Team Chabuk-Gujarat Desk: બપોર બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજકોટ જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસ્યા. રાજકોટમાં સૌથી વધુ વરસાદ ગોંડલમાં પડ્યો. ગોંડલમાં દોઢ કલાકમાં 4 ઈંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયું હતું. ગોંડલના વાસાવડ ગામની નદી બે કાંઠે વહેતી થઈ હતી. વસાવડી નદીના પૂલ પરથી પાણી વહ્યું હતું.
ગોંડલ, કોટડાસાંગાણી, આટકોટ, જસદણ સહિતના પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. ગોંડલના દેરડીકુંભાજી, મેતા ખંભાળિયા, કેશવાળા, મોવિયા, શ્રીનાથગઢ, વાસાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. આ તરફ જામવાડી ગામમાં મકાન પર વીજળી પડી છે. જોકે કોઇ જાનહાનિ થઇ નથી. જસદણમાં પણ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જસદણમાં એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ તરફ જૂનાગઢમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. ગિરનાર પર ધોધમાર વરસાદના પગલે દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ. તો સોનરખ સહિતની નદીઓમાં પણ પૂર આવ્યું. જૂનાગઢના નરસિંહ મહેતા તળાવમાં પણ પાણીની આવક થઈ. ભારે વરસાદના કારણે બાટવા ખારા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા બાટવાનું કોડવાવ ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
જૂનાગઢના ભેસાણ પંથકમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો જેના પગલે ભેસાણની ઉબેણ નદીમાં ઘોડાપૂર આવ્યું. આ તરફ કેશોદ શહેરમાં પણ એક કલાકમાં બે ઈંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. કેશોદના અજાબમાં એક કલાકમાં ત્રણથી વધુ ઈંચ વરસાદ નોંધાયો છે. વિરામ બાદ સારા વરસાદથી ખેડૂતોના મગફળી, સોયાબીન અને કપાસના પાકને જીવનદાન મળ્યું છે.
ભેસાણની ઉબેણ નદીમાં ઘોડાપૂર pic.twitter.com/8Q7VregXDK
— thechabuk (@thechabuk) September 8, 2021
અમદાવાદમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. અમદાવાદના જીવરાજપાર્ક, શ્યામલ, શિવરંજની, સેટેલાઈટ, ઈસ્કોન, એસ.જી.હાઈવે, વસ્ત્રાપુર તેમજ સાઉથ બોપલ સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે વેરાવળની મુખ્યબજારમાં પાણી વહેતા થયા હતા. વેરાવળના સટ્ટા બજાર, તપેશ્વરરોડ, સુભાષરોડ, ગાંધીચોક સહિતના માર્ગો પર પાણી ભરાયા હતા. જિલ્લાના સૂત્રાપાડા અને ઊના તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત