Homeગુર્જર નગરીસૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ

Team Chabuk-Gujarat Desk: મેઘરાજાએ પ્રિ-મોન્સૂનમાં ગુજરાતને ધમરોળ્યું હતું. એ પછી વીસેક દિવસનો લાંબો એકાંતવાસ ભોગવ્યો અને ફરી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અમી છાંટણા કર્યા. ત્રણ દિવસ પહેલા પડેલા વરસાદ બાદ અમદાવાદ સહિતના મેગા શહેરમાંથી મેઘરાજા ગાયબ થયા છે અને તડકો ફરી નીકળ્યો છે. જોકે હવામાન વિભાગે ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે વરસાદની આગાહી કરી દીધી છે.

ક્યાં ભારે ક્યાં હળવો?

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્રના કચ્છમાં સામાન્ય વરસાદ રહી શકે છે. જોકે અમદાવાદવાસીઓએ હજુ પણ ભારે વરસાદથી વંચિત રહેવું પડશે. અમદાવાદ માટે હવામાન વિભાગ દ્વારા હળવા ઝાપટાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વહિવટતંત્ર એલર્ટ મોડ પર

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી થતાં સૌરાષ્ટ્રનું વહિવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં કન્ટ્રોલરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા કર્મચારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર એવા દ્વારકામાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તંત્રએ માછીમારોને આગામી તારીખ 17 જુલાઈ સુધી દરિયામાં બોટ લઈ ન જવાનું કહ્યું છે.

સાધન સામગ્રી સુરક્ષિત સ્થળે ખસેડો

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે 45થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય પાણી પહેલા જ પાળ બાંધવાની કવાયતના રૂપે, માછીમારોની દરિયાકાંઠે રહેલી સાધન સામગ્રીને પણ સુરક્ષિત સ્થળે ખસેડવાની વહિવટી તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે.

ગીર સોમનાથ અને ઉનામાં વરસાદ

ગુજરાતના દરિયાંકાઠાના વિસ્તાર ગીર સોમનાથમાં રાતના સમયે મેઘ સવારી આવી પહોંચી હતી. અહીં વેરાવળમાં બે ઈંચ અને સુત્રાપાડામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી બાજુ દરિયાકાંઠાના ઉના અને ગીર ગઢડા વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. અહીં રાતના સમયે જંગલ વિસ્તારના ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે મચ્છુ અને નગડિયા ગામની શાહી નદી નવા નીરની આવક સાથે બે કાંઠે થઈ હતી. જ્યારે આસપાસના ગામોમાં સરેરાશ એકથી દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments