Homeગુર્જર નગરીરાજકોટમાં ટોળાને વિખેરવા માટે રિવોલ્વર કાઢનારા આ અધિકારી કોણ છે?

રાજકોટમાં ટોળાને વિખેરવા માટે રિવોલ્વર કાઢનારા આ અધિકારી કોણ છે?

Team Chabuk-Gujarat desk: ધંધુકામાં માલધારી સમાજના યુવક કિશન ભરવાડની હત્યા મામલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રાજકોટમાં પણ માલધારી સમાજના યુવાનોએ એક રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કલેક્ટરને આવેદન આપ્યા બાદ કેટલાક લોકોએ રસ્તો બંધ કરતા વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો. ટોળામાં રહેલા લોકોએ કિશન ભરવાડના હત્યારાને ફાંસી આપોના નારા લગાવ્યા હતા. જો કે, મામલો વધુ બિચકતાં  પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન એક પોલીસ અધિકારીએ સર્વીસ રિવોલ્વર પણ કાઢી હતી. આ અધિકારી હાલ ચર્ચામાં છે.

કોણ છે અધિકારી ?

પ્રદર્શનકારીઓ પાછળ રિવોલ્વર લઈને દોડનારા અધિકારી ક્રાઈમબ્રાંચના પીઆઈ વી.કે.ગઢવી છે. તેમણે ટોળાને વિખેરવા માટે પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી હતી અને ટોળાને ડરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી કે પીઆઈએ એક પણ રાઉન્ડ ફાયરિંગ પણ ન હતું કર્યું. જો કે, પીઆઈનું આ રૂપ જોઈને પ્રદર્શનકારીઓ ડરી ગયા હતા અને ટોળુ વિખેરાઈ ગયું હતું.

ટોળું એકઠું થવા અને પોલીસના હળવા લાઠીચાર્જ મુદ્દે રાજકોટ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે, કલેક્ટર કચેરીએ રજૂઆત કર્યા બાદ કેટલાક લોકોએ રસ્તો બંધ કર્યો હતો એટલું જ નહીં દુકાનો બંધ કરાવી કાયદો હાથમાં લીધો હતો. આ દરમિયાન શાંતિ જળવાય રહે અને સ્થિતિ વધુ ન વણસે તેના માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. બીજી તરફ તેમણે સોશિયલ મીડિયામાં કોઈ પણ વિવાદાસ્પદ પોસ્ટ ન મુકવા પણ શહેરીજનોને અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલ કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસે મૌલવી અને શૂટરના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે. મૌલવીની પૂછપરછમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. બીજી તરફ ગુજરાતમાં ઠેર ઠેર હિન્દુ સંગઠનો અને માલધારી સમાજ દ્વારા કિશનના હત્યારાને ફાંસી આપવાની માગણી થઈ રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments