Team Chabuk-Gujarat Desk: રવિવારની સવારથી જ રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા હોય તેમ ઠેર ઠેર જળબંબાકાર થઈ ગયો છે. ખાસ કરીને વલસાડ (Valsad) જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ (Umargam)માં 8.46 ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાય ગયા છે. ઉમરગામ (Umargam) તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે.
આજે વહેલી સવારથી જ વલસાડ (Valsad) જિલ્લામાં મેહૂલિયો મંડાયો હતો અને ભારે વરસાદની શરૂઆત થઈ હતી. ઉમરગામ તાલુકામાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં જ 8.46 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. ઉમરગામ તાલુકાના ઊંડી ગઢેર, માછીવાડ, વોર્ડ નંબર 4, એસએમવી રોડ સહિતના વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણી ઘરમાં ઘૂસી જતાં લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રથમ વરસાદમાં પ્રિમોન્સુન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે.

વલસાડમાં પણ ભારે વરસાદ
વલસાડમાં પણ ભારે વરસાદના કારણે શહેરના શાકભાજી માર્કેટમાં પાણી ભરાય ગયા છે. છીપવાડના દાણા બજાર અને નાની ખાત્રીવાડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. છીપવાડ રેલવેનું ગરનાળુ અને મોગરવાડીના ગરનાળામાં વરસાદના પાણી ભરાઈ જતાં લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલી વેઠવી પડી છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. વલસાડ-ધરમપુર રોડ પર આંબલીનું મહાકાય વૃક્ષ પડી જતાં મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો. એક કલાક સુધી રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા વૃક્ષને હટાવતા રસ્તો ખુલ્લો થયો હતો.
ક્યાં કેટલો વરસાદ
| ઉમરગામ | 8.46 ઇંચ |
| વાપી | 6.30 ઇંચ |
| વલસાડ | 4.30 ઇંચ |
| ધરમપુર | 3 ઇંચ |
| પારડી | 1.46 ઇંચ |
| કપરાડા | 1.42 ઇંચ |
દમણમાં 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ
સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદે બઘડાટી બોલાવી છે. આજે વહેલી સવારથી જ દમણમાં ધોધમાર વરસાદ પડ્યો છે. દમણમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 9.48 ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે. ભારે વરસાદના કારણે દમણમાં અનેક જગ્યાએ પાણી ભરાય ગયા છે. દમણના દાભેલ ચેક પોસ્ટ, મોટી દમણ, મગરવાડા ઘડિયાળ સર્કલ આસપાસના વિસ્તારમાં પાણી ભરાય ગયા છે.
વલસાડમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમજ નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત