Team Chabuk-Gujarat Desk: રંગીલા રાજકોટ શહેરમાં પતિની રંગરેલીયોથી કંટાળીને પત્નીએ આત્મહત્યા કરી લેતા બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. આત્મહત્યાના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે આજીડેમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
28 વર્ષીય રીનાબહેને વહેલી સવારમાં પતિના અનૈતિક સંબંધોથી કંટાળી જઈને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનું પગલું ભર્યું હતું. તેઓએ ઝેરનું પાન કર્યું છે આ અંગે નાના ભાઈ પંકજ અને તેમના પતિ વિજયને ફોન પર જાણ કરી હતી. બનાવની જાણ થતાં નાનો ભાઈ બહેન પાસે પહોંચ્યો હતો અને તેને મવડી ખાતે આવેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં રીના બહેનની સ્થિતિ અત્યાધિક ગંભીર હોવાના પગલે તેમને સિવિલ હોસ્પિટલ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે પરિણીતા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચે એ પહેલા જ અંતિમ શ્વાસ લેતા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં આજી ડેમ પોલીસ સ્ટેશનના પી.આઈ વી.જે.ચાવડા સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે પરિણીતાના નાનાભાઈ પંકજે પોલીસને જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા પણ સાતમ આઠમમાં પીયર જવા બાબતે ઝઘડો થયો હતો. વિજયને અન્ય મહિલા સાથે પણ અનૈતિક સંબંધ હોવાના કારણે ગૃહકંકાસ રહેતો હતો. સવારમાં બહેને ઝેરી દવા પી હોવા છતાં સાસરિયા સમયસર સારવાર અર્થે દવાખાને નહોતા લઈ ગયા. નાનાભાઈ પંકજનું નિવેદન નોંધી હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાંચ વર્ષ પહેલા યુવતીના વિજય પરમાર સાથે વેવિશાળ થયા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. વિજયભાઈ ડ્રાઈવિંગનું કામ કરી ગુજરાન ચલાવે છે. એક વર્ષ પૂર્વે પતિને કોઈ સાથે આડાસંબંધ હોય બેઉ વચ્ચે ઝઘડો થયો હતો, જેનું માઠું લાગી જતા રિનાબહેન પંદર દિવસ માટે પિયર ચાલ્યા ગયા હતા. માતા પિતાની સમજાવટ બાદ રિનાબહેન ફરી સાસરિયે આવી ગયા હતા. આખરે કંટાળી તેમણે આત્મહત્યાનું પગલું ભર્યું હતું.
રાજકોટમાં પરપ્રાંતિય યુવાનનો આપઘાત
રાજકોટમાં કૂદકે ને ભૂસકે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. જેમાં બંગાળના યુવાને પોતાના ઓરડામાં ગમછા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આ યુવાન મૂળ બંગાળનો છે. યુવાનનું નામ સુશાંત છે જેને વતનમાં રહેતી ગર્લફ્રેન્ડ સાથે માથાકૂટ ચાલતી હતી. જ્યારે તેના રૂમ પાર્ટનર આવ્યા ત્યાં સુધીમાં તેણે આત્મહત્યા કરી લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત