Homeગુર્જર નગરીહિન્દુ દેવ-દેવીઓનું અપમાન : ગુજરાતમાં CM કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા

હિન્દુ દેવ-દેવીઓનું અપમાન : ગુજરાતમાં CM કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા

Team Chabuk-Gujarat Desk: દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મપરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમનાં આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ચૂંટણી પહેલાં પોસ્ટર વોર શરૂ થયું છે. ‘હું ઈશ્વરને માનીશ નહીં’ તેવા લખાણ સાથે કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેનાં બેનર લગાવવામાં આવ્યાં છે. જોકે આ બેનર કોણે લગાવ્યાં એ અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ચૂંટણી સમયે આ પ્રકારનાં બેનર લાગતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ‘આપ’એ ભાજપ સરકારની નીતિઓ વિરુદ્ધ એક વાતાવરણ ઊભું કર્યું હતું. વધુમાં મફત વીજળી, મહિલાઓને ભથ્થું જેવી યોજનાઓથી ગુજરાતીઓને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, દિલ્હીમાં આપ સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમના હિન્દુ દેવ-દેવીઓનું અપમાન કરતાં નિવેદનથી ગુજરાતમાં આપના ચૂંટણી પ્રચારને મોટો ફટકો પડવાની શક્યતા છે. રાજેન્દ્ર પાલ ગૌતમના નિવેદનનો ભાજપ ભરપૂર ફાયદો ઉઠાવશે.

હિન્દુ ધર્મ પ્રત્યે સંવેદનશીલ ગુજરાતમાં શનિવારે સવારથી જ અનેક શહેરોમાં આપ હિન્દુ વિરોધી હોવાના પોસ્ટરો લાગી ગયા. આ સાથે દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમનો હિન્દુ વિરોધી નિવેદનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે.

શું છે સમગ્ર ઘટના?

દિલ્હીમાં બુધવારે વિજયાદશમીના દિવસે કેજરીવાલ સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે એક ‘ધર્માંતરણ’ સભામાં હાજરી આપી. એટલું જ નહીં તેમણે હિન્દુ દેવી-દેવતાઓ વિરોધી શપથ લીધી હતી. દિલ્હીના કરોલબાગ સ્થિત આંબેડકર ભવનમાં રાજેન્દ્ર પાલ ગૌતમની હાજરીમાં ‘ધમ્મ ચક્ર પ્રવર્તન દિન’ કાર્યક્રમમાં હજારો લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. આ સાથે મંચ પરથી મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની હાજરીમાં લોકોને શપથ પણ લેવાડાયા હતા. આ શપથમાં કહેવાયું હતું કે, ‘હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશને ક્યારેય ઈશ્વર નહીં માનું. અને તેમની પૂજા પણ નહીં કરું. હું રામ અને કૃષ્ણને પણ ઈશ્વર નહીં માનું અને તેમની ક્યારેય પૂજા પણ નહીં કરું. હું ગૌરી ગણપતિ વગેરે હિન્દુ ધર્મના કોઈપણ દેવી દેવતાઓને નહીં માનું અને તેમની પૂજા પણ નહીં કરું.’

ભાજપે એક મંત્રી તરીકે ધર્માંતરણ કાર્યક્રમમાં રાજેન્દ્ર પાલ ગૌતમની હાજરીનો વિરોધ કર્યો હતો અને હિન્દુ દેવ-દેવીઓ વિરોધી નિવેદન બદલ આપ સરકાર અને પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ઝાટકણી કાઢવામાં આવી છે. ભાજપે હિન્દુ દેવ-દેવીઓના અપમાન મુદ્દે કેજરીવાલને ઘેરતાં સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની હકાલપટ્ટીની માગણી કરી છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેવા સમયે આપ મંત્રીના આ નિવેદનથી અરવિંદ કેજરીવાલ પણ નારાજ હોવાનું મનાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments