Homeગુર્જર નગરીમતદાન બુથ પર કર્મચારીઓ રાહ જોતા રહ્યા પણ કોઈ જોઈએ એવા ફરક્યા...

મતદાન બુથ પર કર્મચારીઓ રાહ જોતા રહ્યા પણ કોઈ જોઈએ એવા ફરક્યા નહીં

Team Chabuk-Gujarat-Desk : કોરોનાકાળમાં નેતાઓએ નિયમો તોડી બેફામ પ્રચાર કર્યો, ભજિયાં પાર્ટીઓ કરી, રેલી-સર્ઘસ કાઢ્યા, માસ્ક ખીસ્સામાં રાખીને ફર્યા તો કેટલાકે દાઢીએ લટકાવી ફર્યા. આ એ જ નેતાઓ હતા જેઓ પ્રજાને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવાની સલાહ આપી રહ્યા હતા. સામાન્ય જનતા જ્યારે ઘરની બહાર નીકળતી ત્યારે ચાર રસ્તે માસ્ક નો  દંડ ન ભરવો પડે એટલા માટે મોઢા ઢાંકીને ફરતી. તો કેટલાય લોકો નાની ભૂલના કારણે કે માસ્ક નાક નીચે ઉતરી ગયું હોય તો પણ હજાર રૂપિયાનો ચાંદલો કરાવી કપરાકાળમાં પોતાની બચતથી હાથ ધોતા હતા. હવે જ્યારે મતદાનનો સમય આવ્યો ત્યારે આ બેવડા ધોરણથી પ્રજા કંટાળી ગઈ હોય તેમ મતદારોએ ઘરથી બહાર નીકળવાનું ટાળ્યું અને મતદાન મથકો પર નિરસતા જોવા મળી. અમદાવાદ શહેરમાં બપોર સુધી 12 ટકા જ મતદાન જ થયું હતું. જે આંકડો સાંજ સુધીમાં માત્ર 41 ટકાએ જ પહોંચી શક્યો હતો.

મતદાન મીટર

રાજ્યમાં યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના આંકડાઓ પર એક નજર કરીએ તો સૌથી ઓછું મતદાન અમદાવાદમાં નોંધાયું. અમદાવાદમાં સરેરાશ અંદાજીત મતદાન માત્ર 42.53% થયું. એટલે કે, અમદાવાદમાં મતદારોએ બુથ સુધી જવાનું ટાળ્યું હતું.  સૌથી વધુ મતદાન જામનગરમાં નોંધાયું, જો કે, અહીં મતદાનનો સરેરાશ આંકડો 53.64% સુધી જ પહોંચી શક્યો હતો. આ ઉપરાંત રાજકોટમાં 50.75%, ભાવનગરમાં 49.47%, વડોદરામાં 49.47% અને સુરતમાં 44.52% ટકા મતદાન થયું.

શહેરમતદાનની ટકાવારી
અમદાવાદ42.53%
જામનગર53.64%
સુરત44.52%
વડોદરા47.99%
ભાવનગર49.47%
રાજકોટ50.75%

ઓછુ મતદાન એ રોષ નહીં અધુરી લોકશાહી !  

હવે આ મતદાનના મીટર પર નજર કરતાં સ્પષ્ટ છે કે, મતદારોનો પારો ઊનાળા પહેલાં જ ઊંચકાઈ ગયો છે. બીજી દ્રષ્ટીએ જોઈએ તો લોકશાહીના જતન માટે મતદાન જરૂરી છે. તમે કોઈ સત્તા સામે બાથ ભીડવા સક્ષમ ન હો એવું બની શકે પરંતુ આપણા દેશમાં પાંચ વર્ષે મતદારોને EVMનું બટન દબાવી પોતાના પ્રતિનિધિ ચૂંટવાની તક મળે છે ત્યારે કોઈ નારાજગી હોય, કોઈ માગણી હોય તો મતદારોએ પોતાનો મત આપી વ્યક્ત કરવી જોઈએ જેથી પરિણામ બાદ રાજકીય પાર્ટીઓને આપોઆપ બોધપાઠ મળી જાય પરંતુ અહીં વહેતી ઉલટી ગંગા લોકશાહીના દ્રષ્ટીકોણથી વખાણવા લાયક ન કહીં શકાય.

પરિણામની રાહ

સ્થાનિક સ્વરાજનો અર્થ જ છે સત્તાનું વિકેન્દ્રીકરણ અને સ્થાનિક સ્તર પર પ્રજા પોતાના જ નેતાને ચૂંટે જેથી તેઓ પોતાના મુદ્દા ઉઠાવી શકે, તેના પર કામ કરી શકે. પરંતુ મતદાતાઓનું આ વલણ જોતા સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓનો હેતુ સાર્થક થતો લાગતો નથી. હવે ઓછુ મતદાન થયું છે તેની અસર પરિણામ પર પડશે. ઓછા મતદાનથી કમળ ખીલશે કે પછી પંજો પરિવર્તન લાવશે એ પરિણામના દિવશે ખબર પડી જશે. ચૂંટણી વિશ્લેષણો સામાન્ય રીતે પતંગબાજી બનીને રહી જતાં હોય છે. ટીમ ચાબુક આવી કોઈ ભવિષ્યવાણી કે આગાહીમાં પડતી નથી પરિણામ જ બધું સ્પષ્ટ કરશે.

મેટ્રોના મતદાતાઓ નિરસ હવે ગ્રામ્ય પર નજર

મહાનગરોમાં તો મતદાતાઓએ નિરસતા દાખવી પરંતુ હવે એ પણ  જોવાનું એ રહે છે કે, 28 તારીખે નગરપાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાતાઓ સોશિયલ ડિસ્ટન્સ રાખીને મતતદાન કરે છે કે પછી EVMથી જ સોશિયલ ડિસ્ટન્સ રાખે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments