Homeગુર્જર નગરીસુરતના અઢી વર્ષના ‘તૈમૂર’નું વજન 192 કિલો અને કિંમત અગિયાર લાખ

સુરતના અઢી વર્ષના ‘તૈમૂર’નું વજન 192 કિલો અને કિંમત અગિયાર લાખ

Team Chabuk-Gujarat Desk: સુરતનો એક બકરો સમગ્ર ભારતમાં ચર્ચાનું કારણ બન્યો છે. આ બકરાને તૈયાર કરવામાં આવ્યો છે આવનારા ઈદના તહેવાર માટે. અલમસ્ત અને ગડદીયા જેવું શરીર સાથે ભલભલી ગાય કે પાડાની તોલે આવી જાય તેવું કદ. આ કોઈ વીએફએક્સ નથી!

192 કિલોનો આ બકરો ખરીદ્યો છે સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા જબ્બરભાઈ સુરતીએ. તેમની પાસે અન્ય વીસ બકરાઓ છે પણ સૌથી ચર્ચાસ્પદ તો આ જ છે. તેને જોયા પછી, એ આંખોમાં વસી ગયો હતો. જબ્બરભાઈને ગમે તે ભોગે બકરો ખરીદવાની ઈચ્છા થઈ ગયેલી અને તેમણે ખરીદી પણ લીધો. બકરાની કિંમત છે અગિયાર લાખ રૂપિયા. બકરાનું નામ છે તૈમૂર.

ગમે તેની આંખોને વિસ્મયનો ચમકારો લાવી દેનારો અગિયાર લાખનો આ બકરો માત્ર અઢી વર્ષનો છે અને મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદમાં તેની કુર્બાની આપવાની છે. બકરાની ઊંચાઈ 46 ઈંચ છે. શરીરનો મોટાભાગનો રંગ સફેદ જ્યારે પીઠ, પગ, ગરદન અને પેટનો ભાગ સામાન્ય બકરાની જેમ કાળો છે. આ બકરો પંજાબી નસલનો છે. જબ્બરભાઈ પાસે તો અન્ય પણ કેટલાક બકરા છે પણ તેની સામે જ્યારે તૈમૂર ઊભો રહે ત્યારે સિંહની સામે બકરી ઊભી રહી ગઈ હોય એવો ઘાટ સર્જાય છે.

તૈમૂરની આઠ મહિના સુધી કોઈ પશુપાલક દ્વારા સારસંભાળ રાખવામાં આવી હતી. તેને ઉની આંચ પણ ન આવે આ માટે તેની માથે ને માથે રહેવું પડતું હતું. બકરો ચાર લીટર દૂધ તો પી જ જાય છે, પણ સાથો સાથ કાજુ અને બદામ ખોરાકમાં ખાઈ જાય છે. આયુર્વેદિક ઔષધીઓ, ચારો, મુરબ્બો પણ તેના બાહુબલી કદનું રહસ્ય છે. આ જ તેની તાકાતનું રહસ્ય છે એવું નથી. હજુ વધુ સાંભળો. શરીર સૌષ્ઠવની કાળજી લેવા માટે તૈમૂરની એક કલાક સુધી માલિશ પણ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદને ગણતરીનો સમય બાકી હોય ત્યારે દેશ વિદેશમાંથી એક બકરો મીડિયામાં ચમકી જાય છે. આ વખતે સુરતના નાનપુરમાં રહેતા બિલ્ડરનો બકરો સમગ્ર ભારતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments