Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરમાં અંધશ્રદ્ધાનો વાઈરસ: ધગધગતા તેલમાં હાથ નાખી સતના પારખા તો ન થયા...

સુરેન્દ્રનગરમાં અંધશ્રદ્ધાનો વાઈરસ: ધગધગતા તેલમાં હાથ નાખી સતના પારખા તો ન થયા પણ દવાખાનાનો ધક્કો થયો

Team Chabuk-Gujarat Desk: અંધશ્રદ્ધામાં અનહદ વિકાસ થઈ રહ્યો છે. વર્ષોથી અંધશ્રદ્ધાનો વાઈરસ સમાજની વચ્ચે પનપી રહ્યો છે. પોતાનું કદ વિસ્તારી રહ્યો છે. બજારમાં તેની કોઈ વેક્સિન નથી અને તેના સંક્રમણથી બચવાનો કોઈ ઉપાય નથી. આવા શબ્દો એટલા માટે વાપરવા પડે કારણ કે વિકાસમાં હરણફાળ ભરતા સુરેન્દ્રનગર જિલ્લાનાં ગામડામાં એક સામાન્ય એવા ઝઘડાએ એવું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું કે જોત જોતામાં વાત સતના પારખા સુધી આવી પહોંચી ગઈ.

આસપાના લોકો આ ઝઘડાને જોવા એકત્રિત થયા હતા. વીડિયો ઉતાર્યો હતો, આશિર્વાદ લીધા હતા અને આનંદ પણ લીધો હતો. જોકે કોઈનામાં એવી હિંમત નહોતી કે બે લોકોના ડખામાં પડી તેમને આવું ન કરવા સમજાવે. સૌ પ્રથમ તો પુરુષે ઉકળતા તેલની કડાઈમાં હાથ નાખ્યો અને પછી મહિલાએ ઉકળતા તેલમાં હાથ નાખ્યા. સતના પારખા તો થાય ત્યારની ત્યારે પણ દવાખાનાનો ધક્કો થઈ ગયો.  

સમગ્ર ઘટના શું છે?

આ ઘટના છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠાના નિમકનગર ગામની. સામાન્ય ઝઘડામાં સતના પારખા કરવાનું જેમને મન થઈ ગયું એ બંને પાડોશી છે. બંને વચ્ચે એક જ દિવાલ છે. એમાં ધીરુભાઈએ પાડોશી ગીતાબહેનનાં પતિને એવું કહ્યું કે, ‘તું વહેલા ચાર વાગ્યે ગાડી લઈને જા છો પછી તારા ઘરમાં કોક આવે છે.’ આ ઘા પતિના હ્રદયમાં સોંસરવો ઉતરી ગયો હતો. સૌ પ્રથમ પતિ અને પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી અને પછી પાડોશી સાથે વિખવાદ થયો હતો. વિવાદે આગ નહીં પણ ધગધગતું તેલ પકડ્યું હતું!

હાથ દાઝ્યા

વચ્ચે તેલનું સળગતું ઉંબાડીયું રાખવામાં આવ્યું એમાં સૌ પ્રથમ પુરુષે હાથ નાખ્યા અને ધૂણવા લાગ્યો. એ ધૂણતા આસપાસના લોકો તેના આશિર્વાદ લેવા લાગ્યા. જોકે તેમને ખબર નહોતી કે થોડી ક્ષણોમાં શું થશે? થોડીવાર ધૂણ ચાલુ રહી પણ બાદમાં અસહ્ય બળતરા ઉપડી અને દવાખાને જવું પડ્યું હતું. વાંક તેલમાં હાથ નાખનારાઓનો તો છે જ પણ વીડિયોમાં જોઈ શકાય કે વાંક આસપાસના સ્થાનિકોનો પણ છે, જેઓએ આગળ આવી આ બંનેને ન રોક્યા.

અંધશ્રદ્ધા ક્યાં સુધી?

સુરેન્દ્રનગર જિલ્લાની આસપાસના વિસ્તારમાં ભૂતકાળમાં પણ આવા ઘૃણાસ્પદ અને મૂર્ખામીભર્યાં બનાવો બનતા રહ્યા છે. ધ્રાગધ્રાની આ ઘટના એ વાતની સાબિતી આપે છે કે રાજ્યમાં અંધશ્રદ્ધા પણ ભરપૂર ફૂલીફાલી રહી છે. જેના પર અંકુશની જરૂર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments