કોરોનાનું જોખમ ઓસરતા ખેલૈયાઓ અને યુવા હૈયાઓ નવરાત્રિમાં નવ દિવસ મનમૂકીને ગરબા રમવાના ઓતરા લઈને બેઠાં છે. ત્યારે એક સંભાવના એવી ચર્ચામાં હતી કે, આ વખતે વરસાદ પાછો ખેંચાયો છે, તેને પગલે નવરાત્રિ દરમિયાન રંગમાં ભંગ પાડી શકે છે. જોકે, હવામાન વિભાગે આ વાતનો છેદ ઉડાવી દીધો છે. હવામાન વિભાગે હાલમાં કરેલી આગાહી પ્રમાણે આગામી 26 સપ્ટેમ્બરથી એક સપ્તાહ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. આ સમાચારથી ગરબા રસિકોને હાશકારો થયો છે અને નવરાત્રિમાં ગરબે ઘુમવાની તૈયારીમાં લાગી ગયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કેટલાંક ઠેકાણે વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. જોકે, આ ઉપરાંત હાલ પુરતો રાજ્યમાં ક્યાંય કોઈ વરસાદી મહોલ નથી. આજે દક્ષિણ ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે કરેલી મહત્ત્વની આગાહી મુજબ આગામી બે દિવસ બાદ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય તરફ આગળ વધી શકે છે. રાજ્યના સૌથી મોટા જિલ્લા એના કચ્છમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, બંગાળની ખાડીમાં હાલ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જો આ સિસ્ટમ ગુજરાત તરફ ફંટાય તો રાજ્યના દક્ષિણ ઝોન એટલેકે, સુરત, તાપી, વાપી, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના પટ્ટામાં વરસાદ પડી શકે છે. જોકે, એકંદરે નવરાત્રિમાં વરસાદ નહીં પડે તેવી આગાહીથી ખેલૈયાઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત