Homeગુર્જર નગરીરાજકોટના આ યુવાને ધરખમ પગારની નોકરીનો ત્યાગ કરી હાઈડ્રોપોનિક ખેતીમાં ડગ માંડ્યા

રાજકોટના આ યુવાને ધરખમ પગારની નોકરીનો ત્યાગ કરી હાઈડ્રોપોનિક ખેતીમાં ડગ માંડ્યા

Team Chabuk-Gujarat Desk: રાજય સરકારની ‘‘સ્ટાર્ટ અપ’’ પોલિસી માટે પ્રેરણારૂપ બનનાર રાજકોટના રસિકભાઈ નકુમે હાઇડ્રોપોનિક ખેતી માટે નવલા પ્રયોગો હાથ ધરી બિલ્કુલ નજીવા ખર્ચે જમીન અને દવા વગર સાવ ઓછા પાણીથી પૌષ્ટિક કૃષિ પેદાશો મેળવી છે, અને આવનારા સમયને અનુરૂપ ખેતીના નવા ખ્યાલને સાકાર કરી બતાવ્યો છે.

હાઇડ્રોપોનિક ખેતી માટે રાજકોટના રહેવાસી રસિકભાઈ નકુમે આકરી સફર વેઠી છે. એમ.એસ.સી.-બી.એડની ડિગ્રી અને ઝળહળતી શૈક્ષણિક કારકીર્દિનો ત્યાગ કરી આઠ-આઠ દિવસો ભૂખ્યા વીતાવ્યા હોવા છતાં હિંમત ન હારનાર અને ડિગ્રીલક્ષી નોકરી કરી માત્ર સ્વયંનું જ વિચારવાને બદલે પોતાના કૌશલ્યનો ઉપયોગ સમાજ માટે કરવાના આશયથી રસિકભાઈએ રાજકોટના મેટોડાથી હાઈડ્રોપોનિક ખેતીનું નવુ બીજ રોપ્યું હતું, હાલમાં તેમને બહુચર સાગર ટ્રસ્ટના કૌશિકભાઈ અકબરી તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે, જેને પરિણામે આ હાઈડ્રોપોનિક ખેતીનું મોડેલ શહેરના રાધાનગર વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.

હાઇડ્રોપોનિક ખેતી (1)

હાઈડ્રોપોનિક ખેતી એટલે શું? તેનો ઉદભવ ક્યાંથી થયો?  તેનો વિચાર રસિકભાઈને કેમ આવ્યો ? આ તમામ પ્રશ્નોના જવાબ આપતાં રસિકભાઈ જણાવે છે-મારા સગાના માત્ર છ માસના બાળકનું મૃત્યુ ગાયનું જંતુનાશક દવાવાળું દૂધ પીવાથી થયું, ત્યારે મને આંચકો લાગ્યો હતો. એ જ અરસામાં હાઇડ્રોપોનિક ખેતી અંગે મેં એક આર્ટીકલ વાંચ્યો, જેમાંથી મને મારા વિચારોને મૂર્તિમંત કરવાની દિશા મળી ગઈ. પછી તો મેં આ બાબતે ખૂબ રીસર્ચ કર્યું. ઇન્ટરનેટ પરથી માહિતી મેળવી. અને હાઈડ્રોપોનિક ખેતી અપનાવવા માટે ભેખ લેવાનો નિર્ધાર કરી મારી મસમોટી સેલેરીવાળી નોકરીનો ત્યાગ કરી હાઈડ્રોપોનિક ખેતીના ક્ષેત્રમાં પગરણ માંડયા. માત્ર અને માત્ર સમાજનું સ્વાસ્થ્ય, આત્મસંતોષ, કંઈક અન્ય ને આપવાની ઇચ્છા, ભવિષ્યના યુવાનનું ઘડતર. આ બધાનું મિશ્રણ એ જ આપણો જવાબ ‘હાઈડ્રોપોનિક ખેતી’ 

૧૯૪૬થી વિશ્વના ઈઝરાયેલ, અમેરિકા અને જર્મની જેવા દેશોમાં હાઈડ્રોપોનિક કૃષિની શરૂઆત થઈ હતી, સાંપ્રત સમયમાં હાઇડ્રોપોનિક ખેતીની ભરપૂર માત્રામાં જરુરિયાત ઉદભવી છે. આ ખેતી નહિવત જમીનમાં પરંપરાગત ખેતી કરતાં માત્ર ૧૦ ટકા પાણીના વપરાશથી થઇ શકે છે. વળી તેમાં જમીનનો ઉપયોગ ન થતો હોવાથી પાકની સાથે વધારાનું નીંદણ થતું જ નથી. અને જંતુનાશક દવાની જરૂરિયાત પડતી નથી. આથી ઓછા પાણીનો મહત્તમ ઉપયોગ કરી વધુ પોષણયુક્ત પાક ઓછા સમયમાં મેળવી શકાય છે. કોઇ પણ વ્યક્તિ જાતે જ ટેરેસ ગાર્ડન, ફળિયું, ગેલેરી, દરિયાઈ વિસ્તાર વગેરેમાં કોઈ પણ ઋતુમાં કોઈ પણ પાક મેળવી શકે છે.

હાઇડ્રોપોનિક ખેતી અંગેનું તમામ સેટઅપ ઊભું કરવા માટે રાજયસરકાર છ મહિના સુધી પ્રશિક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડે છે અને રીસર્ચ સેન્ટર પણ ધરાવે છે. સમગ્ર સ્ટ્રકચર અને સોફ્ટવેર ઊભું કરવાનો અંદાજીત ખર્ચ રૂપિયા ત્રણ થી પાંચ લાખ જેટલો થાય છે. ત્યારે રાજકોટમાં આખું સ્ટ્રકચર તથા ઓટોમેશન મળીને રસિકભાઈએ માત્ર રૂ. ૭૦,૦૦૦ના ખર્ચે હાઇડ્રોપોનિક ખેતીનું આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે, જેમાં કલેબોલ, હાઈડ્રોટોન, નેટ કપ, ટાઇમર, ટી.ડી.એસ, ph મશીન તથા નેટહાઉસ વગેરેનો સમાવેશ થાય છે. જેની જરૂરિયાત ગુજરાતમાંથી જ પૂરી પાડવામાં આવે છે. જે ‘મેક ઇન ઇન્ડિયા’  અને ‘સ્ટાર્ટઅપ’ ને વેગ આપે છે. 

રસિકભાઈના જણાવ્યા મુજબ આ પ્રકારની ખેતીની ઉત્પાદકતાનો આધાર ટી.ડી.એસ (TDS) અને Ph પર રહેલ છે. જે માટે તેઓ વિના મૂલ્યે તાલીમ પણ આપે છે. અત્યાર સુધી તેમણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને અન્ય ક્ષેત્રોના કુલ ૫૦૦થી વધારે વિદ્યાર્થીઓ અને કૃષિઉત્સુકોને આ અંગે તાલીમ આપી છે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ તેઓ હાઈડ્રોપોનિક ખેતીના પ્રચાર-પ્રસારની ઉત્તમ કામગીરી કરી રહ્યા છે. અત્યારે તેમણે ભીંડો, પાલખ, મેથી, લસણ, કોથમીર, રીંગણા, બટેટા, ટમેટા, મરચા, કેપ્સિકમ, બ્રોકલી, બેસીલ, કોબીજ વગેરેનું ઉત્પાદન કર્યું છે. અને તેઓ ઇચ્છે છે કે લોકો આ કૃષિનું મહત્વ સમજી વધુને વધુ આ ક્ષેત્ર સાથે જોડાય.

તેમના જણાવ્યા અનુસાર આ પાક અન્ય પાકોની સરખામણીએ કેલ્શિયમ વધુ આપે છે. જેમાં ઉત્પાદન માટે તેઓ ન્યુટ્રિશન ફિલ્મ ટેકનીક(NFT) એટલે કે પાઇપ ચેનલની રીતનો ઉપયોગ કરીને નાના પ્લાન્ટનુ રોપણ કરે છે. જેમાં ખૂબ ઓછા પાણીના પરિવહનથી વધુ પાક લઈ શકાય છે. હાઈડ્રોપોનિક કૃષિ ભવિષ્યની માંગ હશે. જેના દ્વારા ૧૫ હજારથી વધુ વ્યક્તિઓને રોજગારી પણ મળશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments