Homeગુર્જર નગરીકોઈનું ન માને એ ભૂવાનું માને! રાજકોટના વીંછીયામાં ભૂવાએ કીધું કે વેક્સિન...

કોઈનું ન માને એ ભૂવાનું માને! રાજકોટના વીંછીયામાં ભૂવાએ કીધું કે વેક્સિન લઈ લો અને લોકોએ દોટ મૂકી

Team Chabuk-Gujarat Desk: આજે પણ ગામડામાં પનપી રહેલી અંધશ્રદ્ધાનો ઉકેલ આવ્યો નથી. કોરોના સમયે લોકો મરી રહ્યા હતા, જેના ઈલાજ માટે વેક્સિન આવી. બીજી બાજુ એવી અફવાની કેદમાં લોકો હતા કે રસી લેવાના કારણે મોત થઈ જાય છે. કેટલાય એવા વીડિયો આપણી સામે આવ્યા જેમાં આરોગ્ય ખાતાના અધિકારીઓ કે સરકારી કર્મચારીઓ લોકોને મનાવવા જાય છે પણ આખરે વિરોધ કરતા તેમને ખાલી હાથે પાછું આવવું પડે છે. પણ હવે એક ભૂવાની મહેનત રંગ લાવી છે. આ ભૂવાએ, ‘માતાજી કહે છે, વેક્સિન લઈ લો….’ આટલો હાકોટો પડકારો કરતા તો લોકોએ દોટ મૂકી છે.

advertisement-1

ઘટના બની છે રંગીલા રાજકોટના જસદણની નજીક આવેલા વીંછીયા અને તેની આસપાસના ગામમાં. આ સફળ પ્રયોગ બીજા કોઈએ નહીં પણ આરોગ્ય ખાતાના અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યો છે. નવરાત્રિનું પાવન પર્વ હોય, ભૂવો કહે તો લોકો માની જાય એમ અધિકારીઓ તેની પાસે ગયા હતા અને જણાવ્યું હતું. ભૂવાના મોઢામાંથી જેવા શબ્દો સરી પડ્યા કે, ‘માતાજી રજા આપે છે બાપ! જાવ વેક્સિન લઈ લો’ એ ભેગી તો છ-છ મહિનાથી જે કોઈનું કીધું માનતા નહોતા, એ ભૂવાનું કહેલું માનવા લાગ્યા.

advertisement-1

આ પૂર્વે આરોગ્ય વિભાગ દ્વારા અહર્નિશ મહેનત કરવામાં આવી હતી કે લોકો એમની વાત માને અને વેક્સિન લઈ લે. જેથી તેમનો જીવ બચી જાય. પણ ગામના લોકો વેક્સિન લેવા તૈયાર નહોતા. ગ્રામસભાથી લઈને રૂબરૂ મુલાકાત કરવામાં આવી પણ લોટ, પાણી અને લાકડું જ રહ્યું. સૌથી મોટો ભય કે ગામના લોકોની વય વધારે હતી. આ લોકો વેક્સિન લેવા રાજીખુશી નહોતા. બીજી બાજુ એમની ફરિયાદ હતી કે, રસી લેવા માટે ભૂવાઓ રજા ન આપતા હોવાથી વયોવૃદ્ધો રસી લેવા તૈયાર નથી. ભૂવો કહે તો વેક્સિન લઉં એવું કહેતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ચોંકી ગયા હતા.

advertisement-1

અધિકારીઓએ બુદ્ધિ દોડાવી કે જ્યાં જ્યાં વેક્સિનેશન ઓછું થયું છે ત્યાં ત્યાં ભૂવા સાથે સમજાવટ આદરવી. આસપાસના ઓરી, સમઢિયાળા, આકડિયા અને લાખાવડ સહિતના ગામોમાં ભૂવાની સાથે મુલાકાત કરી અને ભક્તોને વેક્સિન લેવાનું પોરસ ચડાવવા કહ્યું. પ્રથમ માતાજી પાસે વેક્સિન મૂકી. ભૂવાઓએ દાણા જોયા અને કહ્યું, ‘નવરાત્રિ હોવાથી માતાજી રાજી છે. જાવ લઈ લ્યો બાપ!’ હવે તો ગામના ભૂવા પણ આરોગ્ય અધિકારીઓની બુદ્ધિના કારણે વેક્સિન લેવા માટે તૈયાર થઈ ગયા છે. આનંદની વાત.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments