Team Chabuk-Gujarat Desk: ગુજરાતના સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા જામનગર શહેરમાં મેઘરાજાએ સુપરફાસ્ટ ઈનિંગ રમી શહેરીજનોને મજાની સાથે સજાનો ઓડકાર પણ લેવડાવ્યો છે. શહેરના વાતાવરણમાં આવી ગયેલા અચાનક પલટા બાદ લોકોને લાગી રહ્યું હતું કે મેઘરાજા અડધી કલાકથી વધારે નહીં ટકે, પણ મેઘરાજાએ તેમની પૂરતી તાકાત જામનગરની ધરતીને ધમરોળવામાં લગાવી દીધી હતી.
આકાશમાં છવાયેલા કાળા ડિબાંગ વાદળા બાદ ગાજવીજ સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. મેઘરાજાના આગમનની સાથે સૂસવાટાભેર પવન પણ શરૂ થયો હતો. જેથી જામનગરવાસીઓને એક સાથે બે મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે થોડીવારમાં જ નયનરમ્ય લાગતું મેઘરાજાનું દૃશ્ય બદલી ગયું હતું અને તાંડવમાં તબ્દિલ થઈ ગયું હતું.
વરસાદે પોતાની ગતિ પકડી, સાંબેલાધાર વરસવા માંડતા જામનગરના એક એક વિસ્તારમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભારે મારો થવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના મુખ્યમાર્ગો તો જાણે મીની તળાવમાં તબ્દિલ થઈ ગયા હતા. કેટલીક જગ્યાએ મોટરસાઈકલ કાઢતી વખતે ટાયર પણ માંડ દેખાતાં હતાં. મેઘરાજાની આ વિસ્ફોટક ઈનિંગથી જામનગરવાસીઓને અસહ્ય ઉકળાટમાંથી શાંતિ મળી છે. તો બીજી બાજુ જામનગર શહેરમાં 150થી વધારે વૃક્ષો ધરાશાયી પણ થઈ ગયા છે. વૃક્ષોની સાથે સાથે વીજળી પણ ચાલી જતાં શહેરમાં અંધારપટની ચાદર પથરાઈ ગઈ હતી.
પવનનો મારો, વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા વરસાદે કુદરતી સંપદાને પણ મોટી હાની પહોંચાડી હતી. જામનગર શહેરમાં ઠેર ઠેર વૃક્ષો જમીનદોસ્ત થયાના સમાચાર વહેતા થયા હતા, એ પછી તંત્રની કામગીરી બેવડાઈ હતી. વૃક્ષો પડવાના કારણે કેટલીક જગ્યાએ ઈલેક્ટ્રિક વાયર પણ પડી ગયા હતા, તો થાંભલાઓ પણ પડી જવાની ઘટના સામે આવી હતી.
જામનગરના ઘણા વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. ઉપરથી ભારે વરસાદના કારણે કાચા મકાનની ઉપર રહેલા પતરાઓ ઉડી ગયા હતા. હાલ વીજપૂરવઠો ફરી વેગવંતો કરવા માટે તંત્રની 7થી 8 ટીમો જહેમત ઉઠાવી રહી છે. તો બીજી બાજુ મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા રસ્તામાં પડી ગયેલા મહાકાય વૃક્ષોને ઉઠાવવાની કામગીરી બજાવવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત