Team Chauk-Gujarat Desk: મેઘરાજાએ ગુજરાતમાં જ નહીં પણ ભારતભરમાં વીકેન્ડ પર વાર કર્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોને મેઘરાજાએ તરબતર કરી દીધા છે. જેમાં સૌથી વધારે વલસાડના ઉમરગામમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય જામનગરમાં પડેલા સાંબેલાધાર વરસાદે તો જીવ તાળવે ચોંટાડી દીધા હતા. અહીં મેઘરાજાનાં રૌદ્ર સ્વરૂપે 150 ઉપર ઝાડનો સોથ બોલાવી દીધો છે, તો વીજળી પણ ગુલ કરી દીધી છે.
મુંબઈ…
મુંબઈમાં ગઈકાલ રાતથી જામી પડેલો મેઘો બંધ થવાનું નામ જ નથી લેતો. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યત થઈ ગયું છે. લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. અહીં જાનમાલનું પણ મોટાપાયે નુકસાન થયું છે. 19 લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. જેના પર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ પણ શોક વ્યક્ત કર્યો છે.
પ્રથમ ઈનિંગ
ગુજરાતમાં મેઘરાજા પ્રિ-મોન્સૂનમાં એવા વરસ્યા હતા કે ઘણાને આ વર્ષે સાંબેલાધાર વરસાદ વરસવાની સંભાવના લાગી રહી હતી. જોકે ટૂંકા અંતરાલમાં જ મેઘરાજાએ વિદાય લીધી હતી. અમદાવાદમાં ચોખ્ખા બે દિવસ એ પણ રાતના સમયે વરસાદ મંડાયો હતો અને બાદમાં લુપ્ત થઈ ગયો હતો. જ્યારે બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભરપૂર વરસી ગાયબ થઈ ગયો હતો. 20 દિવસના લાંબા સમય બાદ લોકો પણ મેઘરાજાની ચાતક નજરે વાટ જોતા હતા. જણાવી દઈએ કે અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 5.31 ઈંચ સાથે મોસમનો સરેરાશ 19.63 ટકા વરસાદ નોંધાયો છે. જેની તુલનાએ ગત વર્ષે 15 જુલાઇ સુધીમાં 7.91 ઈંચ સાથે મોસમનો 28.72 ટકા વરસાદ નોંધાયો હતો.
બીજી ઈનિંગ
મેઘરાજાની બીજી ઈનિંગનો આરંભ પણ કોટડાસાંગાણી, રાજકોટ અને ગોંડલથી થયો હતો. અહીં મેઘરાજાએ હળવી ઝલક આપી હતી. એ પછી હળવા ઝાપટ સાથે સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની બીજી ઈનિંગની શરૂઆત થઈ હતી. જોકે મહાનગરોએ કંઈ વધારે હરખાવા જેવું નહોતું. અમદાવાદમાં સાંજના પડેલા સરેરાશ એક ઈંચ વરસાદ, જેમાં મણિનગરમાં પડેલા સર્વાધિક વરસાદ સિવાય કંઈ હાથમાં નહોતું આવ્યું. રોજ ટાઢોળું વાતાવરણ થઈ જતું હતું પણ ચોમાસુ ક્યાંય દેખાતું નહોતું.
શનિ-રવિમાં ભર‘પૂર’
ગુજરાતમાં તારીખ 17 અને 18 મેઘરાજાના નામે લખાઈ ગઈ છે. આ વર્ષનો સર્વાધિક વરસાદ આ બે તારીખમાં જ પડ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશરના પરિણામે અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે ફરી એક વખત ગુજરાત રાજ્યમાં ચોમાસુ સક્રીય થયું છે. હવામાન વિભાગ દ્વારા પણ તારીખ 21 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 21 જુલાઈ સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન રહેશે. વાત જો હાલની કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 53 તાલુકાઓમાં મેહુલિયો મન મૂકીને વરસ્યો છે. તો જ્યાં હાલ વરસાદ નથી પડ્યો ત્યાં પણ કાળાડિબાંગ વાદળાઓ સાથે મેઘરાજા અમી છાંટણા કરવા તૈયાર છે.
ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આગાહી ?
| ક્રમ | સૌરાષ્ટ્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી |
| 1 | રાજકોટ |
| 2 | જામનગર |
| 3 | પોરબંદર |
| 4 | જુનાગઢ |
| 5 | અમરેલી |
| 6 | ભાવનગર |
| 7 | દ્વારકા |
| 8 | ગીર સોમનાથ |
ઉત્તર ગુજરાત
| ક્રમ | ઉત્તર ગુજરાત |
| 1 | ગાંધીનગર |
| 2 | અરવલ્લી |
| 3 | મહીસાગર |
મધ્ય ગુજરાત
| ક્રમ | મધ્ય ગુજરાત છૂટા છવાયા વરસાદી ઝાપટા |
| 1 | અમદાવાદ |
| 2 | આણંદ |
| 3 | દાહોદ |
| 4 | ખેડા |
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત